Google Android app developer verification : ગૂગલ હવે તેની સિક્યોરિટીને વધુ કસી રહી છે. 2026થી સર્ટિફાઇડ એન્ડ્રોઇડ ડિવાઇસ પર ફક્ત વેરિફાઇડ ડેવલપર્સની જ એપ્લિકેશન જોવા મળશે. આ પોલિસી ફક્ત પ્લે સ્ટોર માટે નથી, પરંતુ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવામાં આવતી એપ્લિકેશન અને થર્ડ-પાર્ટી એપ સ્ટોર માટે પણ લાગુ પડે છે. યુઝરની ડિવાઇસ પર કરવામાં આવતાં મેલવેર એટેક અને છેતરપિંડીને અટકાવવા માટે ગૂગલ દ્વારા આ પગલું ભરવામાં આવી રહ્યું છે.
વેરિફિકેશન પ્રોસેસને બનાવી વધુ કડક
ગૂગલ દ્વારા 2023માં આ પ્રકારની એક પોલિસી રજૂ કરવામાં આવી હતી. જોકે એમાં પ્લે સ્ટોર પર એ લાગુ પડતી હતી. જોકે હવે એ દરેક રીતે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવામાં આવે એ પ્રોસેસ પર લાગુ પડશે. યુઝર ઇન્ટરનેટ પરથી કોઈ પણ એપ્લિકેશનને ડાઉનલોડ કરશે તો પણ એ એપને આ પોલિસી લાગુ પડશે. ગૂગલ દ્વારા હવે એપ્લિકેશનના કન્ટેન્ટની સાથે આ એપ્લિકેશન કોણે બનાવી છે અને ક્યાંથી આવી છે એ પણ ચેક કરવામાં આવશે. આથી એક એપ્લિકેશનને બેન કરવામાં આવી હોય તો એ ડેવલપર પર ધ્યાન આપી શકાય અને તેના તરફથી બીજી એપ્લિકેશન સબમિટ કરવામાં આવે ત્યારે એના પર વધુ ધ્યાનથી નજર કરી શકાય.
ડેવલપર્સ માટે બનાવાયા વધુ કાયદા-કાનૂન
ગૂગલ પ્લે સ્ટોરની બહાર જે ડેવલપર્સ તેમની એપ્લિકેશનની સર્વિસ પૂરી પાડતા હોય તેમણે હવે નવા એન્ડ્રોઇડ ડેવલપર કોન્સોલનો ઉપયોગ કરવો પડશે. સ્ટુડન્ટ અને હોબી માટે એપ્લિકેશન બનાવતા ડેવલપર્સ માટે આ પ્રોસેસ થોડી સરળ છે, પરંતુ કમર્શિયલ સર્વિસ પૂરી પાડનાર માટે નહીં. ડેટા યુનિવર્સલ નંબરિંગ સિસ્ટમ હેઠળ હવે ઓર્ગેનાઇઝેશન દ્વારા રજિસ્ટ્રેશન પણ કરાવવું પડશે. ગૂગલ પ્લેના ડેવલપર્સ મોટાભાગે આ તમામ પ્રોસેસનું અમલ કરતાં આવ્યાં છે, પરંતુ આ પ્લેટફોર્મની બહારના ડેવલપર્સે પણ હવે આ બધા કાયદા-કાનૂન ફોલો કરવા પડશે નહીં તો તેમની એપ્લિકેશન એન્ડ્રોઇડમાં ઇન્સ્ટોલ નહીં થાય.
પ્રોસેસની શરૂઆત થશે ઓક્ટોબરમાં
ગૂગલ દ્વારા આ નવી પોલિસીની શરૂઆત માટે વેરિફિકેશન 2025ના ઓક્ટોબરથી આપવાનું શરૂ કરવામાં આવશે. આ પોલિસી મોટાભાગે માર્ચ 2026માં દરેક જગ્યાએ શરૂ થઈ જશે. જોકે બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને થાઇલેન્ડમાં એ 2026ની સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સ્કેમ માર્કેટમાં આ દેશમાં સૌથી વધુ અસર થાય છે. 2027ની શરૂઆત સુધીમાં દુનિયાના તમામ દેશમાં દરેક એપ્લિકેશન સર્ટિફાઇડ હોવાનો પ્લાન છે. આથી દરેક ડેવલપર્સ દ્વારા તેમનું વેરિફિકેશન કરાવવું જરૂરી છે.