વોશિંગ્ટન, તા. પ : વિશ્વ આખાની નજર જેના પર મંડાઈ છે એ અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચકચારી ચૂંટણી માટે આજે અનેક પ્રદેશોમાં વરસાદ વચ્ચે મતદાન શરૂ થયું હતું. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ચૂંટાશે કે યુ.એસ.ના ઈતિહાસમાં પહેલી વાર ડેમોક્રેટિક ઉમેદવાર એવા ભારતીય મૂળના કમલા હેરિસના રૂપમાં મહિલા રાષ્ટ્રપતિ મળશે તેની અટકળો જારી છે. બંને વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. ન્યૂ હેમ્પશાયરથી મતદાનની શરૂઆત થઈ હતી અને ત્યાંના એક વિસ્તારના મતદાનનાં તો પરિણામ પણ આવી ગયાં હતાં, જેમાં ટ્રમ્પ અને હેરિસ બંનેને 3-3 મત મળ્યા હતા. 1પ અમેરિકી રાજ્યમાં નવા રાષ્ટ્રપતિ ચૂંટવા માટે મતદાન જારી છે અને પ4 લાખ જેટલા ભારતીય સમુદાયની પણ ભૂમિકા મહત્ત્વની છે.
ભારતીય સમય મુજબ આવતીકાલે વહેલી સવાર સુધી મતદાન જારી રહેશે અને પછી તરત પરિણામોની શરૂઆત થઈ જશે. થોડા કલાકોના ટ્રેન્ડમાં ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવી શક્યતા છે. આજે અનેક સ્થળે મતદાનમાં વિઘ્ન સર્જાતાં સમયસીમા વધારાઈ હતી. જો કે, ભારે રસાકસીને પગલે પરિણામો જારી થવામાં વિલંબની પણ ભીતિ છે. આજે અમેરિકનોમાં મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો. પીબીએસ ન્યૂઝ એનપીઆરના એક્ઝિટપોલમાં કમલાને ચાર ટકાની સરસાઈનો દાવો કરાયો છે. જો કે, પુરુષ મતદારોમાં ટ્રમ્પ વધુ લોકપ્રિય છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભારતીય સમય મુજબ મંગળવારે સાંજે 4.30 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. યુએસમાં જુદા-જુદા સમયખંડ મુજબ અલગ-અલગ રાજ્યમાં મતદાન શરૂ થયું હતું. કેનેડાની સીમાને અડીને આવેલા ન્યૂ હેમ્પશાયરમાં અડધી રાત્રે મતદાન થયા બાદ શરૂ થયેલી મતગણતરીમાં ડેમોક્રેટિક પક્ષના 60 વર્ષીય ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના 78 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 3-3 મત મળી ચૂક્યા છે. વ્હાઈટ હાઉસમાં કોણ શાસન કરશે ? જનાદેશની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ર0ર0ની ચૂંટણીમાં પરિણામ ચાર દિવસ મોડું આવ્યું હતું.
આ વખતે પણ આવી સંભાવના નકારાઈ નથી. ચૂંટણી પહેલાં જાહેર થયેલા ઓપિનિયન પોલ એક તરફી નથી અને ભારે રસાકસી જોવા મળી છે. કમલા હેરિસની જીત માટે ભારતમાં પૂજા-પાઠ, અનુષ્ઠાન, હવન યોજાયા છે. ટ્રમ્પ એલાન કરી ચૂકયા છે કે જો તેઓ હારશે તો આ તેમની છેલ્લી ચૂંટણી હશે. અમેરિકામાં પાંચ નવેમ્બરથી શરૂ થયેલા મતદાનની કોઈ સમયમર્યાદા નથી. મોટાભાગના રાજ્યોમાં સવારે 7 વાગ્યાથી જ્યારે ક્યાંક 10 વાગ્યાથી શરૂ થઈ શકે અને સાંજે છ વાગ્યે પૂર્ણ થઈ શકે છે. અમુક રાજ્યોમાં તો રાત્રે 1ર વાગ્યા સુધી પોલિંગ બૂથ ખુલ્લા રાખવામાં આવે છે. કાઉન્ટીઓ અને નગરપાલિકાઓના આધારે મતદાનનો સમય અલગ અલગ હોઈ શકે છે. પરિણામ જાહેર કરવામાં પણ આવું જ છે.
મતદાન પૂર્ણ થયા બાદ લેટ અર્લી બેલેટ્સ મતદાન પૂર્ણ થયા બાદ ગણતરી થાય છે. તેમાં પણ ઈલેક્ટોરલ વોટ વધુ હોય ત્યાં પરિણામ મોડું આવી શકે છે. તાજેતરમાં આવેલાં હેલિન વાવાઝોડાંને કારણે ઉત્તર કેરોલાઈનમાં મતગણતરીમાં મોડું થઈ શકે છે. નોંધનીય છે કે, 2020ની ચૂંટણીમાં અહીંના લોકોએ જો બાયડનને સર્વસંમતિથી મત આપી જીતાડયા હતા. તે ઉપરાંત એરિઝોના, નેવાડા, વિસ્કોન્સિન, મિશિગન, પેન્સિલવેનિયા, ઉત્તરી કેરોલાઈન અને જ્યોર્જિયામાં પણ મતદાન શરૂ થયું હતું. સાત રાજ્યની ચૂંટણીમાં મિશિગન અને પેન્સિલવેનિયા 270ના આંકડા સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અમેરિકાના પ્રમુખની ચૂંટણીના બીજા દિવસે વહેલી સવારથી જ મતગણતરી શરૂ થશે. આ ચૂંટણીમાં જીત મેળવવા કોઈ પણ ઉમેદવારને 270 મતની જરૂર હોય છે. વ્હાઈટ હાઉસમાં બેસનારા આગામી રાષ્ટ્રપ્રમુખ કોણ હશે તેના નિર્ણય માટે ભારતીય અમેરિકનો ઉપર પણ મદાર રહેશે. સર્વે અનુસાર હેરિસ ઉત્તરી કેરોલાઇન અને જ્યોર્જિયામાં તો પેન્સેલ્વિનિયા અને એરિઝોનમાં ટ્રમ્પ મજબૂતી મેળવી રહ્યા છે. મિશિગન અને જ્યોર્જિયામાં બંને ઉમેદવારોમાં સ્પર્ધાત્મક ટક્કર છે. ટ્રમ્પ અને હેરિસ વચ્ચે બરોબરની સ્થિતિ છે.
રાષ્ટ્રીય સર્વેમાં ટ્રમ્પ 0.1 ટકાથી મહત્ત્વના રાજ્યોમાં 0.9 ટકાની લીડ તો હેરિસ સામસામેના મુકાબલામાં 49 ટકા રજિસ્ટર્ડ મતદાતાઓનો ટેકો ધરાવે છે, જ્યારે ટ્રમ્પને પણ 49 ટકા જણનું સમર્થન છે. દરમિયાન, ચૂંટણીનાં પગલે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ નાગરિકો મતદાન માટે નીકળી પડયા હતા. અનેક મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી. લોકોના જુસ્સાને જોઈ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અપીલ કરતાં કહ્યું હતું કે, ગમે તેટલો સમય કતારમાં ઊભા રહેવું પડે, પણ મત જરૂર આપજો… બીજી તરફ ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ સોફ્ટવેરમાં ખરાબીના કારણે પેન્સિલવેનિયામાં મતદાનના સમયમાં વધારો કરાયો હતો તેવું કેમ્બ્રિયા કાઉન્ટીના ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.

