રસ્તાના ખાડા યથાવત, ડિવાઈડર ચમકાવવા AMCની તૈયારી, સાત ઝોનમાં થશે કરોડોનો ખર્ચ
AMC Greenery Maintenance: અમદાવાદમાં રસ્તાઓ પર ખાડા અને રોડની સમસ્યાઓ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિવાઈડર અને રસ્તાની બાજુમાં આવેલા ફૂલછોડની જાળવણી માટે 8.63 કરોડ રૂપિયા ખર્ચવાની યોજના બનાવવામાં આવી છે. શહેરના સાતેય ઝોનમાં સેન્ટ્રલ વર્જ એટલે કે ડિવાઈડર અને રોડસાઈડની હરિયાળી જાળવવા આ રકમ ખર્ચાશે. જોકે, રોપા, ખાતર અને જંતુનાશક દવાઓ જેવી સામગ્રી AMC પોતે પૂરી પાડશે, જ્યારે તેને લગાવવા અને જાળવણી કરવા માટે એજન્સીઓને કરોડો રૂપિયા ચૂકવવામાં આવશે.
સામગ્રી AMC આપશે, જાળવણી એજન્સીઓ કરશે
આ યોજના હેઠળ ડિવાઈડરમાં ફૂલછોડ ઓછા થાય તો નવા રોપા લગાવવામાં આવશે. દર ત્રણ મહિને ખાતર અને જંતુનાશક દવાઓ પણ મ્યુનિસિપાલિટી દ્વારા આપવામાં આવશે. એજન્સીઓએ આ સામગ્રીનો ઉપયોગ કરીને છોડની જાળવણી અને દવાનો છંટકાવ કરવાનો રહેશે. આ કામગીરી માટે પ્રતિ ચોરસ મીટર 345 રૂપિયા ચૂકવવાનું આયોજન છે. સાથે જ દર 1,500 ચોરસ મીટર વિસ્તારમાં એક માળી રાખવો ફરજિયાત રહેશે.
શિયાળામાં ચાર દિવસે, ઉનાળામાં બે દિવસે પાણી
કરારની શરતો પ્રમાણે શિયાળામાં દર ચાર દિવસે અને ઉનાળામાં દર બે દિવસે ફૂલછોડને પાણી આપવાનું રહેશે. આ ઉપરાંત દર સાત દિવસે છોડનું ટ્રિમિંગ પણ કરવામાં આવશે.
જોકે, દર વર્ષે જાળવણી પાછળ મોટી રકમ ખર્ચવા છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં છોડ સુકાઈ જવા અને ડિવાઈડર પર કચરો જોવા મળતો હોવાની ફરિયાદો રહે છે. તેથી આ વખતે થનારા ખર્ચથી ખરેખર કેટલો સુધારો થશે તે જોવાનું રહેશે.
કયા ઝોનમાં કેટલો ખર્ચ થશે?
AMCની યોજના પ્રમાણે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 2.64 કરોડ, દક્ષિણ પશ્ચિમમાં 1.74 કરોડ, પશ્ચિમમાં 1.21 કરોડ અને દક્ષિણ ઝોનમાં 1.34 કરોડ રૂપિયા ખર્ચાશે. ઉત્તર ઝોનમાં 66 લાખ, પૂર્વ ઝોનમાં 64 લાખ અને મધ્ય ઝોનમાં 38 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
અમદાવાદના સાતેય ઝોનમાં કુલ 8.63 કરોડ રૂપિયાના આ ખર્ચ વચ્ચે શહેરના રસ્તાઓ અને ડિવાઈડરની સ્થિતિમાં કેટલો ફેરફાર આવે છે તેના પર હવે સૌની નજર રહેશે.

