Ahmedabad Housing Scam: અમદાવાદમાં સરકારી આવાસ અપાવવાના નામે રૂ. 50 લાખની છેતરપિંડી, 23 લોકો બન્યા શિકાર

Arati Parmar
3 Min Read
Ahmedabad Housing Scam

ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન અપાવવાની લાલચ આપી ઠગાઈ, બે શખસો સામે ફરિયાદ નોંધાઈ

Ahmedabad Housing Scam: અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના સરકારી આવાસ અપાવવાના નામે મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. બે શખસોએ સરકારી મકાન અપાવવાની લાલચ આપીને કુલ 23 લોકો પાસેથી રૂ. 50.04 લાખ ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ છે. લાંબા સમય સુધી મકાન ન મળતાં અને આપેલી રકમ પરત ન થતાં આખરે એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ભાડે રહેતા વ્યક્તિને મકાન અપાવવાની લાલચ આપી

મેમનગરમાં છેલ્લા 10 વર્ષથી ભાડે રહેતા નરેશ પ્રજાપતિને તેમના પાડોશી ઘનરાજ યાદવે સરકારી આવાસ અપાવવાની વાત કરી હતી. એપ્રિલ 2024માં ઘનરાજે જણાવ્યું હતું કે તેનો મિત્ર ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાન અપાવવામાં અને ફોર્મ ભરાવવામાં મદદ કરે છે. ત્યારબાદ નરેશ અને તેમની પત્ની ઘનરાજ સાથે વંદે માતરમ રોડ પર મકાનો જોવા ગયાં હતાં.

- Advertisement -

ત્યાં એક 1 BHK મકાન પસંદ આવતાં તેની કિંમત આશરે રૂ. 8 લાખ હોવાનું જણાવાયું હતું. ઘનરાજે મકાન ન મળે તો એડવાન્સની રકમ પરત આપવાની ખાતરી આપીને નરેશનો વિશ્વાસ જીત્યો હતો.

એડવાન્સ અને દસ્તાવેજના નામે રૂપિયા લીધા

ઘનરાજે નિકુંજ ભરવાડ નામના પોતાના મિત્ર સાથે નરેશની મુલાકાત કરાવી હતી. મકાન અપાવવાનું કામ નિકુંજ કરતો હોવાનું કહીને રૂપિયાની લેવડદેવડ પોતાની સાથે જ રાખવા જણાવ્યું હતું. ફરિયાદ મુજબ, નરેશે એપ્રિલ 2024માં રૂ. 1.16 લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ બ્લોક નંબર 13માં મકાન ફાળવાયું હોવાનું કહી દસ્તાવેજના નામે વધુ રૂ. 73,500 લેવામાં આવ્યા હતા.

- Advertisement -

લાંબા સમય સુધી મકાન કે રૂપિયા ન મળ્યા

23 સપ્ટેમ્બર 2024ના રોજ નરેશને દસ્તાવેજ માટે ગોતા મામલતદાર કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. જોકે, કોઈ કાર્યવાહી થઈ નહોતી. દસ્તાવેજ કરનાર અધિકારીનાં માતાનું અવસાન થયું હોવાનું કહી બીજી તારીખ આપવાનું જણાવાયું હતું. ત્યારબાદ પણ લાંબા સમય સુધી કોઈ જવાબ મળ્યો નહોતો. નરેશે વારંવાર રૂપિયા પરત માગ્યા, પરંતુ તેને માત્ર આશ્વાસન જ મળ્યું હતું.

23 લોકો પાસેથી રૂ. 50.04 લાખ પડાવ્યાનો આક્ષેપ

ફરિયાદ અનુસાર, ઘનરાજ યાદવ અને નિકુંજ ભરવાડે ભેગા મળીને નરેશ પાસેથી રૂ. 2,33,500 અને અન્ય 22 લોકો પાસેથી રૂ. 47,70,500 મેળવ્યા હતા. આમ, કુલ રૂ. 50,04,000ની છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ છે. સરકારી આવાસ અપાવવાના નામે રૂપિયા લીધા હોવા છતાં કોઈને મકાન ન મળતાં નરેશે બંને શખસો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
Share This Article