નવી દિલ્હી, તા. 12 : અમેરિકાની શોર્ટસેલિંગ કંપની હિંડનબર્ગના નવા અહેવાલ પર રાજકીય ઘમસાણ બાદ સોમવારે સત્તારૂઢ ભાજપે આકરા પ્રહારો કર્યા હતા. કેસરિયા પક્ષના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ભારતના લોકો દ્વારા ઠુકરાવી દેવાયા બાદ આ કોંગ્રેસ તેના સહયોગી અને `ટૂલકિટ ગેંગ’નું દેશમાં આર્થિક અરાજકતા તેમજ અસ્થિરતા સર્જવાનું ષડયંત્ર છે. સેબીના અધ્યક્ષ માધવી પુરી બૂચ સામે હિંડનબર્ગના આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા તપાસ કરાવવાની કોંગ્રેસની માંગ ભાજપે ફગાવી દીધી હતી.

જુલાઇમાં સુપ્રીમ કોર્ટની નજર હેઠળ થયેલી તપાસ બાદ સેબીએ હિંડનબર્ગને નોટિસ આપી, તો જવાબ આપવાના સ્થાને પાયાવિહોણા આરોપ મુકયા. નાના રોકાણકારોને નુકસાન થાય તો કોંગ્રેસને કોઇ ફરક નથી પડતો, તેવા પ્રહારો પ્રસાદે કર્યા હતા. કેસરિયા પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા સી.આર. કેસવને કહ્યું હતું કે, હિંડનબર્ગ અહેવાલ કોઇપણ જાતની વિશ્વસનીયતા વિના જારી કરાયો છે. કારણદર્શક નોટિસનો બદલો લેવા માટે હિંડનબર્ગે સેબી પર નિશાન સાધ્યું છે. નોટિસથી ધ્યાન ભટકાવવા ખોટી વાતો ઉપજાવી કાઢી છે.
ભારત વિરુદ્ધ સતત ખોટો પ્રચાર કરતા જ્યોર્જ સોરોસ હિંડનબર્ગ રિસર્ચના મુખ્ય રોકાણકાર છે, તેવું પ્રસાદે કહ્યું હતું. કેસવને રાહુલ ગાંધીની તુલના ગ્રેગ ચેપલ સાથે કરતાં કહ્યું કે, હિંડનબર્ગ અહેવાલનો સહારો લઇને કોંગ્રેસ તેમજ વિપક્ષી જોડાણ ઈન્ડિયા હિટ એન્ડ રન જેમ કામ કરી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે અદાણી જૂથના મામલામાં એસઆઇટી તપાસની જરૂર નથી, તેવું કહેતાં સેબીની તપાસને વ્યાપક લેખાવીને ભરોસો બતાવ્યો હતો. સુપ્રીમે તો હિંડનબર્ગની ગતિવિધિઓની તપાસ કરવા માટે પણ સેબીને કહ્યું હતું, તેવું ભાજપ નેતાએ જણાવ્યું હતું. હિંડનબર્ગના અહેવાલના ખભા પર બંદૂક રાખીને કોંગ્રેસ ગોળી કેમ ચલાવે છે, તેવો સવાલ કેસવને કટાક્ષભેર કર્યો હતો. ભાજપ નેતા શહજાદ પૂનાવાલાએ પ્રહાર કરતાં કહ્યું હતું કે, હિંડનબર્ગનો અહેવાલ સુનિયોજિત લાગે છે. આ વિદેશી અહેવાલો અને તેના નિર્માતાઓ સાથે રાહુલ ગાંધીનો શું સંબંધ છે, તેવો સવાલ તેમણે ઊઠાવ્યો હતો.

