ભારતમાં યામાહા 700cc બાઇક્સ: અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક યામાહા મોટર આગામી કેટલાક વર્ષોમાં પ્રીમિયમ સેગમેન્ટની મોટરસાઇકલ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેથી કરીને યૂઝર્સને ઉચ્ચ પ્રદર્શન સાથે બાઇકનો અનુભવ મળી શકે. આ જાણકારી યામાહા દ્વારા જ આપવામાં આવી છે. કંપની 700cc બાઇક સેગમેન્ટમાં તેનો પોર્ટફોલિયો વિસ્તારશે. યામાહા મોટર ઇન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ) રવિન્દર સિંઘે જણાવ્યું હતું કે, “અમે અત્યારે આવનારા મોડલ્સની વિગતો જાહેર કરી શકતા નથી, પરંતુ અમે દાવો કરી શકીએ છીએ કે કંપનીનું ધ્યાન પ્રીમિયમ સેગમેન્ટ પર રહેશે.”
કંપનીએ શું કહ્યું?
રવિન્દર સિંઘે જણાવ્યું હતું કે, “કંપની યુવા ભારતીય રાઇડર્સની અપેક્ષાઓ પૂરી કરીને 149cc થી 155cc તેમજ ઉચ્ચ રેન્જમાં બાઇક્સ ઓફર કરવાનું ચાલુ રાખશે. અમે રાઇડર્સને ઉચ્ચ પ્રદર્શન અને ઉત્તમ અનુભવ પ્રદાન કરતી બાઇક્સ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું.” વધુમાં, યામાહાએ ડિસેમ્બર 2023માં 300cc કેટેગરીમાં R3 અને MT-03 મોડલ પણ લૉન્ચ કર્યા હતા, જે ખૂબ જ સફળ રહ્યા હતા. કંપની 700cc સેગમેન્ટમાં નવા મોડલ રજૂ કરવાની યોજના ધરાવે છે, જે કંપનીના પોર્ટફોલિયોને વેગ આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કંપનીના મોટા પોર્ટફોલિયોનું લક્ષ્ય હાલના વપરાશકર્તાઓની અપગ્રેડ અને સ્પોર્ટી-સ્ટાઈલિશ બાઈક પસંદ કરતા નવા ગ્રાહકોની માંગને પહોંચી વળવાનું છે. જેના માટે કંપની ભારતમાં YZF R7 અને MT-07 લોન્ચ કરશે. આગામી થોડા વર્ષોમાં 700cc સેગમેન્ટની રજૂઆત સાથે અમે ડેબ્યૂ કરવા માંગીએ છીએ.
જેનો ધ્યેય યુવાનોને આકર્ષવાનો છે
કંપનીના જણાવ્યા અનુસાર, તાજેતરના વર્ષોમાં, ભારતમાં પ્રીમિયમ મોટરસાઇકલ સેગમેન્ટમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે, જેમાં ઘણા નોંધપાત્ર વલણોનો સમાવેશ થાય છે. જેમાં યુવાનો હવે નવો અને અદ્ભુત અનુભવ ઇચ્છે છે. તેઓ બહેતર પ્રદર્શન, અદ્યતન ટેકનોલોજી અને સ્ટાઇલિશ ડિઝાઇન સાથે નવા મોડલ્સની માંગ કરે છે, જેના કારણે પ્રીમિયમ સેગમેન્ટમાં સતત માંગ છે. “યામાહા શહેરી અને અર્ધ-શહેરી બજારો અને 18-25 વર્ષની વય જૂથના ગ્રાહકોને આકર્ષવાનો લક્ષ્યાંક ધરાવે છે.”
કંપની માર્કેટ શેર વધારવા માંગે છે
કંપની કહે છે કે, “વર્ષ 2022માં, સેમિકન્ડક્ટરની ગંભીર અછત જેવા પડકારો છતાં કંપનીએ 5.5 લાખ યુનિટ્સનું વેચાણ કરીને તેની વૃદ્ધિ જાળવી રાખી હતી. યામાહાની આ સફળતા 2023માં 6.4 લાખ યુનિટના વેચાણ પર પહોંચી ગઈ હતી. તેમજ “પ્રીમિયમ સેગમેન્ટમાં યામાહાનો બજાર હિસ્સો વધ્યો છે. 2019માં 10 ટકાથી વધીને 2023માં 15 ટકા થયો અને આ વર્ષે તેને વધારીને 17.2 ટકા કરવાનો લક્ષ્યાંક છે.”