સર્વોચ્ચ અદાલતે એક ચુકાદામાં જણાવ્યું હતું કે, બાળકો સંબંધિત અશ્લીલ સામગ્રી અપરાધ

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 23 : સોશિયલ મીડિયાના આતંકવાદ જેવા જ ઘાતક આક્રમણના અનિચ્છનીય પરિણામરૂપે અશ્લીલ સામગ્રી આજે બાળકોનેય સાવ સરળતાથી હાથવગી બની રહી છે, જે કુમળા બાળમાનસ પર ખરાબ અસર કરી રહી છે, ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતે સોમવારે એક ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું હતું કે, ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી, જોવી કે રાખવી એ અપરાધ છે. આવાં કૃત્યો પોક્સો તેમજ આઇટીના કાયદા હેઠળ અપરાધ છે, તેવું કહેતાં મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે મદ્રાસ વડી અદાલતના ફેંસલાને રદ કરી નાખ્યો હતો.

D8P0e9RD child porn

- Advertisement -

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો કોઇ વ્યક્તિ આવી બાળકો સાથે જોડાયેલી અશ્લીલ સામગ્રીનો નાશ નથી કરતી અથવા પોલીસને આ અંગે જાણકારી નથી આપતી તો પોક્સો કાયદાની કલમ 15 હેઠળ તે અપરાધ કરે છે. સુપ્રીમની ખંડપીઠે 200 પાનાંના ફેંસલામાં કેન્દ્ર સરકારને `ચાઇલ્ડ પોર્નોગ્રાફી’નાં સ્થાને `ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુસિવ એન્ડ એક્સ્પ્લોએટિવ મટીરિયલ’ શબ્દનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.કેન્દ્ર સરકાર વટહુકમ લાવીને આ બદલાવ કરે અને અદાલતો પણ આ નવા શબ્દનો જ ઉપયોગ કરે તેવું કોર્ટે કહ્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડના વડપણવાળી ખંડપીઠે કહ્યું હતું કે, પોક્સો કાયદામાં બદલાવને સંસદ તરફથી મંજૂરી ન મળે ત્યાં સુધી કેન્દ્ર સરકાર એક વટહુકમ લાવે. જાતીય અપરાધોથી બાળકોનાં રક્ષણ (પોક્સો)ના કાયદાની કલમ 15ની પેટા કલમ 1 હેઠળ અશ્લિલ સામગ્રી ડાઉનલોડ કરવા, જોવા કે, રાખવાના અપરાધ માટે પાંચ હજાર રૂપિયાના દંડ સાથે ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઇ છે.

કલમ 15ની પેટા કલમ- બેમાં આવી અશ્લિલ સામગ્રીનું પ્રસારણ કરવું તેમજ પેટા કલમ- ત્રણમાં અશ્લિલ સામગ્રીનો વ્યાપારી ઉપયોગ કરવાની પ્રવૃત્તિઓ અપરાધ લેખાવાઇ છે. `ચાઇલ્ડ પોર્નોગ્રાફી’નાં સ્થાને `ચાઇલ્ડ સેક્સ્યુઅલી એબ્યુસિવ એન્ડ એક્સ્પ્લોએટિવ મટીરિયલ’ શબ્દ યોગ્ય રીતે બતાવશે કે આ માત્ર અશ્લિલ સામગ્રી નથી, પરંતુ બાળક સાથે આચરાયેલી અયોગ્ય પ્રવૃત્તિનો રેકોર્ડ છે. બાળકો વિરુદ્ધ આવા અપરાધ માત્ર પોતે શોષણ સુધી સીમિત નથી રહેતા, પરંતુ વીડિયો ફોટોગ્રાફ અને રેકોર્ડિંગ દ્વારા શોષણના જઘન્ય અપરાધ આગળ પણ થાય છે.

- Advertisement -
Share This Article