Gujarat Employment: શિક્ષિત બેરોજગારોને રોજગારી મળી રહે તે માટે ઘણી સરકારી યોજનાઓ અમલમાં છે. આ પૈકી પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના પણ રોજગારીલક્ષી યોજના છે પણ ગુજરાતમાં આ યોજના શિક્ષિત બેરોજગારો માટે લાભદાયી પુરવાર થઈ નથી શકી. ગુજરાતમાં તો પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના અંતર્ગત અરજીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આંખે ઉડીને વળગે તેવી વાત તો એ છે કે, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના મતવિસ્તાર નવસારી- સુરત જીલ્લામાં તો એકેય બેરોજગારે રોજગારી માટે અરજી કરી નથી.
લઘુ-મધ્યમ ઉદ્યોગોને વાગ્યા ખંભાતી તાળાં
એક બાજુ, વાઇબ્રન્ટ ગુજરાતમાં શિક્ષિત યુવાઓ માટે રોજગારીની અનેક તકો રહેલી છે તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે જ્યારે બીજી બાજુ રાજયમાં લઘુ-મઘ્યમ ઉદ્યોગોને ખંભાતી તાળાં વાગી રહ્યાં છે. સરકારી નોકરીઓમાં કેલેન્ડર મુજબ નિયમિત ભરતી નથી. કોન્ટ્રાક્ટ આધારે નોકરીએ રાખી શિક્ષિત યુવાઓનુ રીતસર શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના હેઠળ અરજીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો છે. કેટલાક જિલ્લાઓમાં તો એકેય અરજીઓ આવી નથી જે દર્શાવે છે કે રાજ્ય સરકાર યુવાનોને રોજગારી પૂરી પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.
સી.આર. પાટીલના વિસ્તારમાં સ્થિતિ ખરાબ
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલને તો વડાપ્રધાનનું નામ થાય તેમાં નહી પણ પોતાના પ્રચાર, માર્કેટિંગમાં રસ છે. બેરોજગારીની સમસ્યાએ ફેણ માંડી છે ત્યારે પાટીલના મત વિસ્તાર નવસારી અને સુરત જિલ્લાઓમાં એક પણ અરજદારે રોજગારી માટે અરજી કરી નથી. આ જ દર્શાવે છે કે, સી.આર.પાટીલ પ્રધાનમંત્રીનિ યોજનાના અમલીકરણ અને શિક્ષિત યુવાઓને રોજગારી મળે તે માટે કેટલાં સક્રિય છે. વર્ષ 2020-21 થી 2024-25 દરમિયાન આ યોજના અંતર્ગત અરજીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2020-21માં કુલ 19654 અરજીઓ મળી હતી, જે 60 ટકાથી વધુ ઘટીને વર્ષ 2024-25માં માત્ર 7793 થઈ ગઈ છે. અરજીઓની સંખ્યામાં થતો ઘટાડો દર્શાવે છે કે, આ સરકારી યોજનાનો લાભ લેવામાં શિક્ષિત બેરોજગારોને મુશ્કેલી પડી રહી છે. જે ચિંતાજનક બાબત છે. વર્ષ 2024-25માં ડાંગમાં માત્ર 7, મહીસાગરમાં 7, છોટા ઉદેપુરમાં 16, નર્મદામાં 2 અરજીઓ બેન્ક દ્વારા સ્વીકારવામાં આવી હતી.
પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના આદિવાસી વિસ્તારમાં માત્ર નામપુરતી હોય તેમ લાગી રહ્યુ છે. કેન્દ્ર સરકારની રોજગારલક્ષી યોજના પ્રત્યે ઉદાસીન વલણ અપનાવાઇ રહ્યુ છે. જો રાજ્ય સરકાર દ્વારા યુવાનોને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવે તો સરકારી યોજનાનો વધુને વધુ લાભ મળી શકે તેમ છે.
પાંચ વર્ષમાં 7269 લઘુ-મઘ્યમ ઉદ્યોગોને તાળા લાગ્યાં
ગુજરાતમાં લઘુ અને મઘ્યમ ઉદ્યોગની નીતિ અને યોજનાના અમલીકરણને લઇને સવાલો ઉઠ્યાં છે કેમકે, વાઇબ્રન્ટ ગુજરાત પાછળ લાખો કરોડોનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે તેમ છતાંય ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યુ નથી. નાના ઉદ્યોગોની સ્થિતી દીનેદીને કથળી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 7269 લઘુ અને મઘ્યમ ઉદ્યોગોને ખંભાતી તાળા વાગ્યાં છે જેથી 33361 લોકોએ રોજગાર ગુમાવ્યો છે. વર્ષ 2020-21માં 67 ઉદ્યોગ, વર્ષ 2021-22માં 449, વર્ષ 2022-23માં 1074, વર્ષ 2023-24માં 2307, વર્ષ 2024-25માં 3329 લઘુ અને મધ્યમ ઉદ્યોગો બંધ થયાં છે. જ્યારે વર્ષ 2025માં જ લધુ-મઘ્યમ ઉદ્યોગો બંધ થતાં 14746 લોકો રોજગારવિહોણાં થયાં છે.