Donald Trump Golden Visa: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓ પર સૌથી મોટી કાર્યવાહી કરવાની સાથે અમેરિકામાં રહેવા માગતા વિદેશીઓ માટે ‘ગોલ્ડ કાર્ડ’નો નવો પ્રોગ્રામ રજૂ કર્યો હતો. ટ્રમ્પના આ ગોલ્ડન વિઝાને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. ટ્રમ્પ તંત્રના અધિકારીએ દાવો કર્યો છે કે આ યોજના સુપરહિટ થઈ છે. ટ્રમ્પ સરકારે માત્ર ૨૪ કલાકમાં ૧,૦૦૦ ગોલ્ડ કાર્ડ વેચ્યા છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રજૂ કરેલી ગોલ્ડ કાર્ડ યોજના હેઠળ ૫૦ લાખ ડોલર (અંદાજે રૂ. ૪૩ કરોડ)ની કિંમત ચૂકવીને અમેરિકામાં સ્થાયી નિવાસ અને વૈકલ્પિક નાગરિક્તા ઓફર કરાય છે. વાણિજ્ય સચિવ હાર્વર્ડ લુટનિકે કહ્યું કે, આ યોજના હેઠળ એક જ દિવસમાં ૧,૦૦૦ ગોલ્ડ કાર્ડ વેચાયા છે, જેનાથી સરકારને કુલ ૫ અબજ ડોલર (અંદાજે રૂ. ૪૩,૦૦૦ કરોડ)ની આવક થઈ છે. લુટનિકે ઓલ-ઈન પોડકાસ્ટમાં આ માહિતી આપી હતી.
હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર દુનિયાના અમીર લોકોને અમેરિકન નાગરિક્તા આપવા માટે એક નવો ‘ગોલ્ડ કાર્ડ ટ્રમ્પ સિટિઝનશિપ પ્રોગ્રામ’ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ પ્રોગ્રામ સમગ્ર દુનિયાના ધનિકોને નાણાં આપીને સીધા જ અમેરિકન નાગરિક્તા ખરીદવાની તક આપે છે. ટ્રમ્પ તંત્રે દાવો કર્યો હતો કે આ યોજના એપ્રિલ ૨૦૨૫ સુધીમાં લાગુ થઈ જશે.
લુટનિકના જણાવ્યા મુજબ આ પ્રોગ્રામ બે સપ્તાહમાં શરૂ થઈ જશે. ઈલોન મસ્ક હાલ તેના માટે સોફ્ટવેર બનાવી રહ્યા છે. આમ પણ ગઈકાલે મેં ૧,૦૦૦ કાર્ડ વેચ્યા છે. દુનિયામાં ૩.૭ કરોડ લોકો એવા છે, જે આ કાર્ડ ખરીદી શકે છે. પ્રમુખ ટ્રમ્પનું માનવું છે કે અમે આવા ૧૦ લાખ કાર્ડ વેચી શકીએ છીએ.
લુટનિકે કહ્યું કે, આ વિચાર ટ્રમ્પને રોકાણકાર જોન પોલસન સાથેની એક બેઠકમાં આવ્યો હતો. ત્યાર પછી તેમને આ પ્રોગ્રામ લાગુ કરવાની રીત શોધવાની જવાબદારી સોંપાઈ હતી. ગોલ્ડ કાર્ડ જૂના ગ્રીન કાર્ડની જગ્યા લેશે અને તેની સાથે અમેરિકામાં સ્થાયી રોકાણ મળશે. આ કાર્ડધારકને અમેરિકામાં હંમેશા રહેવાની મંજૂરી મળશે અને લોકો પાસે અમેરિકાની નાગરિક્તા લેવાનો પણ વિકલ્પ હશે.
જોકે, લુટનિકનું માનવું છે કે મોટાભાગના લોકો ટેક્સ નિયમોના કારણે નાગરિક્તા લેવાનું ટાળશે. ગોલ્ડકાર્ડધારકને અમેરિકામાંથી કમાણી કરેલી આવક પર જ ટેક્સ આપવાનો રહેશે. વિદેશમાં કરેલી કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. ટ્રમ્પનું માનવું છે કે ગોલ્ડ કાર્ડના વેચાણથી અમેરિકાને ૫૦ અબજ ડોલર એટલે કે અંદાજે રૂ. ૪.૩ લાખ કરોડની આવક થશે. આ રકમ અમેરિકાનું રાષ્ટ્રીય દેવું અને નાણાંકીય ખાધ ઘટાડવામાં મદદરૂપ થશે. આ પ્રોગ્રામ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિનો ભાગ છે.

