નવી દિલ્હી, તા. 14 : છેલ્લા 100 દિવસથી અંતરિક્ષમાં ફસાયેલી ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે જણાવ્યું હતું કે, `મને અહીં અંતરિક્ષમાં રહેવું ખૂબ પસંદ છે. એક જ મિશન પર બે અલગ-અલગ અંતરિક્ષયાન ઉડાવવાને મુદ્દે તેઓ ઉત્સાહિત છે. અમે ટેસ્ટર છીએ અને આ જ અમારું કાર્ય છે. ઉપરાંત સુનીતા સ્પેસ સ્ટેશન પરથી જ અમેરિકાની ચૂંટણીમાં મતદાન કરશે તેવું જણાવ્યું હતું.

સુનીતા અને બુચ વિલ્મોરે પૃથ્વીથી અંદાજીત 420 કિ.મી. દૂર સ્પેસ સેન્ટરમાંથી પત્રકાર પરિષદ યોજીને પત્રકારો સાથે વાતચીત કરીને પ્રશ્નોના પ્રત્યુત્તર આપ્યા હતા, જે અંતર્ગત તેમણે જણાવ્યું હતું કે, બોઇંગ વિમાનનું તેમના વિના ઉડાન ભરવું તથા ઓર્બિટમાં સમય વિતાવવો તેમના માટે ઘણો જ મુશ્કેલ રહ્યો હતો. જોકે, સ્પેસ સેન્ટરમાં રહેવું તેમને પસંદ છે અને આ મારી મનપસંદ જગ્યાઓમાંથી એક છે.
ગત સપ્તાહે બોઇંગ સ્ટારલાઇનર કેપ્સુલના પરત ફરવા બાદ તેમનું પહેલું જાહેર નિવેદન છે, જે જુનમાં તેને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સુધી લઇ ગયું હતું. નાસા દ્વારા આ નક્કી થયા બાદ અંતરિક્ષમાં રહી ગયેલી ખરાબ કેપ્સુલમાં તેમને પરત લાવવા જોખમભર્યું સાબિત થઇ શકે છે. તેમનું આઠ દિવસીય મિશન આઠ મહિનાઓથી વધુ ચાલી શકે તેવી શક્યતા છે. મતદાન મુદ્દે પૂછાયેલા પ્રશ્ન બાબતે બુચે જણાવ્યું હતું કે, તેમણે આજે જ મત દેવા સાથે જોડાયેલી ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત કરી છે. આ એક જરૂરી ફરજ છે. `નાસા’ આ બાબતે કાર્ય કરી રહ્યું છે. સુનીતા વિલિયમ્સે પણ કહ્યું હતું કે, મતદાન બાબતે તે ઉત્સાહિત છે.

