પેરિસ, તા. 11 : અનેક શાનદાર પ્રદર્શનો અને વિવાદો બાદ પેરિસ ઓલિમ્પિકનું સમાપન થયું છે. ઉત્તર પેરિસના સ્ટેડ ડે ફ્રાન્સમાં આયોજિત રંગારંગ સમાપન સમારોહ સાથે આ રમતોત્સવ પૂરો થયો હતો. 2028માં લોસ એન્જેલસમાં ઓલિમ્પિક યોજાશે. ભારતને આ રમતોમાં છ ચંદ્રક મળ્યા હતા અને સુવર્ણચંદ્રકની આશા પૂરી થઇ નહોતી. હવે જો વીનેશ ફોગાટના પક્ષમાં સીએએસ દ્વારા ફેંસલો આપવામાં આવે તો ભારતના મેડલની સંખ્યા સાત થવાની સંભાવના છે. સત્તાવાર રીતે હવે પુષ્ટિ થઈ ચૂકી છે કે, ભારત પેરિસ ઓલિમ્પિકમાં એકપણ ગોલ્ડ મેડલ જીતી શક્યું નથી. ગોલ્ડ વિના ભારતનું ઓલિમ્પિક અભિયાન ફીકું માનવામાં આવી રહ્યું છે.

પેરિસ ઓલિમ્પિકનો સમાપન સમારોહ નોર્થ પેરિસના સ્ટેડ ડે ફ્રાન્સમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ધ ટુનાઇટ શોના જિમી ફેલન અને સ્પોર્ટસ બ્રોડકાસ્ટર માઇક ટિરિકોએ સંચાલન કર્યું હતું. ભારત તરફથી 22 વર્ષીય નિશાનેબાજ મનુ ભાકર અને હોકીના લીજેન્ડ પીઆર શ્રીજેશ ક્લોઝિંગ સેરેમનીમાં ધ્વજવાહક બન્યા હતા. મનુ ભાકર પહેલી ભારતીય મહિલા બની છે, જેણે 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પીઆર શ્રીજેશે ભારતને હોકીમાં બ્રોન્ઝ મેડલ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે આ અગાઉ ટોક્યો ઓલિમ્પિકમાં એક ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા. જે ભારતના ઓલિમ્પિક ઈતિહાસનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેવામાં આશા કરવામાં આવી રહી હતી કે, પેરિસ ઓલિમ્પિકમાં ચંદ્રકની સંખ્યા બે અંક સુધી પહોંચશે. જો કે, આશાથી વિપરીત ટોક્યો ઓલિમ્પિક કરતા પણ ઓછા મેડલ મળ્યા છે, જેમાં એકપણ ગોલ્ડ સામેલ નથી.
પેરિસ ઓલિમ્પિક 2024માં કુલ 112 એથલિટ્સે 16 રમતની 69 મેડલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સાથે પાંચ રિઝર્વ એથ્લીટ પણ પેરિસ ગયા હતા. જો કે, શૂટિંગ, એથ્લેટિક્સ, હોકી અને કુસ્તીમાં જ ભારતને મેડલ મળી શક્યા છે. આમ જોવામાં આવે તો ભારતે અત્યારસુધીની ઓલિમ્પિક ઇવેન્ટસમાં કુલ 41 પદક જીત્યા છે, જેમાં નિશાનેબાજ અભિનવ બિન્દ્રા (2008) અને નીરજ ચોપડા (2021) જ વ્યક્તિગત ગોલ્ડ મેડલ લાવી શક્યા છે. પેરિસ ઓલિમ્પિકના મેડલ ટેલીની વાત કરવામાં આવે તો ચીને 40 ગોલ્ડ, 27 સિલ્વર અને 24 બ્રોન્ઝ સાથે 91 મેડલ જીત્યા છે, જ્યારે અમેરિકાએ 38 ગોલ્ડ, 42 સિલ્વર અને 43 બ્રોન્ઝ સાથે કુલ 123 મેડલ જીત્યા છે. જાપાને 19 ગોલ્ડ, 12 સિલ્વર અને 13 બ્રોન્ઝ સાથે કુલ 44 મેડલ નામે કર્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ કુલ 51, ફ્રાન્સે 63, બ્રિટને 65, નેધરલેન્ડે 33, દ. કોરિયાએ 32 અને જર્મનીએ પણ 32 મેડલ જીત્યા છે. ભારતનું સ્થાન મેડલ ટેલીમાં 71મું છે.

