ગાંધીધામ તાલુકાના અંતરજાળમાં રહેનાર પોલીસકર્મીએ ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવતાં અરેરાટી

Reena Brahmbhatt
1 Min Read

ગાંધીધામ, તા. 11 : તાલુકાના અંતરજાળમાં રહેનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રપાલસિંહ કનકસિંહ જાડેજા (ઉ.વ. 35)એ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લેતાં પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ફરજ બજાવતા ચંદ્રપાલસિંહ કનકસિંહ (સી.કે.)એ ગઈકાલે રાત્રે પોતાના ઘરે અંતિમ પગલું ભરી લીધું હતું.

મૂળ અબડાસાના સાંધાણના આ પોલીસ કર્મચારી અંતરજાળની જલારામ સોસાયટીમાં રહેતા હતા. પૂર્વ કચ્છ પોલીસવડાની કચેરીમાં એલ.આઈ.બી. શાખામાં ફરજ બજાવનાર આ હેડ કોન્સ્ટેબલે ગઈકાલે પોતાની ફરજ બજાવી સાંજે ઘરે ગયા હતા. એક દીકરા અને દીકરીના પિતા એવા આ પોલીસ જવાન સાંજે પોતાના ઘરે પહોંચ્યા બાદ તેમણે અંતિમ પગલું ભરી લીધું હતું. અગમ્ય કારણોસર આ યુવાને છતના પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. આ યુવાને કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તે અકળ છે જેની આગળની વધુ તપાસ આદિપુર પોલીસે હાથ ધરી છે. હેડ કોન્સ્ટેબલના આપઘાતના બનાવને પગલે પોલીસ બેડામાં ભારે ગમગીની પ્રસરી હતી.

- Advertisement -
Share This Article