નવી દિલ્હી, તા.22 : બંગાળની ખાડીમાં અંદમાન-નિકોબાર પાસે લો પ્રેશરની એક સિસ્ટમ સર્જાઈ છે જે 3 દિવસમાં ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં બદલાઈ 1ર0 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકે તેવો ભય છે. હવામાન વિભાગે સંભવિત વાવાઝોડા `દાના’ (કતરે આપેલું નામ, અર્થ ઉદારતા) અંગે ચેતવણી જાહેર કરી છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાયું છે જે વાવાઝોડામાં બદલાઈ શકે છે. અરબ સાગરના લો પ્રેશરને કારણે હાલ ગુજરાત સહિત કેટલાંક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી 3 દિવસમાં બંગાળની ખાડીનું લો પ્રેશર વાવાઝોડામાં બદલાઈ રપમી આસપાસ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના કિનારે ટકરાય તેવી સંભાવના છે. તે વખતે હવાની ઝડપ 100થી 1ર0 કિમી પ્રતિ કલાક રહી શકે છે. વાવાઝોડાની સિસ્ટમ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે જેને પગલે ગુજરાતમાં તેની હળવી અસર જોવા મળી શકે છે.

