Diwali Firecrackers History: દિવાળીના તહેવારો નજીક આવતા જ માર્કેટમાં ફટાકડા ડિમાન્ડ વધી જાય છે. લોકો પ્રકાશના પર્વ દિવાળીની ફટાકડા ફોડીને ધામધૂમથી ઉજવણી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, દિવાળી પર ફટાકડા ફોડવાની શરૂઆત ક્યારથી થઈ ને ફટાકડાની શોધ કેવી રીતે થઈ?
સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હી અને આસપાસના એનસીઆર વિસ્તારમાં 18 થી 21 ઓક્ટોબર સુધી ગ્રીન ફટાકડાના વેચાણની મંજૂરી આપી દીધી છે. કોર્ટ અનુસાર તહેવારની ઉજવણી અને પર્યાવરણની સુરક્ષા વચ્ચે એક સંતુલિત દૃષ્ટિકોણ હોવો જોઈએ. બેન્ચે કહ્યું કે, “આપણે સંતુલિત દૃષ્ટિકોણ અપનાવવો પડશે, પર્યાવરણની ઉપેક્ષા કર્યા વગર, સમજદારીથી ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપવી પડશે.”
સુપ્રીમ કોર્ટે આ નિર્ણય ત્યારે સંભળાવ્યો, જ્યારે દિલ્હીમાં એર પોલ્યુશન WHOના માપદંડના સુરક્ષિત લેવલથી 25 થી 30 ગણું ખરાબ હતું. કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડની વેબસાઈટ અનુસાર, ગુરુવારે સવારે શહેરના મોટા ભાગના વિસ્તારમાં હવામાં ઉપસ્થિત સૂક્ષ્મ કણ PM 2.5નું સ્તર 300થી 400 વચ્ચે નોંધવામાં આવ્યું.
આ સ્થિતિ દિવાળી પહેલાની છે. જો છેલ્લેલા કેટલાક વર્ષોની વાત કરીએ તો, દિવાળી બાદ હવાની ગુણવત્તામાં ઘટાડો નોંધવામાં આવે છે. તેની પાછળનું મુખ્ય કારણ ફટાકડા પણ છે. ત્યારે આવો જાણીએ કે, આખરે દિવાળી પર ફટાકડા ફોડવાની શરૂઆત ક્યારથી થઈ ને ફટાકડાની શોધ કેવી રીતે થઈ?
ફટાકડા, જે આજે દિવાળી જેવા તહેવારોના અભિન્ન ભાગ બની ગયા છે, તેની ભારતમાં આગમનની કહાની ખૂબ જ રસપ્રદ છે. ઇતિહાસકારોનું માનવું છે કે ફટાકડાની શરૂઆત ચીનમાં થઈ હતી. પ્રાચીન ચીનમાં વાંસને આગમાં નાખવાથી તેના હવાવાળા ખાલી ભાગોને કારણે ફાટવાનો અવાજ આવતો હતો, જે ફટાકડાનું પ્રાથમિક સ્વરૂપ હતું. પાછળથી, 9મી સદીમાં, ચીની રસાયણશાસ્ત્રીઓએ સોલ્ટપીટર, સલ્ફર અને ચારકોલને મિશ્રિત કરીને ગનપાઉડર બનાવ્યો, જેનાથી આધુનિક ફટાકડાનો વિકાસ થયો.
ઇતિહાસકારોના મતે, ફટાકડાની શરૂઆત ઈ.સ. પૂર્વે બીજી સદીમાં પ્રાચીન લિઉયાંગ, ચીનમાં થઈ હતી. જોસેફ નીધમે તેમના પ્રખ્યાત પુસ્તક “સાયન્સ એન્ડ સિવિલાઈઝેશન ઇન ચાઈના”માં લખ્યું છે કે બારૂદની શોધ દાઓવાદી રસાયણશાસ્ત્રીઓએ કરી હતી, જેનાથી આગળ જતાં આતશબાજી અને રોકેટનો પાયો નંખાયો.
ફટાકડા ચીનથી વેપાર દ્વારા ભારતમાં આવ્યા. ભારતમાં ફટાકડાની પરંપરાની શરૂઆત મધ્યયુગીન કાળમાં માનવામાં આવે છે. કેટલાક સ્ત્રોતો અનુસાર, 13મી સદીમાં ફટાકડા ભારતમાં આવ્યા, જ્યારે અન્ય સ્ત્રોતો 1400 ઈ.સ.ની આસપાસ ચીની પાયરોટેકનિક ફોર્મ્યુલાઓ ભારતમાં પહોંચ્યા હોવાની સંભાવના વ્યક્ત કરે છે.
ભારતમાં સૌથી પહેલાં ફટાકડાનો ઉપયોગ દિલ્હી સલ્તનત અને મુઘલ કાળ દરમિયાન થયો. મુઘલ દરબારોમાં તહેવારો, લગ્નો અને વિજયની ઉજવણીઓમાં આતશબાજીનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવતું હતું.
ઇતિહાસકાર ઇક્તિદાર આલમ ખાને તેના પુસ્તક “ગનપાઉડર એન્ડ ફાયરઆર્મ્સ વોરફેર ઇન મિડીવલ ઇન્ડિયા”માં જણાવ્યું છે કે, “13મી સદી સુધીમાં બારૂદ ભારતમાં પહોંચી ગયું હતું, અને તેની સાથે આતશબાજીની કળા પણ આવી, જેને પાછળથી દરબારોમાં તહેવારોના રૂપમાં અપનાવવામાં આવી.”
દિવાળીમાં ફટાકડા ફોડવાની પરંપરા 16મી-17મી સદીની વચ્ચે શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. તે સમયે ફટાકડા દરબારો અને શ્રીમંત ઘરોમાં ફોડવામાં આવતા હતા. ધીમે-ધીમે આ પરંપરા સામાન્ય લોકો સુધી પહોંચી અને દિવાળી ઉત્સવનું મુખ્ય આકર્ષણ બની ગઈ.
ડી.એન. ઝાએ તેમની પુસ્તક “ફીસ્ટ્સ એન્ડ ફાસ્ટ્સ: અ હિસ્ટરી ઓફ ફૂડ ઇન ઇન્ડિયા”માં જણાવ્યું છે કે, “આતશબાજી, જે ચીની બારૂદ કળામાંથી ઉદ્ભવી હતી, તેનો ઉપયોગ સૌપ્રથમ ભારતના દરબારોમાં થયો અને પાછળથી દિવાળી જેવા ધાર્મિક તહેવારોનો ભાગ બની ગઈ.”
શિવકાશીમાં ફટાકડા ઉદ્યોગનો વેપાર 6000 કરોડ રૂપિયાનો છે. તમિલનાડુનું આ નાનું શહેર, શિવકાશી, ભારતના ફટાકડા ઉત્પાદનનો 90% હિસ્સો સંભાળે છે, જ્યાં 8,000થી વધુ નોંધાયેલા કારખાનાઓ છે. અહીં 3 લાખથી વધુ લોકો સીધા જોડાયેલા છે, જ્યારે પરોક્ષ રોજગાર 5 લાખ સુધી ફેલાયેલો છે.