હરિયાણા ઈલેકશનમાં રામાયણ અને મહાભારત ભજવાય છે

Reena Brahmbhatt
4 Min Read

જમ્મુ-કાશ્મીરની ચૂંટણી ઉપર સૌની નજર છે, પણ હરિયાણાનું મહત્ત્વ ઓછું નથી. વિધાનસભાની બેઠક ભલે 90 છે, પણ કુરુક્ષેત્રનાં આ રાજ્યમાં મહાભારત અને રામાયણનો ઈતિહાસ `િરપ્લે’ થઈ રહ્યો છે. કેજરીવાલ જામીન ઉપર છૂટયા પછી આ પહેલી કસોટી છે-તેઓ કહે છે કે, રામાયણની સીતા માટે વનવાસ પછી અગ્નિપરીક્ષા હતી, એવી જેલમાંથી છૂટયા પછી મારી અગ્નિપરીક્ષા છે-ભ્રષ્ટાચારી નહીં હોવાનું સર્ટિફિકેટ માગે છે-તેઓ જાતે ઉમેદવાર નથી, પણ ભાજપ અને કોંગ્રેસને હાંસિયામાં રાખીને કિંગમેકર બનવા માગે છે. મુખ્ય લક્ષ્ય ભાજપને હરાવીને કોંગ્રેસને સત્તા માટે સહાય-ભાગીદારી કરવાનું છે. લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની સાત બેઠક માટે કોંગ્રેસ સાથે સમજૂતી થઈ હતી-પણ કોંગ્રેસને ફાળવાયેલી ત્રણમાંથી એક પણ બેઠક કોંગ્રેસે જીતી નહીં.

modi

- Advertisement -

હવે હરિયાણામાં ઈન્ડિ. મોરચાની સમજૂતી થઈ નહીં. હકીકતમાં-કેજરીવાલ જેલવાસ ભોગવતા હતા, ત્યારે `આપ’નું પ્રતિનિધિમંડળ કોંગ્રેસના નેતાઓને મળવા ગયું, ત્યારે અંગૂઠો બતાવાયો તેથી નિરાશ નહીં, જોશમાં તમને જોઈ લઈશું એમ કહીને કેજરીવાલનો રિપોર્ટ આપ્યો. મહાભારતમાં શ્રીકૃષ્ણ જ્યારે સમાધાન કરાવવા માટે કૌરવસભામાં ગયા અને પાંડવોને માત્ર પાંચ ગામ આપવા સૂચન કર્યું. પછી પાંચ ભાઈ માટે એક ગામની માગણી કરી, તો પણ દુર્યોધને સાફ ઈનકાર કર્યો અને તસુભાર એક સોઈ ઊભી રહે એટલી જમીન પણ નહીં મળે-એમ કહ્યા પછી કુરુક્ષેત્રમાં `મહાભારત’ રચાયું-અર્વાચીન ભારતના કુરુક્ષેત્રમાં પણ મહાભારતનો તખ્તો છે.

વર્ષ 2019માં કેજરીવાલે 90માંથી 46 ઉમેદવાર ઊભા રાખ્યા હતા-પણ એક ટકાથી ઓછા મત મળ્યા. કેજરીવાલ મૂળ હરિયાણાના હિસ્સારના ધરતીપુત્ર છે, પણ હવે હાક વાગતી નથી અને જાણે છે કે, વિધાનસભામાં બહુમતી મળવાની આશા નથી, છતાં ભાજપ પરાજિત થાય અને કોંગ્રેસની બેઠકો ખૂટે તો કેજરીવાલ સોદાબાજી કરી શકે અને ઈન્ડિ. મોરચાને બચાવી શકાય. કેજરીવાલનો `હાથ’ ઉપર રહે. હરિયાણામાં ભલે બહુમતી મળે નહીં, છતાં ભાજપને હરાવીને કોંગ્રેસ ઉપર ઉપકાર કરી શકાય. આ સાથે જનાદેશમાં `પ્રામાણિક’ હોવાનું સર્ટિફિકેટ મળે. લાગ્યું તો તીર-નહીં તો તુક્કો? `આપ’ના ઉમેદવારો જીતે તો પણ સર્ટિફિકેટ મળ્યું ગણાય. ભાજપનાં 10 વર્ષનાં શાસન પછી મુખ્ય પ્રધાન મનહરલાલ ખટ્ટરને કેન્દ્રમાં પ્રધાન પદ આપીને યુવા નેતાને રાજ્યમાં સત્તા આપી. પણ આ પરિવર્તન ફાયદાકારક બનવાની આશા નથી. હરિયાણા `દંગલ’ અને કુસ્તીબાજ પહેલવાનો માટે જાણીતું છે.

- Advertisement -

જાટ લોકોની વોટ બેન્ક મોટી છે અને ફોગાટની નારાજગી અને આક્રોશ ભાજપ સામે છે. ભાજપને પણ અંદાજ છે કે, લોઢાના ચણા ચાવવાના છે-તેથી રાજસ્થાનનાં પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેને પ્રચાર માટે બોલાવ્યાં છે-હવે એમનો જાદૂ શું સ્થિતિ બચાવશે? કોંગ્રેસના અંત્યજ મહિલા નેતા-કુમારી શૈલજાની અવગણના થતી હોવાથી એમની નારાજગી જાહેરમાં આવી હતી અને ભાજપને આશા હતી કે, શૈલજા ભાજપના ઉમેદવારોને મદદ કરશે. ભાજપમાં જોડાવાની તૈયારી હતી, ત્યારે કોંગ્રેસ પ્રમુખ ખડગેની ખાતરી પછી હવે શૈલજા માની જશે એમ લાગે છે.

હરિયાણામાં 20 ટકા અંત્યજ વસતી છે. મંદિરોના પ્રસાદની ગુણવત્તા તિરુપતિના મહાપ્રસાદની ફરિયાદ અને તપાસ માટે વિશેષ સમિતિ નિમાયા પછી-વૃંદાવન-મથુરા અને અન્ય મંદિરોના પ્રસાદ અને તેમાં વપરાતી સામગ્રીની ચકાસણી થઈ રહી છે એ આવકારપાત્ર છે, પણ હવે તેમાં રાજકારણ શરૂ થયું છે. ઉત્તરપ્રદેશમાં યાદવ નેતાઓની આગેવાની ડિમ્પલ અખિલેશ યાદવે લીધી છે. મંદિરોની વ્યાપક તપાસની માગણી થઈ છે. સેક્યુલરવાદીઓને એક મુદ્દો મળ્યો છે. હિન્દુત્વ અને હિન્દુ સંગઠનોનો પ્રસાર વધી રહ્યો છે, ત્યારે નકારાત્મક પ્રચાર શરૂ થાય છે! ડો. સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. બીજી બાજુ હિન્દુ ધર્મસ્થળોના વહીવટ ઉપર દેખરેખ રાખવા સનાતન ધર્મ બોર્ડ રચવાની માગણી જોર પકડી રહી છે. સનાતન મંદિરોમાં સરકારી દખલનો વિરોધ જોર પકડી રહ્યો છે.

- Advertisement -
Share This Article