Ballot Papers: મોદી સરકાર એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે આગળ વધી રહી છે ત્યારે કાયદા મંત્રાલયે શનિવારે ‘બેલટ પેપરથી’ ચૂંટણી કરાવવાની સંભાવનાઓ અંગે સ્પષ્ટતા કરી હતી. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની સંભાવનાઓ પર વિચારણા કરવી એ સંયુક્ત સંસદીય સમિતિના અધિકારમાં નથી.
એક રાષ્ટ્ર એક ચૂંટણી પર બે બિલ પર વિચારણાની બાબત સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ મૂકાઈ હતી. આ સમયે સંયુક્ત સમિતિના કેટલાક સભ્યોએ બેલટ પેપરથી ચૂંટણી પર પાછા જવા અંગે સૂચન કર્યા હતા. આ મુદ્દે કાયદા મંત્રાલયે લેખીતમાં જવાબ આપવાનો હતો.
સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા પૂછવામાં આવેલા વિવિધ સવાલોના કાયદા મંત્રાલયે વ્યાપક જવાબો આપ્યા હતા ત્યારે તેણે બેલટ પેપરથી ચૂંટણી કરાવવાની સિસ્ટમ અંગેના સૂચનોનો સીધો જવાબ આપ્યો નહોતો. મંત્રાલયે એમ જણાવ્યું હોવાનું મનાય છે કે બેલટ પેપર સિસ્ટમના ઉપયોગ અંગેના સૂચન પર ચર્ચા કરવી એ સંસદીય સમિતિના અધિકાર ક્ષેત્રની બહારની બાબત છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એક રાષ્ટ્ર એક ચૂંટણી પર ચર્ચા કરતી વખતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (ઈવીએમ) અથવા બેલટ પેપરથી મતદાન કરાવવા અંગે પેનલમાં કોઈ ચર્ચા થઈ નથી.
સમિતિએ બંધારણીય (૧૨૯મો સુધારો) બિલ અને યુનિયન ટેરીટરીસ લો (સુધારા) બિલ સહિત એક સાથે ચૂંટણી કરાવવા અંગેના બિલની તપાસ કરી હતી. તેમ સૂત્રોએ જણાવ્યું હતું. કાયદા મંત્રાલયે સમિતિને એમ પણ કહ્યું હતું કે, લોકસભા અને વિધાનસભાઓમાં એક સાથે ચૂંટણી યોજવી એ બિનલોકતાંત્રિક નથી અને તેનાથી ફેડરલ માળખાને કોઈ નુકસાન નહીં થાય.
બંધારણ (૧૨૯મો સુધારો) બિલ લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે કરાવવાનું કાયદાકીય માળખુ રજૂ કરે છે ત્યારે યુનિયન ટેરિટરિઝ લો (સુધારા) બિલ સંયુક્ત ચૂંટણીઓ યોજવાના હેતુથી દિલ્હી, પુડુચેરી અને જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાઓની મુદતને એકસાથે જોડવા સંબંધિત છે.
સરકારે સંસદમાં અનેક વખત કહ્યું છે કે બેલટ પેપરથી ચૂંટણી કરાવવા પર પાછા ફરવાની કોઈ સંભાવના નથી. સુપ્રીમ કોર્ટે પણ ઈવીએમના ઉપયોગથી જ ચૂંટણી કરાવવા પર ભાર મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં બેલટ પેપરથી ચૂંટણી કરાવવા માટેની અરજીઓ નકારી કાઢી હતી. સુપ્રીમે કહ્યું હતું કે, વોટિંગ મશિન્સ સાથે ચેડાં સંબંધિત શંકાઓનો કોઈ આધાર નથી. સૂત્રોએ જણાવ્યું કે, સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા પૂછવામાં આવેલા કેટલાક સવાલોના જવાબ કાયદા મંત્રાલયે આપ્યા હતા જ્યારે બાકીના સવાલો ચૂંટણી પંચને મોકલી આપ્યા હતા.

