ISSF World Cup: આર્ય બોર્સે અને અર્જુન બાબુતાની ભારતીય જોડીએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું અને શનિવારે અહીં ISSF વર્લ્ડ કપની ૧૦ મીટર એર રાઇફલ મિશ્ર ટીમ ઇવેન્ટમાં ચીનના જીફેઇ વાંગ અને લિહાઓ શેંગને ૧૭-૭થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.
આર્ય અને બાબુતાએ નિર્ણાયક ક્ષણે ધીરજ અને એકાગ્રતાનું ઉત્તમ ઉદાહરણ દર્શાવ્યું અને ટાઇટલ મેચમાં ચીની ખેલાડીઓને કોઈ તક આપી નહીં. ભારતીય જોડીએ ક્વોલિફિકેશનમાં ૬૩૫.૨નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ રાઉન્ડમાં પ્રવેશ કર્યો, જે વાંગ અને શેંગ (૬૩૫.૯) કરતા માત્ર ૦.૭ પોઇન્ટ પાછળ હતો. ચીની જોડીનો આ સ્કોર ક્વોલિફિકેશન વર્લ્ડ રેકોર્ડ પણ છે.
વ્યક્તિગત રીતે, આર્યએ ૩૧૭.૫નો સ્કોર કર્યો, જ્યારે બબુતાએ ક્વોલિફિકેશનમાં ૩૧૭.૭નો સ્કોર કર્યો. આર્યએ આ વર્ષની શરૂઆતમાં પેરુના લિમામાં વર્લ્ડ કપમાં રૂદ્રાક્ષ પાટિલ સાથે ૧૦ મીટર એર રાઇફલ મિશ્ર ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
આ ઇવેન્ટમાં અન્ય ભારતીય જોડી, ઇલાવેનિલ વાલારિવન અને અંકુશ જાધવ, 631.8 પોઈન્ટ સાથે ક્વોલિફિકેશનમાં છઠ્ઠા સ્થાને રહી. નોર્વેની જીનેટ હેગ ડ્યુસ્ટાડ અને જોન-હર્મન હેગે યુએસએના સેગેન મેડાલેના અને પીટર મેથ્યુ ફિઓરીને 16-14થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો.
આ ભારતનો બીજો ગોલ્ડ અને ચાલુ વર્લ્ડ કપમાં એકંદરે ચોથો મેડલ છે. સુરુચી સિંહે શુક્રવારે ગોલ્ડ જીત્યો હતો જ્યારે સિફ્ટ કૌર સમરા અને ઇલાવેનિલે આ અઠવાડિયાની શરૂઆતમાં તેમની વ્યક્તિગત ઇવેન્ટમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.