Arattai Messenger App: ઉદ્યોગપતિ અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પણ સ્વદેશી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન ‘Arattai’નો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે, તેમણે અરટ્ટઈ ડાઉનલોડ કરી છે.
વેમ્બૂએ આનંદ મહિન્દ્રાનો આભાર માન્યો
આનંદ મહિન્દ્રા (Anand Mahindra)ની આ પોસ્ટનો Zohoના ફાઉન્ડર શ્રીધર વેમ્બુ (Sridhar Vembu)એ જવાબ આપીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે. વેમ્બુએ તેમને કહ્યું કે, તમે અમારી એપ્લિકેશનને પ્રોત્સાહન આપતા હવે તેને મજબૂતી મળશે. વેમ્બુએ એક્સ પર કહ્યું કે, તેઓ ઓફિસમાં અરટ્ટઈના એન્જિનિયરો સાથે એપ માટે કામ કરી રહ્યા છે, ત્યારે તેમની ટીમના સભ્યોએ તેમને આનંદ મહિન્દ્રાનું ટ્વિટ બતાવ્યું.
એપ ‘અરટ્ટઈ’ એપલના એપ સ્ટોર પર નંબર-1
ભારતીય મેસેજિંગ એપ ‘અરટ્ટઈ’ એપલના એપ સ્ટોર પર નંબર-1ની પોઝિશન પર આવી ગઈ છે. કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આ એપ્લિકેશન વિશે પોસ્ટ કરવામાં આવ્યા બાદ એના યુઝર્સમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. આ એપ્લિકેશનને ઘણાં લોકો દ્વારા ઈન્સ્ટોલ કરવામાં આવી હતી. આ એપ્લિકેશન એપ સ્ટોર અને એન્ડ્રોઇડના પ્લે સ્ટોર બન્ને પર ઉપલબ્ધ છે.
‘અરટ્ટઈ’ એક સ્વદેશી એપ
ભારતીય સોફ્ટવેર કંપની Zoho દ્વારા આ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એક મેસેન્જર એપ્લિકેશન છે અને એનું નામ ‘અરટ્ટઈ’ રાખવામાં આવ્યું છે. આ એપ્લિકેશન પહેલાં ક્રમે પહોંચ્યા બાદ કંપની દ્વારા એ વિશે પોસ્ટ કરવામાં આવી હતી. આ એપ્લિકેશન સોશિયલ મીડિયા કેટેગરીમાં ભારતમાં પહેલાં ક્રમે આવી ગઈ છે. આ માટે તેમણે યુઝર્સનો ખૂબ જ આભાર માન્યો હતો.
Arattai મેસેન્જર કેમ અલગ છે?
Arattai મેસેન્જર એપ્લિકેશનને ખૂબ જ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. મોટાભાગની એપ્લિકેશન હાઇ-એન્ડ પર્ફોર્મન્સ ધરાવતા મોબાઇલમાં સારી રીતે કામ કરે છે. જોકે Arattai એપ જૂના અને સામાન્ય કોનફિગરેશન ધરાવતા મોબાઇલમાં પણ ખૂબ જ સારી રીતે કામ કરે છે. તેમ જ ઓછા નેટવર્ક હશે ત્યાં પણ આ એપ્લિકેશન ખૂબ જ સારી રીતે કામ કરશે. આ એક સ્વદેશી એપ્લિકેશન છે અને એમાં ઘણાં ફીચર્સ વોટ્સએપ જેવા છે. કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આ એપ વિશે પોસ્ટ કરીને એને પ્રમોટ કરવામાં આવી હતી. દરરોજ 3000 સાઇન-અપની જગ્યાએ છેલ્લા ત્રણ દિવસમાં 350000 નવા એકાઉન્ટ બન્યા છે.
વોટ્સએપ જેવી અન્ય એપ્સ સાથે થશે ટક્કર
ઇન્સ્ટન્ટ મેસેજિંગ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં એપ્લિકેશન છે અને એ ખૂબ જ મોટું માર્કેટ છે. આ માર્કેટમાં સૌથી મોટો પ્લેયર વોટ્સએપ છે. આથી Arattai એપ્લિકેશનની લોકપ્રિયતામાં આ જ રીતે વધારો થતો રહ્યો તો એ બહુ જલદી વોટ્સએપ સાથે હરિફાઈમાં ઉતરી શકે છે. જોકે વોટ્સએપની સાથે આ માર્કેટમાં ટેલિગ્રામ અને સિગ્નલ જેવા પણ અન્ય મોટા પ્લેયર છે. આથી Arattaiની ટક્કર ફક્ત વોટ્સએપ સાથે નહીં, પરંતુ અન્ય એપ્સ સાથે પણ જોવા મળશે.

