બીસીસીઆઈ દ્વારા ઓલિમ્પિક્સ રમનારા ભારતીયોને 8.5 કરોડની મદદ મળશે

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 21 : ચાલુ અઠવાડિયાથી પેરિસમાં ઓલિમ્પિકનો આરંભ થવાનો છે. બીસીસીઆઈએ પણ બતાવી દીધું છે કે તેને પણ ભારતીય ખેલાડીઓ પાસે ઘણી આશા છે. બીસીસીઆઈએ ઓલિમ્પિક અભિયાનને ધ્યાને લઈને ભારતીય ઓલિમ્પિક એસોસીએશનને 8.5 કરોડ રૂપિયા આપ્યા છે.

bcci help olympics

- Advertisement -

આ એલાન બીસીસીઆઈ સચિવ જય શાહે સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે કર્યું છે. જય શાહે પોસ્ટમાં લખ્યું છે કે તેઓને ઘોષણા કરતાં ગર્વ થઈ રહ્યો છે કે, બીસીસીઆઈ પેરિસ ઓલિમ્પિક, 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા એથલિટ્સને સમર્થન કરશે. આ અભિયાન માટે આઈઓએને 8.5 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમે ચાલુ વર્ષે જૂન મહિનામાં ટી-20 વિશ્વકપ ખિતાબ જીત્યો હતો, ત્યારે બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ટીમ અને સપોર્ટિંગ સ્ટાફને ઈનામ પેટે 125 કરોડ રૂપિયા આપ્યા હતા.

15 ખેલાડી અને પૂર્વ મુખ્ય કોચને 5-5 કરોડ રૂપિયા મળ્યા હતા. જો કે, દ્રવિડે માત્ર 2.5 કરોડ લેવાની જ વાત કરી હતી. આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડી ભાગ લેવાના છે. ખેલ મંત્રાલયે આ ઉપરાંત સહયોગી સ્ટાફના 140 સભ્યને પણ મંજૂરી આપી છે, જેમાં ખેલ અધિકારી સામેલ છે. સહયોગી સ્ટાફના 72 સભ્યોને સરકારના ખર્ચે મંજૂરી મળી છે. પેરિસ ઓલિમ્પિકનો આગાઝ 26 જુલાઈના રોજ થવાનો છે, જે 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ અગાઉ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના 119 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને 7 પદક જીત્યા હતા, જેમાં નીરજ ચોપડા દ્વારા ભાલાફેંકમાં જીતવામાં આવેલો ઐતિહાસિક ગોલ્ડ મેડલ પણ સામેલ છે.

- Advertisement -
Share This Article