ગાંધીનગર, તા. 16 : રાજ્યમાં ચૂંટણીપંચની આચારસંહિતા રાજ્ય ચૂંટણીપંચને નડી રહી છે અને ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની વાત વિલંબમાં પડી છે, હવે તે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાશે તેવા સંકેતો મળી રહ્યા છે. સ્થાનિક ચૂંટણીઓ બે તબક્કામાં યોજાય તેવી શક્યતા છે. રાજ્યમાં બે જિલ્લા પંચાયત અને 17 તલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજવાની થાય છે.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ચૂંટણીપંચે આચારસંહિતા અમલી બનાવી છે, જે બે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે, તેમાં બનાસકાંઠાનો સમાવેશ થાય છે. બનાસકાંઠામાં વાવ વિધાનસભા આવતી હોવાથી ત્યાં આચારસંહિતા અમલમાં છે અને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના નવાં સીમાંકન માટે વિકાસ કમિશનર તરફથી જિલ્લા પંચાયતોની બેઠકો તેમજ તાલુકા પંચાયતની કેટલી બેઠકો 2011ની વસતીના આધારે રહેશે તેની ફાળવણી કરી આપી નથી. આ બેઠકો નિયત થઈ આવ્યા બાદ સીમાંકનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ બેઠકોનું રોટેશન નિયત કરવામાં આવશે. 25 નવેમ્બર પછી આ કામગીરી હાથ ધરવામાં આવશે અને તેને લઈ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાશે તેમ જાણવા મળે છે. મળતી વિગતો પ્રમાણે ચાલુ સપ્તાહે નગરપાલિકા અને મહાનગરપાલિકાનું નવું સીમાંકન જાહેર કરાયું છે, એટલે તેના વાંધા સૂચનો મેળવ્યા બાદ આખરી સીમાંકનનું જાહેરનામું પ્રસિદ્ધ થશે.
આ પ્રક્રિયામાં ડિસેમ્બર મહિનો પૂર્ણ થશે. સરકારના વિશ્વસનીય સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બે તબક્કે યોજાશે, જેમાં પ્રથમ તબક્કામાં નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતનો સમાવેશ કરાશે. આ પછી ગ્રામ પંચાયતોની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શહેરી વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પક્ષીય ધોરણે લડાતી હોય છે, જ્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણી સ્થાનિક લેવલની હોવાથી પક્ષીય ધોરણે લડાતી નથી. આમ ચૂંટણીપંચની પ્રક્રિયાને ચૂંટણીપંચની આચારસંહિતા જ નડી ગઈ હોવાની સચિવાલય અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો મુદ્દો બની ઊભરી આવેલ છે.