અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : હાલમાં ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં એક તરફ કોલેરા અને ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી 4 બાળકોના મોત થતા હડકંપ મચી ગયો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકના અચાનક મોત થયા છે. મૃત્યુ પામેલા ચાર બાળકોમાંથી એક સાબરકાંઠા જિલ્લાનું અને બે અરવલ્લી જિલ્લાના હતા. ચોથો બાળક રાજસ્થાનનો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય બે બાળકો પણ રાજસ્થાનના છે.

ચાંદીપુરા વાયરસના આતંકને જોતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને મૃતક બાળકોના રિપોર્ટ તપાસ માટે પૂના મોકલવામાં આવ્યા છે. બીજી બાજું સરકારના આરોગ્ય વિભાગે ચાંદીપુરા વાયરસને લઈને ગાંધીનગર ખાતે બેઠક બોલાવી છે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના આરોગ્ય વિભાગના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં ચાંદીપુરા વાયરસને રોકવા એક્શન પ્લાન ઘડવામાં આવશે કોરોના વાયરસની મહામારીને લોકો હજુ માંડ માંડ ભૂલ્યું છે, ત્યારે એક નવો વાયરસ આતંક મચાવી રહ્યો છે. આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચાંદીપુરા વાયરસથી મગજમાં સોજો આવી જાય છે અને સંક્રમિત દર્દીનું મોત થાય છે. મચ્છર અને માખીઓને કારણે આ વાયરસ ફેલાય છે.અને તાવ આવવો, ચાઠા પડી થવા, આંખો લાલ થઇ જવી, માથું દુ:ખવુ, અશક્તિ, શ્વાસ લેવામાં તકલીફ પડવી આ વાયરસના મુખ્ય લક્ષણો છે. બે દિવસમાં ચાર બાળકોના મોત થતા તંત્ર સફાળું જાગ્યું છે.
હાલ તંત્ર એલર્ટ મોડ પર છે, વાયરસનો વધુ ફેલાયો ન થાય તે માટે દવાઓનો છંટકાવ શરૂ કરી દીધો છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અસરગ્રસ્ત દર્દીઓના ઘરે તેમજ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરમિયાન સાબરકાંઠા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી રાજ સુતારિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 6 કેસ મળી આવ્યા છે જેમાંથી 4 દર્દીઓના મોત નિપજ્યા છે અને બે દર્દીઓ સારવાર હેઠળ છે. તમામ છ બાળકોના લોહીના નમૂનાઓ પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી)માં મોકલવામાં આવ્યા છે અને તેમના પરિણામોની રાહ જોવાઈ રહી છે. તેમણે જણાવ્યું કે 10 જુલાઈના રોજ ચાંદીપુરા વાઈરસના કારણે ચાર બાળકોના મોત બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલના બાળરોગ ચિકિત્સકોએ શંકા વ્યક્ત કરી હતી. જે બાદ બાળકોના સેમ્પલ તપાસ માટે પુના મોકલવામાં આવ્યા હતા. સુતરિયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ અન્ય બે બાળકોમાં પણ સમાન લક્ષણો જોવા મળ્યા હતા. તેઓ પણ આ જ વાયરસથી સંક્રમિત હોવાનું જણાય છે. આ વાયરસ માખીઓ દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે.
