ભુજ, તા. 14 : આર્દ્રા નક્ષત્ર બેસવાને એક અઠવાડિયા જેટલો સમય માંડ બચ્યો છે, ત્યારે કચ્છમાં કમાલની કેસર કેરીની બજાર ધમધોકાર જામી છે. મીઠાં મધુરાં ફળની મીઠી કમાણીની મોસમના અંતિમ દોરમાં ભાવ પણ સારા મળી રહ્યા છે અને `રસના રસિયા’ લોકો પણ ભાવભેર ખરીદી, ખાઇને છેલ્લે છેલ્લે મજા માણી રહ્યા છે. જો કે, તેમ છતાં કુદરત રીષાતાં કેસરના ફાલને ફટકા સાથે ધાર્યા ભાવ નહીં મળવાનો અફસોસ કિસાન સમુદાય એકી અવાજે વ્યક્ત કરી રહ્યો છે. કેસર કેરીની અત્યારની બજારનો તાગ મેળવવાનો પ્રાથમિક પ્રયાસ `કચ્છમિત્ર’એ કરતાં એક વર્ગના ધરતીપુત્રો કહી રહ્યા છે કે, મધુરાં ફળની મોસમ હવે માંડ પાંચ-સાત દિવસ સુધી રહેશે, તો બીજો વર્ગ એવો આશાવાદ વ્યક્ત કરી રહ્યો છે કે, હજુ જૂનના અંત અને વરસાદ ખેંચાશે તો જુલાઇના પહેલા અઠવાડિયા સુધી કેસર કેરીની કચ્છી ઘરેલુ બજારમાં બોલબાલા રહેશે. આજની તારીખે બજારમાં 10 કિલોની પેટીના 900થી 1400 રૂપિયે કિલોના સરેરાશ ભાવે કેસર કેરી વેચાઇ રહી છે. એક તરફ ખેડૂત સમાજ ધાર્યા ભાવ નહીં મળવાનો ખેદ વ્યક્ત કરે છે, તો બીજી તરફ ખાનાર ગ્રાહક સમાજ હજુ ભાવ થોડાક ઘટવા જોઇએ તેવી લાગણી વ્યક્ત કરી રહ્યો છે.

ઘણા સારા ભાવે વેચાણ કરી મીઠી કમાણી કરી લઇને હાથ ઉપરનો બધો માલ પૂરો થઇ જતાં કેટલાક કિસાનો કેસરના કારોબારમાંથી પરવારી ગયા છે, તો હજુ કેટલાક બગીચામાં તો કિસાનો કેસરનો ફાલ બગીચામાંથી લણી રહ્યા છે. વીતેલા વર્ષની તુલનાએ કેરીના ભાવ ઘણા સારા મળ્યા છે અને હજુ મળી રહ્યા છે, પરંતુ બીજીબાજુ ફાલ જ ઓછો ઊતર્યો હોવાથી એકંદરે ખેડૂત માટે રાજી થવા જેવું ચિત્ર નથી તેવું ભારતીય કિસાન સંઘ, કચ્છના અધ્યક્ષ શિવજીભાઇ બરાડિયા કહે છે. કચ્છના બાગાયત વિભાગના નાયબ નિયામક મનદીપ પરસાણિયાએ જણાવ્યું હતું કે, કચ્છમાં કેસર કેરીની બજાર એકાદ સપ્તાહ સુધી જામેલી રહેશે. ભાવ પણ સારા મળી રહ્યા છે અને હજુયે ઘટશે નહીં, પરંતુ વધવાની શક્યતા નકારી ન શકાય. કારણ કે તલાલા સહિત સૌરાષ્ટ્રની બજારો સમેટાઇ ચૂકી છે એટલે ઘરેલુ બજારમાં છેલ્લા દિવસોમાં કચ્છી કેસરની માંગ વધેલી રહેશે. આશાપુરા ફાર્મના સૂત્રધાર અને પ્રયોગશીલ કિસાન અગ્રણી હરેશભાઇ મોરારજી ઠક્કર એક ધ્યાન ખેંચનારા અવલોકન સાથે કહે છે કે, ક્યાંક વહેલો વરસાદ થવાથી મોસમ ટૂંકી રહેશે તેવી બીકે કાચી કેરી કાપી, પરાણે પકવીને ખર્ચના ખાડા પૂરવાની ઉતાવળે ખેડૂતોને ખોટના ખાડામાં નાખી દીધા છે.
ખેડૂતોએ 25મી મેથી પાંચ-સાત જૂન સુધીમાં 70 ટકા ફાલ ઉતારી લીધો છે. અત્યારે માંડ 25 ટકા માલ હાથ પર છે. અત્યારે પ્રાકૃતિક રીતે પાકી હોવાથી મીઠી અને સારી કેસર કેરી બજારમાં મળી રહી છે. ભીમ અગિયારસ જેવા દિવસે ફરાળના થાળમાંયે કેસર કેરી જોવા મળશે.ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ રહી ચૂકેલા વિચારશીલ કિસાન અગ્રણી વેલજીભાઇ ભુડિયાએ જણાવ્યું હતું કે, આ વખતે ઝાડ ઉપર ઓછાં ફળ હોવાથી પોષણ પૂરતું મળ્યું. પરિણામે જે પાકી તે કેરીના રંગ-રૂપ, કદ, આકાર અને સ્વાદ શ્રેષ્ઠ મળ્યા છે. વરસાદ ખેંચાતાં આમ્રફળની મોસમને જીવતદાન મળી ગયું છે, તેવું તેમણે કહ્યું હતું. આ વખતે ભાવ ભલે સારા મળ્યા, પરંતુ દેશ-વિદેશની બજારોની માંગ પૂરી કરવી પડકાર રૂપ બની રહી, તેવું ગુજરાત એગ્રોના પૂર્વ ડાયરેકટર અને કચ્છમાં કેસર કેરીનો પાયો નાખનારા અગ્ર હરોળના કિસાન બટુકસિંહ જાડેજા કહે છે.અત્યારે પણ વાડી-ખેતર તરફ નજર કરતાં જોવા મળી રહ્યું છે કે, તલાલા, સૌરાષ્ટ્રની કેસર, મહારાષ્ટ્રની આફુસની બજારના વાવટા વીટાઇ ગયા હોવાથી કચ્છના બગીચાઓમાં મુંબઇથી નીકાસકાર વેપારી સમુદાય છેલ્લી કેસર કેરી લેવા ઊતરી પડયો છે.નખત્રાણા તાલુકાનાં કોટડા, રોહામાં 13 એકરમાં દેશી તેમજ કેસર કેરીની સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતા પ્રયોગધર્મી યુવા કિસાન હરિસિંહ જાડેજા કહે છે કે, ખીરસરા, ગઢશીશા જેવા વિસ્તારોમાં કયાંક તો કિસાનોએ હજુ કેસર કેરી ઉતારી પણ નથી. બિપોરજોય વાવાઝોડાં વખતે કેટલાક બગીચાની બાજી બગડી હતી.
વૃક્ષો મૂળમાંથી જ હચમચી જતાં આંબે મોર આવ્યા જ નહીં. તેવા ખેડૂતો આ વખતે મીઠાં ફળની મીઠી કમાણીનું સ્વપ્ન પણ જોઇ શક્યા નથી. હવે આઠ-10 દિવસનો ખેલ છે. અંજાર તાલુકાનાં ચંદિયા ગામમાં પ્રકૃતિના ખોળે ખેતી કરતા યુવા કિસાન દીપક સોરઠિયા કહે છે કે, ખર્ચના ખાડા પૂરીને પછી પાંચ પૈસા કમાવવાની તક જરૂર મળી છે, પરંતુ આ વખતે કેસરમાં ધારી કમાણી કરી શકાઇ નથી. કેટલાક કિસાનોએ તો ઉત્તમ ગુણવત્તાની સજીવ ખેતીથી પાકેલી કેસર કેરી 10 કિલોની પેટીના બે હજાર અને કયાંક તો 3300 રૂપિયા જેટલા ઊંચા ભાવમાં પણ વેચી છે. આ વખતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી કેસર કેરી સીધી ગ્રાહક રાજાને વેચવાનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો. વિવિધ કૃષિલક્ષી વોટ્સએપ ગ્રુપ પર કેસર કેરીની તસવીરો, કિંમત મૂકીને ખેડૂતોએ વેપાર કર્યો છે. કેટલાક ખેડૂત વર્ગે સજીવ ખેતીના દાવા સાથે ઓળખ નહીં આપવાની અપીલ કરતાં કહ્યું હતું કે, આ વખતની મોસમમાં સજીવ ખેતીથી પાકેલી કેસર 600-700 રૂપિયા (પાંચ કિલોના) થી નીચા ભાવે નથી વેચાણી, કાર્બાઇડવાળી કેસર 400થી 500 રૂપિયાના ભાવે વેચાઇ છે અને હજુ પણ વેચાય છે.

