નવી દિલ્હી, તા. 29: દુનિયાનાં સૌથી મોટા અને શક્તિશાળી અર્થતંત્રનાં દેશ અમેરિકા ઉપર દેવાનો બોજ રોજેરોજ વધી રહ્યો છે. અમેરિકાની સંઘીય સરકારનો કરજનો બોજ હવે 3પ ટ્રિલિયન ડોલરથી માત્ર 2.પ અબજ ડોલર દૂર છે. વર્ષ 2019 બાદ અમેરિકાનાં અર્થતંત્રમાં 13 ટ્રિલિયન ડોલરની તેજી આવી છે જે ભારતનાં અર્થતંત્રથી ત્રણ ગણી છે. અમેરિકામાં જીડીપી સામે દેવાનું પ્રમાણે 122 ટકા પહોંચી ગયું છે. છેલ્લા પાંચ વર્ષમાં તેમાં 19 ટકાનો વધારો થયો છે. અમેરિકાનાં ઈતિહાસમાં ફેડરલ સરકારનાં કરજમાં આટલી ઝડપી વૃદ્ધિ અગાઉ ક્યારેય પણ જોવા મળી નથી. હાલત હવે એવી થઈ ગઈ છે કે, અમેરિકાનાં આ દેવાદારીનું વ્યાજ ચૂકવવા માટે પણ પોતાનાં અન્ય ખર્ચમાં કાપ મૂકવા પડી રહ્યાં છે.

અમેરિકાનું ઋણ દર ત્રણ માસે આશરે એક ટ્રિલિયન ડોલર જેટલું વધી રહ્યું છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં તે 34 ટ્રિલિયન ડોલરે પહોંચી ગયું હતું. આ પહેલા તેને 31 ટ્રિલિયન ડોલરથી વધીને 32 ટ્રિલિયન ડોલર થવામાં આઠ માસ જેટલો સમય લાગ્યો હતો. એવું માનવામાં આવે છે કે, જો અમેરિકાનાં કરજની રફ્તાર આટલી તેજ રહેશે તો 20પ4 સુધીમાં તે જીડીપીનાં 166 ટકા સુધી પહોંચી જશે. આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે અમેરિકામાં સરકારની આવક સામે ખર્ચ વધી રહ્યો છે. નિષ્ણાતોનાં મતે અમેરિકાનાં અર્થતંત્રની હાલત રાષ્ટ્રીય સુરક્ષા માટે સારી નથી. અમેરિકાએ રોજ 1.8 અબજ ડોલર વ્યાજ ચૂકવવું પડી રહ્યું છે. જો આવી જ સ્થિતિ રહેશે તો વ્યાજ ચૂકવી-ચૂકવીને અમેરિકાનો દમ તૂટી જશે.

