PF Account Holders: એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને તેના સભ્ય માટેના ફોર્મ નંબર 13માં સુધારો કર્યો છે. જેમાં એક કંપની છોડીને બીજી કંપનીમાં જોડાતી વ્યક્તિ માટે પ્રોવિડન્ટ ફંડનું ખાતું એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર કરાવવાની વિધિ અત્યંત સરળ બની જશે. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ કચેરીએ સુધારેલા આ ફોર્મને કારણે પ્રોવિડન્ટ ફંડનો વેરાપાત્ર વ્યાજનો હિસ્સો અને બિનવેરાપાત્ર વ્યાજનો હિસ્સો અલગથી જોઈ શકાશે. હવે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ કચેરી કંપનીઓના માલિકોને એક જ સાથે અનેક કર્મચારીઓના યુનિવર્સલ એકાઉન્ટ જનરેટ કરવાની કામગીરીમાં પણ મદદ કરશે. તેને માટે અલગથી આધાર કાર્ડનું સીડિંગ કરાવવું પડશે નહીં. આમ સમગ્ર કાર્યવાહી અત્યંત સરળ બની જશે. આ નવી વ્યવસ્થાનો દેશના અંદાજે 1.25 કરોડ પ્રોવિડન્ટ ફંડ ખાતાધારકોનો ફાયદો થશે.
પ્રોવિડન્ટ ફંડનું એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની કામગીરીને વધુ સરળ બની
ફોર્મ નંબર 13 ભરીને નોકરિયાત નોકરી બદલે ત્યારે તેનું પ્રોવિડન્ટ ફંડ એક કંપનીમાંથી બીજી કંપનીમાં ઝડપથી ટ્રાન્સફર કરાવી શકશે. જૂની સિસ્ટમમાં નોકરિયાતે જૂની અને નવી બંને કંપનીઓ પાસેથી પ્રોવિડન્ટ ફંડની ટ્રાન્સફર માટે મંજૂરી લેવી પડતી હતી. ફોર્મ 13 ભરી દેવાથી જૂની કંપનીમાં જમા પડેલું પ્રોવિડન્ટ ફંડ આપોઆપ જ નવી કંપનીમાં ટ્રાન્સફર થઈ જશે.
હવે પ્રોવિડન્ટ ફંડના ખાતામાં જમા પડેલી રકમ પર ચૂકવવામાં આવતા વ્યાજની રકમમાંથી વેરાપાત્ર વ્યાજ કેટલું છે અને બિનવેરાપાત્ર વ્યાજ કેટલું છે તે પણ અલગથી દર્શાવશે. પરિણામે ખાતાંધારક માટે વેરાની જવાબદારી અદા કરવી સરળ બની જશે. આ વ્યવસ્થાને પરિણામે વ્યાજની રકમ પર ટીડીએસ કેટલો કરવો તે પણ સરળતાથી ગણી શકાશે. ભવિષ્યમાં ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે કોઈ ભૂલ ન થાય તેવી આ વ્યવસ્થા હોવાનું એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ કચેરીના સૂત્રોનું કહેવું છે.
આ સાથે જ પ્રોવિડન્ટ ફંડના ખાતાને સેટલ કરી આપવાની પ્રક્રિયાને પણ વધુ ઝડપી બનાવી દેવામાં આવી છે. નોકરીમાંથી નિવૃા થયા બાદ પોતાના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટને ઝડપથી સેટલ કરી દેવાની અને પ્રોવિડન્ટ ફંડની રકમ પોતાના ખાતામાં લઈ લેવા માગનારાઓને તેનાથી ખાસ્સો લાભ થશે.
બલ્કમાં એટલે કે એક સાથે અનેક કર્મચારીઓના યુનિફાઈડ એકાઉન્ટ નંબર પણ નવું ફોર્મ 13 ભરીને જનરેટ કરી શકાશે. પ્રોવિડન્ટ ફંડના સભ્ય અને તેમાંય ખાસ કરીને એક્ઝમ્પ્ટેડ પ્રોવિડન્ટ ફંડ ટ્રસ્ટોએ ઈપીએફઓમાં જોડાઈ જવું પડશે અથવા તો પછી તેમને મળતી માફી પાછી ખેંચી લેવી પડશે. તેમ જ અર્ધન્યાયિક કાનૂની પ્રક્રિયામાં અટવાયેલા કેસોમાં પણ ઇપીએફોમાં જોડાઈ જવાનો કે વેરામાફીના લાભ જતાં કરવાનો વિકલ્પ મળશે. કંપનીમાં કામ કરતાં કર્મચારીઓના ડેટા-વિગતોને આધારે એક સાથે અનેક કર્મચારીઓના યુનિફાઈડ એકાઉન્ટ નંબર જનરેટ કરી શકશે. તેને માટે આધાર કાર્ડ પણ તત્કાળ આપવો પડશે નહીં. જોકે આધાર કાર્ડનું સીડિંગ કે અપલોડ કરવાની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી યુનિફાઈડ એકાઉન્ટ નંબરને ફ્રોઝન રાખવામાં આવશે.
પ્રોવિડન્ટ ફંડનું કયું વ્યાજ વેરા પાત્ર ગણાશે
•પગારની રકમ પર સંપૂર્ણ વેરો ચૂકવી દીધા બાદ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવવામાં આવતી રકમ પર મળતા વ્યાજની આવક પર કોઈ જ વેરો લેવામાં આવશે નહિ.
•કંપનીના માલિક પગારની આવકના ૧૨ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડના ફાળા તરીકે જમા કરાવે તો તે રકમ પરની વ્યાજની આવક વેરાપાત્ર બનશે નહીં.
•કંપનીના માલિક દ્વારા પ્રોવિડંટ ફંડમાં વરસ દરમિયાન આપવામાં આવતા ફાળાની રકમ 2.5 લાખ રૂપિયાથી વધી જાય તો તે વધારાની રકમ પર થતી વ્યાજની આવક પર વેરો લાગશે.
•જો કંપનીના માલિકનો હિસ્સો પ્રોવિડન્ટ ફંડમાં જમા ન થતો હોય તો તેવા કિસ્સામાં વાર્ષિક વ્યાજની આવક ૫ લાખ રૂપિયાથી વધી જાય તો તે વધારાની વ્યાજની આવક પર આવકવેરો લાગે છે. 2021-22ના વર્ષમાં નવા દાખલ કરવામાં આવેલા નિયમ હેઠળ પ્રોવિડન્ટ ફંડના ખાતામાં વરસે 5 લાખ રૂપિયાથી વધારેની વ્યાજની જમા થતી રકમ આવકવેરાને પાત્ર બને છે.
•પાંચ વર્ષની નોકરી પછી પ્રોવિડન્ટ ફંડની રકમનો ઉપાડ કરવામાં આવે તો તે પ્રોવિડન્ટ ફંડની સંપૂર્ણ રકમ વેરામુક્ત ગણાય છે.
•પ્રોવિડન્ટ ફંડના ખાતામાં જમા પડેલી રકમનો પાંચ વર્ષ પહેલા ઉપાડ કરવામાં આવે તો તેવા સંજોગોમાં કંપનીના માલિક દ્વારા આપવામાં આવેલા ફાળાની રકમ અને તેના પર મળેલા વ્યાજની રકમ આવકવેરાને પાત્ર બની જાય છે. આવકવેરાની કલમ 80 સી હેઠળ મેળવેલો લાભ પણ આ પ્રકારના કિસ્સાઓમાં પાછો ખેંચાઈ જશે અને કંપનીના માલિકે જમા કરેલી રકમ અને તેના પર મળેલા વ્યાજની રકમ વેરાને પાત્ર બનશે.