Nigeria Gas Tanker Blast: નાઈજિરિયામાં ગેસ ટેન્કર વિસ્ફોટ, 70ના મોત, ફ્યુલ ચોરી દરમિયાન ઘટના ઘટી

Arati Parmar
2 Min Read

Nigeria Gas Tanker Blast: નાઈજિરિયામાં ગેસોલીન ભરેલા ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થતાં ભીષણ અગ્નિકાંડ થયો છે. જેમાં 70થી વધુ લોકો જીવતા ભૂંજાયા હતાં. અનેક ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ચીફ હુસૈની ઈસાએ અગ્નિકાંડની ખાતરી કરતાં જણાવ્યું હતું કે, દુર્ઘટના ફ્યુલની ચોરી કરતી વખતે બની હતી.

નોર્થ-સેન્ટરમાં શનિવાર સવારે નાઈજર પ્રાંતના સુલેજા ક્ષેત્ર નજીક ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થયો હતો. અગ્નિકાંડમાં આસપાસના વિસ્તારોમાં હડકંપ મચ્યો હતો. અમુક લોકો જનરેટરની મદદથી એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં ગેસોલીન ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો અને આકાશમાં આગના ગોટેગોટા છવાયા હતા. ગેસોલીનની ચોરી કરી રહેલા લોકો ક્ષણભરમાં જ રાખ બની ગયા હતા. વિકરાળ આગે આસપાસના તમામ લોકોને ઝપેટમાં લીધા હતા.

- Advertisement -

તપાસના આદેશ

નાઈજરના ગવર્નર મોહમ્મદ બાગોએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતાં કહ્યું છે કે, ‘નાઈજર રાજ્યના ડિક્કો ક્ષેત્રમાં ગેસોલીન ટેન્કરમાં ઈંધણ ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ધમાકા સાથે ફાટી નીકળેલી આગ એ થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ લીધુ હતું. જેમાં 70થી વધુ લોકો માર્યા ગયા છે. પોલીસ અને ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ પોલીસે મૃતદેહો ભેગા કરવાની કવાયત હાથ ધરી હતી. આ દુર્ઘટના માટે જવાબદાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.’

- Advertisement -

ઉલ્લેખનીય છે, નાઈજિરિયામાં અગાઉ પણ પેટ્રોલ ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો. સપ્ટેમ્બર, 2024માં હાઈવે પર પેટ્રોલથી ભરેલુ ટેન્કર બ્લાસ્ટ થતાં 48 લોકોએ જીવ ગુમાવ્યા હતા. નાઈજિરિયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબૂએ દુઃખ વ્યક્ત કર્યુ હતું.

Share This Article