ભારત અને બાંગલાદેશ ક્રિકેટ ટીમ વચ્ચે ગુરુવારે મેચ
Thursday, 19 October 2023
ભારત અને બાંગલાદેશ ક્રિકેટ ટીમ વચ્ચે ગુરુવારે મેચ
આજે ચોથી જીતનું ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય
પૂણે, તા. 18 : ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે બાંગલાદેશ સામે મેદાને પડશે ત્યારે પાડોશી દેશની ટીમને જરા પણ હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં. કારણ કે, આ વખતનો વર્લ્ડકપ ઉલટફેરનો વિશ્વકપ બની રહ્યો છે. પહેલા વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાનની જીત અને પછી દ. આફ્રિકા સામે નેધરલેન્ડની જીતથી બાકીની તમામ ટીમ માટે ખતરાની ઘંટડી વાગી ચૂકી છે. ટીમ વિશ્વકપમાં વધુ એક ઉલટફેરથી બચીને ટૂર્નામેન્ટમાં સતત ચોથા વિજયના નિર્ધાર સાથે મેદાનમાં ઉતરશે. બીજી તરફ બાંગલાદેશ અફઘાન અને ડચ ટીમમાંથી પ્રેરણા લઈને ભારતને ટક્કર આપવા માગશે. ગયા મહિને બાંગલાદેશની ટીમે એશિયા કપમાં ભારતને 6 રને હાર આપી હતી. ગત વર્લ્ડકપ પછી બન્ને દેશ વચ્ચે 4 વન ડે રમાઈ છે. જેમાં બાંગાલદેશનો વિજય થયો છે. આ ચારેય મેચમાં ટીમ ઇન્ડિયાએ પ્રયોગાત્મક ટીમ ઉતારી હતી, પણ વર્લ્ડકપના મેચમાં આ ભૂલ કરશે નહીં. ટીમ ઇન્ડિયા પોઇન્ટ ટેબલ પર ટોચ પર છે. કેપ્ટન રોહિત શર્મા સહિતના તમામ ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. છેલ્લી મેચમાં પરંપરાગત હરીફ પાકિસ્તાન સામેની 7 વિકેટે મળેલી આક્રમક જીતથી ટીમ આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. કપ્તાન રોહિત અફઘાનિસ્તાન સામે 131 અને પાક. સામે 86 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી ચૂક્યો છે. પાક. સામે નિષ્ફળ રહેનાર કોહલી ઓસ્ટ્રેલિયા સામે દબાણમાં 8પ અને અફઘાન સામે અણનમ પપ રન કરી ચૂક્યો છે. અય્યરે પાક. સામે અણનમ અર્ધસદી કરી હતી તો રાહુલે ઓસિ. સામે અણનમ 96 રન કરી જીત અપાવી હતી.જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવની આગેવાનીમાં ભારતીય બોલરોએ અત્યાર સુધી હરીફ ટીમના બેટધરોને બાંધીને રાખ્યા છે. ભારતની ચુસ્ત બોલિંગ સામે ઓસ્ટ્રેલિયન ટીમ 199 અને પાક. ટીમ 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગલાદેશ સામે સૌથી મોટો પડકાર રોહિતનો હશે. તે 201પના વર્લ્ડકપમાં બાંગલાદેશ સામે 137 અને 2019ના વર્લ્ડકપમાં 104 રન કરી ચૂક્યો છે. 2007ના વર્લ્ડકપમાં બાંગલાદેશ સામે અપસેટનો શિકાર બન્યા બાદ ટીમ ઇન્ડિયાએ વિશ્વકપમાં આ ટીમ સામે સતત 300થી વધુ રન કર્યા છે. ભારતીય ઇલેવનમાં ફેરફારની બહુ સંભાવાના જણાતી નથી. કદાચ શાર્દુલ ઠાકુરનાં સ્થાને મોહમ્મદ શમી અથવા તો રવિચંદ્રન અશ્વિનને તક મળી શકે છે. બીજી તરફ બાંગલાદેશનો કપ્તાન શકિબ અલ હસન ઇજાગ્રસ્ત છે. આથી તેની રમવાની સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી. બાંગલાદેશના બોલરો હરીફ ટીમ સામે શરૂઆતમાં દબાણ બનાવવામાં વિફળ રહ્યા છે. જેનો ફાયદો ભારતને મળી શકે છે. ખાસ કરીને વાપસી કરનાર શુભમન ગિલ મોટી ઇનિંગ્સ રમવા કમર કસશે.
