સુરતઃ દિલ્હી-સુરત એર ઈન્ડિયા એક્સપ્રેસમાં યુવકે સિગારેટ સળગાવી, કાર્યવાહી કરાઈ
દિલ્હીથી સુરત જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં એક યુવકે ઉડતા પ્લેનના બાથરૂમમાં સિગારેટ સળગાવી હતી. આ ઘટનાના કારણે મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. એર ઈન્ડિયા એક્સપ્રેસના સ્ટાફે યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ I51569 10 એપ્રિલે રાત્રે 9.45 વાગ્યે દિલ્હીથી સુરત માટે ટેકઓફ થઈ હતી. આ વિમાનની સીટ નં 28Fમાં કૌસ્તવ સત્યજીત બિશ્વાસ નામનો યુવક બેઠો હતો. આરોપ છે કે આ યુવક ચૂપચાપ સિગારેટ અને માચીસ લઈને પ્લેનમાં પ્રવેશ્યો હતો. મૂવિંગ ફ્લાઈટમાં એણે બાથરૂમમાં જઈને સિગારેટ સળગાવી અને ધૂમ્રપાન કર્યું.
અન્ય એક મુસાફરે ક્રૂ મેમ્બરને જણાવ્યું કે યુવક લાંબા સમયથી બાથરૂમમાં હતો. ક્રૂ મેમ્બરે બાથરૂમનો દરવાજો ખખડાવ્યો. યુવકે દરવાજો ખોલ્યો તો અંદરથી સિગારેટનો ધુમાડો નીકળી રહ્યો હતો અને ધૂમ્રપાનની દુર્ગંધ આવી રહી હતી. યુવકની પૂછપરછ કરતાં યુવકે બાથરૂમમાં સિગારેટ પીધી હોવાની કબૂલાત કરી હતી.
સુરત એરપોર્ટ રનવે પર ફ્લાઈટ લેન્ડ થયા બાદ ક્રૂ મેમ્બરે એર ઈન્ડિયા એક્સપ્રેસના સ્ટાફને જાણ કરી હતી. બાદમાં એર ઈન્ડિયા એક્સપ્રેસના સ્ટાફે ફ્લાઈંગ પ્લેનના બાથરૂમમાં ધૂમ્રપાન કરીને મુસાફરોના જીવને જોખમમાં મૂકનાર કોસ્તવ સત્યજીત બિસ્વાસ નામના યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટના એરલાઈન સેફ્ટી માટે ગંભીર ખતરો છે. ફ્લાઇટ દરમિયાન મુસાફરોને ધૂમ્રપાન કરતા અટકાવવા એરલાઇન કંપનીઓએ કડક પગલાં લેવા જોઈએ.
