દક્ષિણ ગુજરાતમાં 26 અને 27 સપ્ટેમ્બરે માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.
અમદાવાદ, 26 સપ્ટેમ્બર. વિદાય પહેલા ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થયું છે. મધ્ય મહારાષ્ટ્ર પર સક્રિય સાયક્લોનિક સરક્યુલેશનને કારણે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. બુધવાર બાદ ગુરુવારે પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહ્યો હતો. ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં રાજ્યના 252માંથી 181 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં ઉમરપાડામાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે. આ ઉપરાંત વડોદરામાં પણ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું હતું કે મધ્ય મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે ગુરુવારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થયો છે. ઘણી જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતા છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદની સંભાવના છે.
સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુરુવારે વલસાડમાં રેડ એલર્ટની સાથે સુરત, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમરેલી, સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતમાં 26 અને 27 સપ્ટેમ્બરના રોજ માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. 28 સપ્ટેમ્બરે ભાવનગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

