ઈરાનના હવાઈ હુમલાથી પાકના આતંકવાદી અડ્ડાઓનો નાશ થયો
Thursday, 18 January 2024
ઈરાનના હવાઈ હુમલાથી પાકના આતંકવાદી અડ્ડાઓનો નાશ થયો
તેહરાન / ઇસ્લામાબાદ, તા.17: પાકિસ્તાન પર ઈરાને એરસ્ટ્રાઈક કરતાં વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે.
ઈરાને મંગળવારે રાત્રે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સુન્ની આતંકવાદી સંગઠન `જૈશ-અલ-અદલ’ના અડ્ડાઓ પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. જેને લીધે બંને દેશ વચ્ચે તનાવનો માહોલ છે. ગિન્નાયેલાં પાકે ઇરાનના રાજદૂતની હકાલપટ્ટી કરી છે, તો તેહરાનથી પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા છે. ચીને તનાવ વચ્ચે બંને દેશ સાથે વાતચીત કરી છે.
આ માહિતી ઈરાનની સરકારી સમાચાર એજન્સીએ આપી છે. ખાસ વાત એ છે કે માહિતી આપ્યાના થોડા સમય બાદ ન્યૂઝ એજન્સીએ આ સમાચાર પોતાના પોર્ટલ પરથી હટાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સોમ-મંગળવારે ઈરાનમાં જ હતા.
તેમની મુલાકાત બાદ તરત ઈરાને પાકિસ્તાન પર હુમલો કર્યો છે એટલે આ મુદ્દો પણ વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવી ગયો છે. આ મામલે પહેલી પ્રતિક્રિયા રાત્રે લગભગ 2 વાગ્યે પાકિસ્તાન તરફથી આવી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું- ઈરાને અમારી એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે. આ દરમિયાન બે બાળકોનાં મોત થયાં હતા, જ્યારે ત્રણ છોકરીઓ ઘાયલ થઈ હતી. ઈરાનને આના ગંભીર પરિણામો ભોગવવા પડશે. પાકિસ્તાને આગળ કહ્યું- ઈરાનનું આ પગલું વધુ પરેશાન કરનારું છે. કારણ કે બંને દેશો વચ્ચે વાતચીતના ઘણા માધ્યમો છે. અમે તેહરાનમાં ઈરાન સરકારનો સંપર્ક કર્યો છે અને તેમને અમારી સ્થિતિ જણાવી છે.
ઈરાનના રાજદ્વારીને પણ બોલાવવામાં આવ્યા છે. અમે હંમેશાં કહ્યું છે કે આતંકવાદ સમગ્ર વિશ્વ માટે ખતરો છે અને તેની સાથે મળીને સામનો કરવો પડશે. પરંતુ, આવી એકતરફી કાર્યવાહી ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને બગાડશે. ઈરાની મીડિયા અનુસાર, પાકિસ્તાનનો જે વિસ્તાર જ્યાં હુમલો થયો છે તેને ગ્રીન માઉન્ટેન તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં આ મામલે પાકિસ્તાની સેના તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. ઈરાન શિયા બહુમતી ધરાવતો દેશ છે, જ્યારે પાકિસ્તાનમાં લગભગ 95% લોકો સુન્ની છે.પાકિસ્તાનના સુન્ની સંગઠનો ઈરાનનો વિરોધ કરી રહ્યા છે. આ સિવાય બલૂચિસ્તાનનું જૈશ-અલ-અદલ આતંકવાદી સંગઠન ઈરાનની સરહદમાં ઘૂસીને ત્યાંની સેના પર અનેકવાર હુમલા કરી રહ્યું છે. ઈરાનની સેનાને રિવોલ્યુશનરી ગાર્ડ કહેવામાં આવે છે. ઈરાન સરકાર આતંકવાદી સંગઠનોને અંકુશમાં લેવા પાકિસ્તાનને ઘણી વખત ચેતવણી આપી ચૂકી છે.
