ગાંધીનગર, બુધવાર
Dearness Allowance : રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સાતમા પગાર પંચનો લાભ મેળવી રહેલા કર્મચારીઓ માટે કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો મંજૂર થયો છે. 1 જુલાઈ 2024થી મોંઘવારી ભથ્થું 53 ટકા કરવામાં આવ્યું છે, જેનો લાભ રાજ્યના પેન્શનર્સ અને કર્મચારીઓને મળશે.
4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને લાભ
આ નિર્ણયથી રાજ્યસેવાના, પંચાયત સેવા અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત કુલ 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને લાભ મળશે. જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ડિસેમ્બર મહિનાના પગાર સાથે રોકડમાં ચૂકવાશે.
હુકમ કોને લાગુ પડશે?
મોંઘવારી ભથ્થાના આ વધારો માત્ર તેમની માટે છે જેઓ સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણાનો લાભ મેળવી રહ્યા છે. તેમાં રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયત કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષક સહિત અન્ય કર્મચારીઓ શામેલ છે.
આ નિર્ણયથી સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આર્થિક રાહત થશે.

