Reena Brahmbhatt આપણે વિકાસ નામના રૂપાળા ચહેરા હેઠ

newzcafe
4 Min Read

ક્યાં સુધી આવી દુર્ઘટનાઓ ઘટશે ? કોને પાપે ?


ક્યાં સુધી આવી દુર્ઘટનાઓ ઘટશે ? કોને પાપે ?


by : Reena Brahmbhatt 


આપણે વિકાસ નામના રૂપાળા ચહેરા હેઠળ ઉદ્યોગ ધંધાઓને પ્રમોટ કરતા રહીયે છીએ.અદ્યોગિક ક્રાંતિ બાદ આ ક્રાંતિના નામે મૂડીવાદે માથું ઊંચક્યું છે.કોઈપણ ભોગે ઉદ્યોગો ચાલવા જોઈએ.પછી તે માટે હવા,પાણી જમીન અને ખોરાક કેમ ઝેરીલા ન બની જાય.કુદરતનું કેમ સત્યાનાશ ન નીકળી જાય, આપણે તો બસ રોજગારીના સર્જનના નામે વ્યવસાયો ને પ્રમોટ કરતા જ રહેવાનું,.અને બીજી પણ નગ્ન સચ્ચાઈ કે આ ઉદ્યોગો ખરેખર રોજગારી સર્જનના નામે ચરી તો ખાય પણ ખરેખર કેટલા લોકોને રોજગારી આપે છે ? તે એક સળગતો સવાલ છે.આપણે આવા વિનાશ તરફ દોરતા વિકાસને ક્યાં સુધી ગળે લગાવીને ફરીશું ? તેમાં પણ પાછળના કેટલાક સમયથી ખાસ તો કેમિકલ ઉદ્યોગમાં તેઝી આવી છે.આજે કેટલીય જીઆઈડીસીમાં મોટાભાગે આ ઉદ્યોગો  બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે.જે કદાચ કમાઈ તો આપે પણ આસપાસની જમીન અને આસપાસની નદીઓ કે ઇવન ગટરો પણ ગંદી અને કેમિકલયુક્ત કરે છે.


આ મુદ્દે જયારે વાત નીકળે ત્યારે લગભગ 1982 ની ભોપાલ દુર્ઘટનાની વાત નીકળે છે.જેમાં હજારો માણસો ઝેરી ગેસ લીકેજના પગલે ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા.અને તમે આજેપણ જો આ દુર્ઘટનાની તસ્વીર જુવો તો તમારા રુવાડા ઉભા થઇ જાય.આ કમકમાટી ઉપજાવનાર દુર્ઘટનાની અસર આજેપણ ક્યાંક આ એરિયામાં વર્તાય છે.કહેવાનો આશય પરમાણુ બૉમ્બ જેવી જ ભયાવહ અસર આવી દુર્ઘટનાઓ છોડી જાય છે.પરંતુ પૈસા કમાવવાની કે વધુ કમાવવાની લાલચે કેટલાક લોકો બીજાનું કે બીજાની જાન-માલ નું પણ વિચારતા નથી.આપણે ધંધા ચલાવી કમાવવાનું બીજાની જાન જતી હોય તો જાય. જેવી માનસિકતા જ આવા બનાવો પાછળ જવાબદાર હોય છે.


ત્યારે હાલ માં જ આ રવિવારે પંજાબના લુધિયાણા જિલ્લાના ગીચ વસ્તીવાળા ગ્યાસપુરા વિસ્તારમાં ઝેરી ગેસ શ્વાસમાં લેવાથી બે બાળકો સહિત 11 લોકોના મોત થયા હતા જ્યારે 12 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ચારની હાલત નાજુક છે. લુધિયાણાના 33 ફૂટા રોડ સ્થિત રહેણાંક વિસ્તારમાં અકસ્માત બાદ મોડી સાંજ સુધી ગેસ લિકેજ ચાલુ રહ્યો હતો. ડીસી સુરભી મલિકે કહ્યું કે તપાસમાં બહાર આવ્યું છે કે સીવરેજ લાઈનમાં ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ નાખવામાં આવ્યું હતું. આનાથી હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ ઉત્પન્ન થયો, જે અકસ્માતનું કારણ બન્યો. મોડી સાંજે પોલીસે અજાણ્યા સામે અપરાધ હત્યાનો ગુનો નોંધ્યો છે.


ઘટના બાદ એનડીઆરએફની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. 300 મીટરનો વિસ્તાર સીલ કરવામાં આવ્યો છે. મોડી સાંજ સુધી એનડીઆરએફની ટીમો બચાવ કાર્યમાં લાગેલી હતી. આ વિસ્તારમાં સ્થિત ગોયલ કિરાણા પાસે બનેલી સીવરેજ લાઇનમાંથી ઝેરી ગેસ લીક ​​થયો હતો. અકસ્માતની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તે જ સમયે, સરકારે મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયા અને અસરગ્રસ્તોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.


અહીં આ એક ઉદાહરણ છે.બાકી દેશના વિવિધ શહેરો કે તેના વિસ્તારોમાં આવી દુર્ઘટનાઓ બનતી રહે છે.અને થોડો સમય ટીકાઓ  થાય પછી જેમ હતું તેમ ચાલ્યા કરે. કેટલાક ધંધો પ્રોડ્કટને બદલે ઝેર જ બનાવતા હોય તેવા હોય છે.અથવા તો તેનો ધુમાડો કે વેસ્ટ તે પ્રકારના હોય કે માનવજીવનને તબાહ કરે જ.ત્યારે આપણે ચુસ્ત-નીતિ નિયમો ન બનાવી શકતા હોય તો આવા ધંધાઓ માટે પરરમીશન જ ન આપવી જોઈએ.

Share This Article