Pakistan strategy and theory behind attack: અચાનક જ જમ્મુ-કાશ્મીરમાં પહેલગામમાં થયેલ આતંકી હુમલાથી આખો દેશ ગુસ્સે છે. આ ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે આખો દેશ શોક વ્યક્ત કરી રહ્યો છે. દરેક લોકો આતંકવાદ સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. 2019માં પુલવામા હુમલા બાદ ખીણમાં આ સૌથી મોટો હુમલો છે. સુરક્ષા એજન્સીઓ અનુસાર, આ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.
સાઉદીથી પરત ફર્યા પીએમ મોદી, કોણે લીધી આતંકી હુમલાની જવાબદારી?
બાય ધ વે,આ હુમલાની માહિતી મળતા જ પીએમ મોદી પોતાનો સાઉદી પ્રવાસ અધવચ્ચે છોડીને દિલ્હી પરત ફર્યા હતા. આવતાની સાથે જ તેમણે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.વધુમાં ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ નામના સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.
પહેલગામ આતંકી હુમલાનો સમય ઘણું બધું કહી જાય છે?
પરંતુ સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આની પાછળ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ હોઈ શકે છે. હવે સવાલ આ હુમલાના સમયનો છે, જો તમે તેને ધ્યાનથી સમજશો તો તમને સમજાશે કે આ હુમલા પાછળ કોનો હાથ હોઈ શકે છે. ત્યારે ચાલો અહીં આ અંગે સંપૂર્ણ સમીકરણ જાણીએ.
જમ્મુ અને કાશ્મીરના પર્યટન સ્થળ પહેલગામમાં તાજેતરમાં થયેલ આતંકવાદી હુમલો ફરી એકવાર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદની કાયરતા છતી કરે છે. પરંતુ આ હુમલાનો સમય અને તેની પાછળના ઈરાદાને ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે. આ હુમલો એવા સમયે જ્યારે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે છે અને બીજી તરફ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે છે તે અનેક સવાલો ઉભા કરે છે. આ માત્ર આતંકવાદી ઘટના ન હતી પરંતુ સુઆયોજિત કાવતરા દ્વારા સંદેશ આપવાનો પ્રયાસ હતો.
દુબઈ સાથે ભારતની દોસ્તી, પાકિસ્તાનનો વધતો ગભરાટ
જ્યારે પહેલગામમાં હુમલો થયો ત્યારે પીએમ મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે હતા. તેઓ તેમની મુલાકાત અધૂરી છોડીને ભારત પરત ફર્યા છે. ભારતે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાઉદી અરેબિયા સાથે તેના સંબંધોમાં સુધારો કર્યો છે, જ્યારે સાઉદી અરેબિયા, જે હવે પાકિસ્તાન પર કડક વલણ અપનાવી રહ્યું છે, તેણે તાજેતરમાં જ પાકિસ્તાની નાગરિકોને ‘ભિખારી’ ગણાવીને તેમના ઈમિગ્રેશન પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત-સાઉદી સંબંધોના મજબૂતાઈથી પાકિસ્તાન સતત ચિંતિત થઈ રહ્યું છે. પાકિસ્તાન સારી રીતે જાણે છે કે જો ભારતનો પ્રભાવ મુસ્લિમ દેશોથી આગળ વધશે તો તેની ‘કાશ્મીર રાગ’ની રાજનીતિ સાવ નકામી બની જશે.
અમેરિકી ઉપરાષ્ટ્રપતિની ભારત મુલાકાત
બીજી તરફ જ્યારે આ હુમલો થયો ત્યારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે હતા, તે સમયે આ હુમલો અનેક સવાલો ઉભા કરે છે. આ માત્ર આતંકવાદી ઘટના નથી પરંતુ સુનિયોજિત સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિની ભારત મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સંરક્ષણ, ટેકનોલોજી અને રોકાણ સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. જેડી વેન્સ જે રીતે પીએમ મોદીને મળ્યા તે દુનિયામાં કોઈને પણ ઈર્ષ્યા કરશે. ખાસ કરીને આ મુલાકાત ચીન અને પાકિસ્તાનને ઘણી મુશ્કેલી ઉભી કરી શકે છે. અમેરિકા ભારત સાથે મળીને ઈન્ડો-પેસિફિક રણનીતિને મજબૂત કરી રહ્યું છે, જે સ્વાભાવિક રીતે પાકિસ્તાન અને ચીનને ચિંતામાં મૂકે છે. આ મુલાકાત દરમિયાન હુમલો કરીને પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથોએ અમેરિકાને બતાવવાનો પ્રયાસ કર્યો છે કે ભારત હજુ પણ અસ્થિર છે.
પ્રવાસીઓને ટાર્ગેટ કરીને ભય અને મૂંઝવણનું વાતાવરણ ઊભું કર્યું
જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ ત્યાં શાંતિ હતી અને ત્યારથી દુનિયાભરના લોકો ત્યાં આવતા હતા. પર્યટનની દૃષ્ટિએ પહેલગામ ખૂબ મોટું સ્થળ છે. આ હુમલા દ્વારા આતંકવાદી સંગઠનોએ દેશ અને દુનિયાને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે કાશ્મીર હજુ પણ સુરક્ષિત નથી. આવા હુમલા સમગ્ર વિશ્વને દેખાય છે, આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન આકર્ષિત કરે છે અને ભારતના દુશ્મન દેશોને ભારતની સ્થિરતા પર સવાલ ઉઠાવવાની તક પૂરી પાડે છે.
હુમલામાં પાકિસ્તાની આર્મી ચીફ સામેલ?
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના તાજેતરના ઉશ્કેરણીજનક નિવેદનોને પણ આ આતંકી હુમલાનું કારણ માનવામાં આવી રહ્યું છે. મુનીરે કાશ્મીરને પાકિસ્તાનની ‘જગ્યુલર વેઈન’ ગણાવી હતી. તેણે હિંદુઓ વિરુદ્ધ ઘણું ઝેર ઓક્યું હતું. તેના છ દિવસ બાદ આ હુમલો થયો હતો. એટલે કે એવું માનવામાં આવે છે કે મુનીરના નિવેદને જમ્મુ-કાશ્મીરના પહલગામમાં હુમલો કરવા માટે લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને ઉશ્કેર્યા હતા. ભારતીય ગુપ્તચર એજન્સીઓએ નિવેદનને “એક સિગ્નલ કે એલાર્મ ” તરીકે જોયું જેનો ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં કટ્ટરપંથી તત્વોને ઉશ્કેરવા અને ભારતમાં અશાંતિ પેદા કરવાનો હતો. આ નિવેદન ભારતમાં વકફ કાયદામાં ફેરફારો સામે ચાલી રહેલા વિરોધ સાથે પણ એકરુપ છે. સાચું સત્ય શું છે તે તો સમય સાથે જ ખબર પડશે પણ વર્તમાન સમીકરણો મોટાભાગે પાકિસ્તાન તરફ ઈશારો કરી રહ્યા છે.
વિશેષમાં પાકિસ્તાને તેના નાપાક ઈરાદા સાથે 27 હસતી ખેલતી જિંદગીઓનો ભોગ તો લઇ લીધો પરંતુ ભૂતકાળના અનુભવ પરથી હવે પાકિસ્તાનને ડર ઘુસી ગયો છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલા હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જે રીતે એક્શનમાં આવ્યા છે તેનાથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. આજે રાત્રે ત્યાંની સરકાર અને સેના બરાબર ઊંઘી શકી નથી. એવા સમાચાર છે કે પાકિસ્તાની એરફોર્સની ટુકડીઓ સરહદની નજીક તૈનાત કરવામાં આવી રહી છે. સમગ્ર પાકિસ્તાન હાઈ એલર્ટ પર છે. તેઓ ભારતની જવાબી કાર્યવાહીથી ડરે છે. પાકિસ્તાન તરફથી આવી રહેલા અહેવાલોથી સ્પષ્ટ છે કે ઓછામાં ઓછા 26 નિર્દોષ લોકોના મોત બાદ પાડોશી દેશને આશંકા છે કે ભારત આતંકવાદીઓ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી શકે છે. આ દરમિયાન પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આ હુમલા પર પહેલીવાર વાત કરી છે.
પાકિસ્તાને કહાનીઓ બનાવવાનું શરૂ કર્યું
એક ટીવી ચેનલ સાથે વાત કરતી વખતે પાકિસ્તાની રક્ષા મંત્રીએ એક અલગ જ વાર્તા બનાવવાનું શરૂ કર્યું. તેમણે ભારતના કેટલાક રાજ્યોના નામ લઈને આ હુમલાને ઘરેલું સમસ્યા તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો. જોકે પાકિસ્તાનની આ કાર્યવાહીને દુનિયા સમજી ગઈ છે. આ કંઈ નવું નથી.પાકિસ્તાન આવા નાટકો કરતું આવ્યું છે. પણ હવે આવી બનાવટો ફાવે તેમ નથી.પાકિસ્તાનને સબક તો મળશે જ તેમ દરેક ભારતીય ઈચ્છી રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે.

