તેલ અવીવ, તા. 10 : ઈઝરાયલ દ્વારા ગાઝામાં સતત હવાઈ હુમલા અને બોમ્બમારો જારી છે. તેણે પૂર્વ ગાઝામાં વિસ્થાપિતોના એક વિસ્તારમાં શાળાને નિશાન બનાવીને કરેલા સૌથી મોટાં હવાઈ આક્રમણમાં કમ સે કમ 100 જણ માર્યા ગયા હતા, તો ડઝનબંધ ઘાયલ થયા હતા. જેને લીધે તનાવ વધ્યો છે. પેલેસ્ટાઈની સમાચાર એજન્સી ડબલ્યુએએફએને ટાંકીને રોઈટર્સે જણાવ્યું હતું કે, આ હુમલામાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થયાં છે. એક તરફ યુક્રેન-રશિયા વચ્ચે ભીષણ સંગ્રામ અટકતો નથી. ઈરાન યુદ્ધનો મોરચો ખોલી રહ્યું છે. બીજી તરફ ઈઝરાયલે પેલેસ્ટાઈન પર ભીષણ કાર્યવાહી જારી રાખતાં સેંકડો લોકો મોતને ભેટી રહ્યા છે.

રડતાં બાળકો, મહિલાઓ, તૂટેલાં મકાનોના ખંડેર અને ચોમેર વિધ્વંશનાં દૃશ્યો જોઈને શાંતિ ઝંખતા માનવીઓ ઈશ્વરને પ્રાર્થી રહ્યા છે. ક્યારે અટકશે મોતની મિસાઈલો અને નિર્દોષ માનવીઓની હત્યા. જો કે, ઇઝરાયલે જણાવ્યું છે કે, એ સ્થળે હમાસનું કમાન્ડ સેન્ટર ચાલતું હતું અને આતંકીઓ છૂપાયા હતા. યુનોએ ઇઝરાયલના હુમલાની ટીકા કરી છે. દરમ્યાન ઇઝરાયલ પર હુમલાને લઇને ઇરાનમાં બે તડાં પડી ગયા છે. રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન ઇઝરાયેલના નાગરિક સ્થળો પર હુમલાના પક્ષમાં નથી, પણ દેશની સેના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ હુમલો કરવાની તૈયારી કરી રહી છે. હિઝબુલ્લાહ સાથે તેલ અવીવમાં હુમલાની યોજના પણ ઘડાઇ રહી છે.
હમાસ દ્વારા સંચાલિત ગાઝા સરકારના મીડિયા કાર્યાલયના જણાવ્યા અનુસાર લોકો નમાજ પઢતા હતા, ત્યારે આ હુમલો થયો હતો. ઈઝરાયલી દળોએ વિસ્થાપિતોને નિશાન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલે ગયા સપ્તાહે જ ગાઝામાં ચાર સ્કૂલ પર હુમલો કર્યો હતો, જેમાં 30 જણ માર્યા ગયા હતા, તો કેટલાય ઘવાયા હતા. યુદ્ધથી તબાહ કાંઠાળ પેલેસ્ટાઈની ક્ષેત્રમાં યુદ્ધવિરામ માટે અનેક દૌરની વાતચીત થઈ ચૂકી છે, પણ હજી સુધી તેમાં સફળતા મળી નથી, ત્યાં હવે ઇઝરાયેલના નવા હુમલાથી તનાવમાં વધારો થયો?છે.

