બ્રિજટાઉન (બારબાડોસ), તા. 19 : સેમિફાઇનલમાં પહોંચવા માટેનો ટી-20 વર્લ્ડકપના સુપર-8 રાઉન્ડનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ટીમ ઇન્ડિયાની પહેલી ટક્કર ગુરુવારે પાડોશી દેશ અફઘાનિસ્તાન વિરુદ્ધ થશે. અફઘાનિસ્તાન આઇસીસી ટૂર્નામેન્ટમાં ઉલટફેર કરવા માટે જાણીતી છે.
આથી રોહિત સેનાએ અફઘાન સામે સાવચેત રહેવું પડશે. ભારતીય ટીમ અપરાજિત રહીને સુપર-8માં પ્રવેશી છે જ્યારે અફઘાનિસ્તાન ટીમને તેની આખરી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે કારમી હાર મળી હતી. સુપર-8 રાઉન્ડની આ મેચમાં ભારત સામે ટીમ સંયોજનનો સવાલ છે. પાછલા 12 મહિનાનો પોતાનો શ્રેષ્ઠ સ્પિનર કુલદીપ યાદવ ઇલેવનમાં સામેલ હશે કે ગ્રુપ સ્ટેજની બેટિંગ લાઇનઅપ સાથે ઉતરશે તે નિશ્ચિત નથી. કુલદીપના સમાવેશ માટે કોચ રાહુલ દ્રવિડ કદાચ એક વિશેષજ્ઞ ઝડપી બોલરોની પણ કુરબાની આપી શકે છે.

કારણ કે બ્રિજટાઉનની પિચ ધીમી છે અને સ્પિનરોને તેમાંથી મદદ મળી શકે છે. ભારતે તેના ચારેય ઓલરાઉન્ડર હાર્દિક પંડયા, શિવમ દૂબે, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને ગ્રુપ સ્ટેજની મેચોમાં ઇલેવનમાં સ્થાન આપ્યું હતું. આ રણનીતિ ન્યૂયોર્કની કઠિન પિચ પર સફળ રહી હતી. આથી કપ્તાન રોહિત શર્મા આ વિજેતા સંયોજન જાળવી રાખશે. આથી જો કુલદીપને સામેલ કરવો હશે તો સિરાજ અને અર્શદીપમાંથી એકને પડતો મૂકવો પડે. આ સ્થિતિમાં સિરાજ પર ઇલેવનની બહાર થવાની તલવાર લટકી રહી છે.
સુપર-8 રાઉન્ડમાં બુમરાહ અને સૂર્યકુમારનો દેખાવ ભારત માટે ઘણો મહત્ત્વનો બની રહેશે. ભારત સામે બીજો એ સવાલ છે કે સ્ટાર બેટર વિરાટ કોહલીને કયા નંબર પર ઉતારવો. અત્યાર સુધી 3 મેચમાં તેના ખાતામાં ફક્ત પ રન છે. તે ઓપનર તરીકે નિષ્ફળ રહ્યો છે. આથી વિરાટ ફરી તેની મનપસંદ વનડાઉનની સ્થિતિમાં જોવા મળી શકે છે. આ સ્થિતિમાં કપ્તાન રોહિત સાથે ઓપનિંગ કોણ કરે તે મોટો સવાલ છે. યશસ્વી જયસ્વાલને સામેલ કરવા માટે શિવમ દૂબેને પડતો મૂકવો પડે. બીજી તરફ અફઘાનિસ્તાન ટીમ વિન્ડિઝ સામેની કારમી હાર બાદ ભારત સામે ઉતરશે. તેનો ઝડપી બોલર ફઝલહક ફારૂકી જોરદાર ફોર્મમાં છે. તે 12 વિકેટ સાથે ટોચ પર છે. જો કે કપ્તાન રાશિદ ખાનની ફિરકી વર્લ્ડકપમાં ચાલી નથી. અફઘાન ટીમને ફોર્મમાં ચાલી રહેલ બે બેટર રહમાનુલ્લાહ ગુરબાજ અને ઇબ્રાહિમ ઝારદાન પાસેથી સારા દેખાવની આશા રહેશે.

