BJP internal faction conflict: હું જ અહીંનો નરેન્દ્ર મોદી છું: તાપીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ, ધારાસભ્ય-પુત્રનો હોબાળો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

BJP internal faction conflict: તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથ સ્વાગત કાર્યક્રમ બુહારી ગ્રામ પંચાયત દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના ધારાસભ્ય અને તેના પુત્રએ હંગામો કરી ભયનું વાતાવરણ ઊભું કર્યાના આક્ષેપ સાથે ગામના સરપંચ, તા.પં.સભ્ય અને જિ.પં.ના અઘ્યક્ષે ભાજપ મોવડી મંડળને લેખિત ફરિયાદ કરી હતી. જે પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપમાં આંતરિક જૂથવાદની લડાઈ જાહેરમાં આવી ગઈ છે. ફરિયાદમાં ધારાસભ્ય વગર આમંત્રણે આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

‘હું એકલો જ બોલીશ, હું જ અહીંનો નરેન્દ્ર મોદી છું’

- Advertisement -

વાલોડ તાલુકા ભાજપમાં ચાલતા જૂથવાદની લડાઈ હવે ત્રણ પેઢીના પારિવારિક સંબંધમાં પ્રવેશતા ખટરાગ ઉભો થયો હોય તેમ જણાય છે. ત્રણ પેઢીના પારિવારિક સંબંધમાં ભાજપના ધારાસભ્ય મોહન ઢોડીયા સાથે બુહારી ગ્રામ પંચાયતમાં વહીવટકર્તાઓને ઘણા સમયથી ખટરાગ ઉભો થયો છે. જેને પગલે બુહારી ગામે યોજાતા ભાજપના કે સરકારી કાર્યક્રમમાં વિવાદો ઉભા થાય છે. જે વિવાદો સોશિયલ મીડિયામાં રાજકીય રીતે એકબીજાને પછાડી દેતા હોય તેવી પોસ્ટ વાયરલ થાય છે.

દરમિયાન બુધવારે બુહારી ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત રથના સ્વાગતનો કાર્યક્રમ ગ્રામ પંચાયત બુહારી દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયા, વાલોડ તાલુકા ભાજપ પ્રમુખ પરિમલસિંહ સોલંકી અને ભાજપ આગેવાન અમિત પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

ધારાસભ્ય મોહન ઢોડીયા અને તેમના પુત્ર દિગેન્દ્રએ હંગામો કર્યો હોવાના લેખિતમાં આક્ષેપો કરવામાં આવ્યા છે. બુહારી ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર સરપંચ વનીતાબેન ગામીત, તા.પં. સભ્ય દર્શના પરમાર તથા જિ.પં.ના મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિના અધ્યક્ષ તૃપ્તિ પટેલે સહી કરીને ભાજપ મોવડી મંડળને લેખિત ફરિયાદ કરી છે.

જેમાં ધારાસભ્ય મોહન ઢોડીયા વગર આમંત્રણે આવી પહોંચ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મોહન ઢોડીયાના પુત્ર દિગેન્દ્રએ પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારીને અટકાવી ધારાસભ્ય આવે ત્યાં સુધી પ્રોગ્રામ શરૂ નહીં કરવા અને શરૂ કર્યો તો તમે જાણો, નહીં તો દોડતા કરી દઈશું તેવી ધાક ધમકી આપી હંગામો મચાવી ભયનું વાતાવરણ ઊભું કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

- Advertisement -

કાર્યક્રમમાં બુહારીના સરપંચ, ઉપસરપંચનું ઉદ્‌બોધન હતું. સભા સંચાલકે પ્રોગ્રામ શરૂ કરતાં શાબ્દિક સંબોધન તથા વિસ્તારના વિકાસની વાતો રજૂ કરવા બુહારીના ઉપસરપંચ સુરજ દેસાઈ ઉદ્‌બોધન કરશે તેમ જણાવતાં જ મંચ ઉપરથી ધારાસભ્ય મોહન ઢોડીયાએ હું એકલો જ બોલીશ, હું જ અહીંનો નરેન્દ્ર મોદી છું. તેવા વાક્ય ઉચ્ચારી ગ્રામજનોનું અપમાન કર્યું હોવાના આક્ષેપો કર્યા હતાં.

બુહારીમાં વિકાસ રથના કાર્યક્રમ સમયે ઉપસ્થિત ભાજપના એક પણ આગેવાન બાજીપુરા ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હોવાનું જણાવ્યું હતું. જે પત્ર બુહારી વિસ્તાર તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપના આંતરિક જૂથવાદ હવે જાહેરમાં આવી ગયો છે. બુહારી ગ્રામ પંચાયતના ભાજપ શાસકો જ ભાજપના ધારાસભ્યનો વિરોધ શરૂ કરતાં હવે જુથવાદની લડાઈ ક્યારે અટકશે ? તે કળવું મુશ્કેલ જણાય છે.

Share This Article