રાજ્યમાં સરેરાશ 67 ટકા, કચ્છ ઝોનમાં 86 ટકા વરસાદ
અમદાવાદ, 5 ઓગસ્ટ. રાજ્યભરમાં વરસાદ વચ્ચે સોમવારે ફરી એકવાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સોમવારે સવાર સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 9 ઈંચ અને વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ તાલુકામાં 7-7 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે ડાંગ જિલ્લાના આહવા તાલુકા, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા અને નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદામાં 6-6 ઈંચ વરસાદ નોંધ્યો છે.

રાજ્યમાં ચોમાસું યથાવત છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વઘઈ અને પારડી તાલુકામાં 5-5 ઈંચ, વાપી, સુબીર અને ડોલવણ તાલુકામાં 4-4 ઈંચ અને ઉમરગામ, તિલકવાડા અને ગણદેવી તાલુકામાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાંથી મળેલી માહિતી મુજબ સોમવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 67 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ ઝોનમાં સિઝનનો સૌથી વધુ 86 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 81 ટકા અને સૌરાષ્ટ્ર ઝોનમાં 77 ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં 50 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સરેરાશ માત્ર 48 ટકા વરસાદ થયો છે.

