નવી દિલ્હી, તા. 8 : તમામ એક્ઝિટ પોલની આગાહીઓને ખોટી ઠરાવીને ભાજપે હરિયાણામાં જીત સાથે ઐતિહાસિક હેટ્રિક નોંધાવી છે. વિધાનસભાની 90 બેઠકમાંથી 49 બેઠક ઉપર જીત મેળવીને કોંગ્રેસને મોટો આંચકો આપ્યો છે.
કોંગ્રેસે હરિયાણામાં 36 બેઠક ઉપર સફળતા મેળવી છે. હરિયાણાની જીત ભાજપે ખાસ કરીને પ્રવર્તમાન 10 વર્ષથી સત્તા વિરોધી ભાવના અને પક્ષ દ્વારા સામનો કરવામાં આવેલા જુદા-જુદા પડકારોને ધ્યાનમાં રાખીને મેળવી છે. કેન્દ્રીય નેતૃત્વએ આ વખતે ચૂંટણી દરમ્યાન રાજ્યના નેતાઓ ઉપર પ્રચાર છોડી દીધો હતો અને વડાપ્રધાન મોદીએ પણ થોડી જ રેલીઓ કરી હતી. આ ઉપરાંત રાજ્યના મુદ્દાઓને રજૂ કરીને ચૂંટણીમાં રસાકસીનો માહોલ બનાવ્યો હતો. કોંગ્રેસ સામે સીધી હરિફાઇમાં ભાજપની જીતે તેના કાર્યકર્તાઓમાં નવી ઊર્જાનો સંચાર કર્યો છે તેમજ તેમનું મનોબળ વધાર્યું છે અને આ પરિણામની અસર મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં યોજાનાર ચૂંટણીઓમાં જોવા મળે એવી શક્યતા છે.

ભાજપે આ વર્ષની શરૂઆતમાં નાયબસિંહ સૈનીને હરિયાણાના મુખ્યપ્રધાન નિયુક્ત કર્યા હતા. વર્તમાન મનોહર લાલ ખટ્ટરને બદલીને નોંધપાત્ર વ્યૂહાત્મક પરિવર્તન કર્યું હતું. આને માસ્ટર સ્ટ્રોક પણ માની શકાય. આ નિર્ણયનો મુખ્ય હેતુ પક્ષની છબીને પુર્નજીવિત કરવાનો હતો અને વર્ષ 2024ની ચૂંટણીઓ પહેલાં જાહેર ફરિયાદોના ઉકેલ તરીકે લેવાયો હતો. – કોંગ્રેસમાં આંતરકલહ : જ્યારે કોંગ્રેસે વિરોધમાં એક દાયકા બાદ પુનરાગમનનો ધ્યેય રાખ્યો હતો. તેના પ્રયાસો આંતરિક વિભાજન, જનનાયક જનતા પક્ષ અને ભારતીય રાષ્ટ્રીય લોક દળ જેવા પ્રાદેશિક પક્ષોની હાજરીને કારણે અવરોધાયા હતા. આ ઉપરાંત આમ આદમી પક્ષના પ્રવેશથી ઘણી બેઠકો ઉપર મતોનું વિભાજન થતાં તેનો લાભ ભાજપને મળ્યો છે.

