Donald Trump Statement on Trade Deal with India: અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલાં ભારત સાથે કરેલા કરારને લઈને દાવો કર્યો હતો કે, ભારતે અમેરિકાની ઝીરો ટેરિફની ઓફર આપી છે. પરંતુ, હવે તેમના સૂર બદલાતા જોવા મળી રહ્યા છે. એકવાર ફરી ટેરિફ પર ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, મારે આ કરારને લઈને કોઈ ઉતાવળ નથી કરવી.
ભારત ટેરિફમાં 100% કાપ મૂકવા તૈયારઃ ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો કે, ‘ભારતે અમેરિકન વસ્તુઓ પર પણ ટેરિફ ખતમ કરવાની રજૂઆત કરી છે. ટ્રમ્પે આ પગલાને ઐતિહાસિક વ્યાપારિક જીત જણાવતા કહ્યું કે, તે વેપાર કરવાનું લગભગ અસંભવ બનાવી દે છે. શું તમે જાણો છો કે, તે અમેરિકા માટે પોતાના ટેરિફમાં 100% કાપ કરવા તૈયાર છે? પરંતુ, મને આ કરારની કોઈ ઉતાવળ નથી.’ જોકે, ભારતે અત્યાર સુધી પોતાના નિવેદનમાં ઝીરો ટેરિફની વાત નથી કરી. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પનો આ દાવો ખૂબ જ અસ્પષ્ટ લાગે છે.
ઝીરો ટેરિફનો દાવો કર્યા છતાં ટ્રમ્પને આ કરારની ઉતાવળ નથી. તેમણે કહ્યું કે, ‘કોઈપણ કરારને ઔપચારિક રૂપ આપવાની ઉતાવળ નથી. પરંતુ, આ કરાર જલ્દી થશે. દરેક અમારી સાથે કરાર કરવા ઈચ્છે છે. બાકી દેશો સાથે પણ કરાર ખૂબ નજીકના સમયમાં કરવામાં આવશે.’
ઝીરો ટેરિફ પર ભારતનું નિવેદન
જોકે, ટ્રમ્પના નિવેદન બાદ ભારતનું નિવેદન પણ સામે આવ્યું છે. પત્રકારો સાથે વાત કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટતા કરી કે, અમેરિકા સાથે વ્યાપાર વાર્તા શરૂ છે, જટીલ છે અને હજુ સમાપ્ત નથી થઈ. ભારત અને અમેરિકાની વચ્ચે વ્યાપાર વાર્તા શરૂ છે. આ જટીલ ચર્ચા છે. જ્યાં સુધી બધું નક્કી ન થઈ જાય, ત્યાં સુધી કંઈ નક્કી નથી હોતું. કોઈપણ વ્યાપાર કરાર પરસ્પર લાભદાયી હોવો જોઈએ, તે બંને દેશો માટે કારગર હોવો જોઈએ. જ્યાં સુધી એવું ન થાય, ત્યાં સુધી તેના પર કોઈપણ નિર્ણય લેવો ઉતાવળ હશે.
મૂડીઝે અમેરિકાની રેટિંગ ઘટાડી
ટ્ર્મ્પની વ્યાપાર નીતિની વાત એવા સમયે ચર્ચામાં આવી છે, જ્યારે અમેરિકા પોતાની નાણાંકીય સ્થિતિને લઈને સવાલોનો સામનો કરી રહ્યું છે. મૂડીઝે યુએસમાં વધતા દેવા, વધતા વ્યાજ ખર્ચ, રાજકોષીય ખાધ અને રાજકીય અવ્યવસ્થાને ટાંકીને યુએસ સોવરેન ક્રેડિટ રેટિંગને તેના ટોચના સ્તર Aaa થી ઘટાડીને Aa1 કર્યું છે.
વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે, આ રેટિંગથી અમેરિકન સરકાર માટે ઉધાર ખર્ચ વધી શકે છે, નાણાકીય બજારો અસ્થિર થઈ શકે છે અને વિશ્વના નાણાંકીય સલામત આશ્રયસ્થાન તરીકે યુએસમાં વૈશ્વિક વિશ્વાસ ઓછો થઈ શકે છે.