Home Remedies for Cracked Heels: શિયાળામાં પગની ત્વચા જાડી, ખરબચડી અને તિરાડવાળી બની જવી એ સામાન્ય ફરિયાદ છે. જો આ સમસ્યા પર ધ્યાન ન આપવામાં આવે, તો તે પીડા અને ગંભીર ચેપનું કારણ બની શકે છે. ફાટેલી એડીઓ પાછળના મુખ્ય કારણોમાં લાંબા સમય સુધી ખુલ્લા પગે ચાલવું, ખુલ્લા સેન્ડલ કે ચંપલ પહેરવા, ઠંડા પાણીમાં વધુ સમય રહેવું, અને સૌથી મહત્ત્વનું છે ત્વચાને પૂરતો ભેજ ન આપવો અને શુષ્ક તથા નિર્જલીકૃત ત્વચા હોવી. જો આ ટેવો ટાળવામાં આવે અને નિયમિત કાળજી લેવામાં આવે, તો તિરાડો પડતી અટકાવી શકાય છે.
પગને પલાળવા અને સ્ક્રબ કરવું: એક ટબમાં હુંફાળું પાણી લો, તેમાં થોડું શેમ્પૂ, મીઠું અને ફટકડી ઉમેરો. પગને 15 મિનિટ માટે આ પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ પ્યુમિસ સ્ટોન (Pumice Stone) અથવા સ્ક્રબર વડે એડીઓને હળવા હાથે ઘસો. આ ઉપરાંત, કોફી, મધ, ખાંડ અને નારિયેળ તેલ મિક્સ કરીને કુદરતી સ્ક્રબ પણ બનાવી શકાય છે. સ્ક્રબ કર્યા પછી તરત જ મોઇશ્ચરાઇઝર કે તેલ લગાવવું.
ગ્લિસરીન અને લીંબુનું મિશ્રણ: આ એક અજમાવેલો અને ખૂબ જ જૂનો ઉપાય છે. થોડું ગુલાબજળ, લીંબુનો રસ અને ગ્લિસરીન મિક્સ કરીને એક બોટલમાં ભરી લો. આ મિશ્રણને દરરોજ રાત્રે સૂતા પહેલા તમારી એડીઓ અને પગ પર લગાવો અને હળવા હાથે માલિશ કરો. આનાથી ત્વચા ભેજયુક્ત રહેશે અને એડીઓ નરમ બનશે.
મીણ, હળદર અને નાળિયેર તેલનો મલમ: જો તિરાડો ખૂબ જ ઊંડી હોય, તો આ મલમ રામબાણ ઇલાજ સાબિત થશે. થોડું મીણ ગરમ કરો, તેમાં ગ્લિસરીન, એક ચપટી હળદર પાવડર અને નાળિયેર અથવા એરંડાનું તેલ ઉમેરીને મિક્સ કરો. ઠંડુ થયા પછી આ મલમને એક કન્ટેનરમાં સ્ટોર કરો. સૂતા પહેલા આ મલમ લગાવીને મોજાં પહેરી લો. થોડા જ દિવસોમાં તિરાડો રૂઝાશે અને ત્વચા મુલાયમ બનશે.
મધ, કેળું અને કુંવારપાઠાનો પેક: એડી અને પગના અંગૂઠાની કઠણ ત્વચાને નરમ બનાવવા માટે આ પેક ઉત્તમ છે. એક પાકેલું કેળું, 1 ચમચી મધ અને થોડું એલોવેરા જેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને પગ પર 20 મિનિટ માટે લગાવી રાખો, પછી હળવા હાથે માલિશ કરીને ધોઈ લો. આ પ્રયોગ અઠવાડિયામાં 3 વખત કરવાથી મૃત ત્વચા દૂર થશે અને પગ ચમકદાર બનશે.
એરંડા તેલ/નારિયેળ તેલની માલિશ: તિરાડવાળી એડીઓ માટે નારિયેળ તેલ (Coconut Oil) કરતાં શ્રેષ્ઠ મોઇશ્ચરાઇઝર ભાગ્યે જ કોઈ હોઈ શકે. તે ત્વચાને ઊંડાણપૂર્વક ભેજ પૂરો પાડે છે. રાત્રે તમારા પગને હુંફાળા પાણીથી ધોઈને સૂકવી દો અને પછી નારિયેળ તેલ અથવા એરંડા તેલ વડે સારી રીતે માલિશ કરો. નિયમિત માલિશ કરવાથી થોડા જ દિવસોમાં ત્વચા નરમ અને સ્વસ્થ બનશે.
ફૂટવેરની પસંદગી અને સ્વચ્છતા: શિયાળામાં તમારા પગને હંમેશા સ્વચ્છ અને સૂકા રાખો. ખુલ્લા ચંપલને બદલે નરમ અને બંધ ફૂટવેર પહેરવાની આદત રાખો. આ પગને ગરમી આપશે, ભેજ જાળવી રાખશે અને એડીઓને તિરાડ પડતી અટકાવશે.

