હોસ્ટેલના એ બ્લોકમાં લગભગ 75 વિદેશી વિદ્યાર્થી રહે છે,

newzcafe
3 Min Read

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના એ બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના


અમદાવાદ/નવી દિલ્હી, તા. 17 : ગઇકાલે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના એ બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનામાં 20થી વધુ લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવી છે અને બે જણની ધરપકડ કરાઈ છે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, હિંસાના સૂત્રધારો સામે કડક પગલાં લેવાશે. વિપક્ષોએ આ મુદ્દે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.


 


હોસ્ટેલના એ બ્લોકમાં લગભગ 75 વિદેશી વિદ્યાર્થી રહે છે, તેઓ ગત  રાત્રે નમાજ પઢતા હતા. આ દરમ્યાન 20થી 25 લોકો આવ્યા હતા અને અને તેમણે કહ્યું કે, `અહીં કેમ નમાજ પઢી રહ્યા છો, મસ્જિદમાં નમાજ પઢવી જોઇએ’ તે બાદ બન્ને પક્ષ વચ્ચે બોલાચાલી થઇ હતી અને પછી બહારથી આવેલા લોકોએ પથ્થર ફેંક્યા હતા અને રૂમમાં તોડફોડ કરી હતી. 


 


પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે અત્યાર સુધીમાં સાત આરોપીની ઓળખ કરી લીધી છે, જેમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને બન્નેની પૂછપરછ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનામાં પોલીસ કામે લાગી ગઈ છે, પોલીસે 20થી વધુ લોકો સામે એફઆઇઆર  નોંધી છે અને નવ ટીમ બનાવી છે. હવે આ સમગ્ર ઘટનામાં પોલીસ સાથે એફએસએલ અને સાયબર ક્રાઈમ પણ તપાસ કરશે. એફએસએલના ચાર અધિકારીની એક ટીમ તપાસ કરશે. તો વાયરલ વિડિયો બાબતે સાયબર ક્રાઈમ પણ તપાસ કરશે. મળતી માહિતી અનુસાર જાહેરમાં નમાજ અદા કરવા અંગે સ્થાનિક વિદ્યાર્થીએ પૂછતાં વિદેશી વિદ્યાર્થીએ તેને લાફો માર્યો અને ત્યાર પછી ઉશ્કેરાયેલા વિદ્યાર્થીના ટોળાંએ અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થી પર હુમલો અને મારામારીની ઘટનાને સરકારે ગંભીરતાથી લઈને તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના મામલે ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. ગૃહમંત્રીએ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તાત્કાલિક બેઠક બોલાવી હતી. ડીજીપી વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક આ બેઠકમાં હાજર રહ્યા હતા.


 


ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના એ બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના આંતરરરાષ્ટ્રીય બની જતાં પડઘા દિલ્હી સુધી પડયા છે. હવે આ ઘટના મામલે વિદેશ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગઈકાલે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં હિંસાની ઘટના બની હતી. રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે. આ અથડામણમાં બે વિદેશી વિદ્યાર્થી ઘાયલ થયા હતા, તેમાંથી એકને તબીબી સહાય મળ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય ગુજરાત સરકારના સંપર્કમાં છે. તદુપરાંત આ ઘટનાની ગૃહ મંત્રાલયે ગંભીર નોંધ લીધી છે અને ઘટનામાં પોલીસને કડક તપાસ કરવા આદેશ કરાયા છે.

Share This Article