Gujarat BJP: વોટબેન્ક રાજનીતિ? સરકારનો નિર્ણય, 300 કરોડની જમીન માત્ર 83 કરોડમાં આપવાની મંજૂરી!

Arati Parmar
4 Min Read

Gujarat BJP: ગુજરાતમાં વર્ષ-1960માં ઓઢવ ઉપરાંત અમરાઈવાડી અને જશોદાનગર વિસ્તારમાં માલધારી સમાજના લોકોને તેમના પશુઓ બાંધવા જગ્યા આપવામાં આવી હતી. 65 વર્ષ પછી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષ ભાજપે નવી જંત્રીના દર અમલમાં આવે એ પહેલાં જ ઉતાવળે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તાકીદના એજન્ડા ઉપર વિવાદાસ્પદ દરખાસ્ત મંજૂર કરી હતી. કુલ ચાર રબારી વસાહતની કુલ મળીને 6.57 લાખ ચોરસમીટર જગ્યા વર્તમાન જંત્રીના 25 ટકા દરથી અથવા સરકાર નકકી કરે તે મુજબ નાણાં લઈ આપવાનો નિર્ણય કર્યો છે. વોટબેન્કને સાચવવા લેવાયેલા નિર્ણયને કારણે અંદાજે 300 કરોડથી વધુની જગ્યા સામે મ્યુનિસિપલ તંત્રને માત્ર 83 કરોડની જ આવક થશે. જમીન કબજેદારોને માલિકી હક આપવા માટે મંજૂર કરાયેલી દરખાસ્ત મુજબ દસ વર્ષ સુધી લાભાર્થી રહેણાંક સિવાય અન્ય ઉપયોગ કરી શકશે નહીં.

વોટબેન્ક સાચવવા લીધો નિર્ણય

- Advertisement -

અમદાવાદ મ્યુનિ.ના એસ્ટેટ વિભાગ તરફથી થોડા સમય પહેલાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી જુદી જુદી રબારી વસાહતમાં રબારી વસાહત વિસ્તારમાં પરવાનગી વિનાના બાંધકામ તોડવાની કાર્યવાહી કરાઈ હતી. ત્યારબાદ માલધારી સમાજના આગેવાનો દ્વારા રાજય સરકાર સુધી પ્લોટ અથવા જગ્યા વેચાણથી આપવા રજૂઆત કરાઈ હતી.

માલધારી સમાજના આગેવાનો અમદાવાદની જુદી જુદી વસાહતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી દૂર કરવામાં આવતા દબાણોની કામગીરી બંધ કરાવવા માટે સરકારના વિવિધ મંત્રીઓને મળ્યા હતા. જયાં આગેવાનોને મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ઠરાવ કરીને લાવો એવી સુચના અપાઈ હોવાનું પણ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળે છે. માર્ચ મહિનાના આરંભે જ આ ચાર વસાહતની જગ્યા વેચાણથી આપી દેવાનો તખ્તો ઘડાઈ ગયો હતો. પરંતુ, દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીની શુક્રવારે મળેલી બેઠકમાં મંજૂર કરવામાં આવી હતી.

- Advertisement -

આ પ્રકારે જગ્યા આપવા અગાઉ કોઈ ઠરાવ કરાયો હતો કે કેમ તેના જવાબમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે, વર્ષ-2017માં આ ચારેય રબારી વસાહતમાં કબજેદારોને રાહત દરે જમીન-પ્લોટ ફાળવવા સ્ટેન્ડિંગ કમિટી તથા મ્યુનિસિપલ જનરલ બોર્ડ બેઠકમાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા.

માલિક-કબજેદારોએ દબાણ દૂર કરવા પડશે

- Advertisement -

મૂળ પ્લાનમાં દર્શાવ્યા મુજબના કોમન પ્લોટ, આંતરીક રોડ તથા ટી.પી. હેઠળના રસ્તા તથા રીઝર્વ પ્લોટ વગેરેની જગ્યા ખાલી કરવી પડશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનનું બાકીનુ ભાડુ, લહેણા નાણાં નિયમ અનુસાર ચૂકતે કરવાના રહેશે.
સરકારી, અર્ધ સરકારી તથા સ્થાનિક લાગુ વેરા ફાળવણી લેનાર કબજેદાર, લાભાર્થીએ ભરવાના રહેશે.
મૂળ ફાળવણીદાર સિવાયના કબજેદાર(વારસદાર) સિવાયના કિસ્સામા જરુરી પુરાવા આપ્યેથી વઘુ રુપિયા વીસ હજાર ફી ચૂકવવાની રહેશે.
હાલના હયાત બાંધકામ સિવાયના નવા બાંધકામને બાયલોઝ મુજબ નિયમિત કરાવવાનુ રહેશે.
સરકાર નકકી કરે એ તારીખથી છ મહીનામાં તમામ નાણાં ભરવાના રહેશે.નિયત છ મહીનાની મુદતમાં નાણાં ભરે તો જંત્રી દર સ્ટેન્ડિંગ કમિટી ઠરાવની તારીખનો ગણવાનો રહેશે.
ફાળવણી લેનાર કબજેદાર,લાભાર્થીએ સ્ટેમ્પ ડયૂટી તથા તેનો ખર્ચ ભોગવી દસ્તાવેજ, એગ્રીમેન્ટ નિયત સમયમાં કરાવી લેવાનો રહેશે.

બીજા સમાજ જગ્યા માંગશે તો વિચારણા કરીશુંઃ સ્ટેન્ડિંગ ચેરમેન

અમરાઈવાડી, ઓઢવ ઉપરાંત જશોદાનગરમાં જૂની અને નવી એમ કુલ ચાર રબારી વસાહતની જગ્યા કબજેદારોને માલિકી હક સાથે હાલની જંત્રીના 25 ટકા દર મુજબ આપવા નિર્ણય કરાયો છે. શહેરના અન્ય વિસ્તારોમાં વસતા અન્ય સમાજના લોકો પણ આ પ્રકારે મ્યુનિ.સતંત્ર જગ્યા આપશે કે કેમ તેવા એક પ્રશ્નના જવાબમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યુ, બીજા સમાજ જગ્યા માંગશે તો વિચારણા કરીશું.

1960માં માથા દીઠ 294 ચોરસમીટર જગ્યા અપાઈ હતી

વર્ષ-1960માં આ ચાર રબારી વસાહતમાં રહેતા લોકોને માથાદીઠ 294 ચોરસ મીટર જગ્યા ફાળવવામા આવી હતી. ફાળવવામાં આવેલી જગ્યા પૈકી 42 ચોરસ મીટરમાં રહેણાંક માટે બાંધકામ કરવાનુ હતું. બાકીની જગ્યામાં તેમના પશુઓને બાંધવાના હતા.

વર્તમાન જંત્રી મુજબ કયા વિસ્તારમાં કેટલો ભાવ?

મ્યુનિ.સત્તાધારી પક્ષ દ્વારા નવી જંત્રીના દર અમલમાં આવે એ પહેલાં આ ચાર રબારી વસાહતની કુલ 6.57 લાખ ચોરસમીટર જગ્યા હાલની જંત્રીના 25 ટકા દર મુજબ વેચાણથી આપવા નિર્ણય કરાયો છે. અમરાઈવાડી અને ઓઢવ વિસ્તારમાં હાલની જંત્રી મુજબ રૂપિયા 13,500 તથા જશોદાનગર વિસ્તારમાં રૂપિયા 12,500 પ્રતિ ચોરસ મીટર ભાવ ચાલી રહયો છે.

કઈ રબારી વસાહતમાં કેટલાં ઘર?

વસાહત ઘર ચો.મી.એરિયા
ઓઢવ 310 1,94,223
અમરાઈવાડી 212 74,765
જશોદાનગર (નવી) 440 2,66,073
જશોદાનગર (જૂની) 137 1,22,292
કુલ 1099 6,57,353

Share This Article