Aadhaar Mobile Update: UIDAI આધાર સાથે જોડાયેલી એક પછી એક ખૂબ જ કામની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત કામ કરી રહ્યું છે. થોડા દિવસો પહેલાં નવી આધાર એપ લોન્ચ કર્યા પછી હવે UIDAI તે એપમાં જ આધાર સાથે લિંક મોબાઇલ નંબર બદલવાનું ફીચર ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યું છે. તેની જાહેરાત ખુદ UIDAI એ પોતાના X (પહેલાં ટ્વિટર) એકાઉન્ટ પર કરી છે.
UIDAI શું નવું ફીચર લાવશે?
UIDAI તરફથી ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે તે જલ્દી નવા આધાર એપમાં ફેસ ઓથેન્ટિકેશન (Face Authentication) દ્વારા મોબાઇલ નંબર અપડેટ કરવાની સુવિધા આપશે.
કહેવાનો અર્થ છે કે હવે આધાર સાથે લિંક ફોન નંબરને અપડેટ કરાવવા માટે તમારે આધાર સેન્ટર જવાની કે લાઇનોમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં.
ફીચર કેવી રીતે કામ કરશે?
નવા આધાર એપમાં UIDAI તરફથી ફેસ ઓથેન્ટિકેશનનું ફીચર ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ છે. એટલે કે, નવું આધાર એપ તમારા ચહેરાને સ્કેન કરવાના ફીચર સાથે આવે છે. આ એપ દ્વારા તમારા ચહેરાને સ્કેન કરીને આધાર સાથે લિંક ફોન નંબરને અપડેટ કરી શકાશે.
ફીચર ક્યારે આવશે?
આ ફીચર હાલમાં ટેસ્ટિંગમાં છે પરંતુ જલ્દી લોન્ચ થઈ શકે છે. UIDAI એ આ ફીચરના રિલીઝની ચોક્કસ તારીખ તો નથી જણાવી, પરંતુ X પર કરેલી પોસ્ટ જોઈને કહી શકાય કે આ ફીચર નવા આધાર એપ પર જલ્દી જ જોવા મળશે.
શું છે નવી આધાર એપ?
થોડા દિવસો પહેલાં UIDAI એ નવી આધાર એપ એન્ડ્રોઇડ અને આઇફોન બંને પ્રકારના યુઝર્સ માટે રજૂ કરી હતી. આ એપ દ્વારા આધારને ડિજિટલી શેર કરવું ઘણું સરળ થઈ જશે. UIDAI નો આ એપ લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આધારને ફોટોકૉપી અને ઑફલાઇન રીતે શેર કરવા પર રોક લગાવવાનો છે.
નવી આધાર એપ દ્વારા કોઈ પણ યુઝર પોતાના આધાર કાર્ડને QR કોડ ના રૂપમાં શેર કરી શકે છે.
UIDAI એક અલગ એપ પણ તૈયાર કરી રહ્યું છે, જેના દ્વારા કોઈ પણ વ્યક્તિના આધાર QR કોડને સ્કેન કરીને વેરિફિકેશન કરી શકાય છે. આ આવનારી એપનો ઉપયોગ હોટલ જેવી જગ્યાઓ પર થશે, જ્યાં લોકોના આધાર કાર્ડ વેરિફાઈ કરવાની જરૂર હોય છે.
નવા આધાર એપના ફાયદા શું છે?
નવું આધાર એપ તમારા માટે આધાર કાર્ડને ખિસ્સામાં રાખીને ફરવાની મજબૂરીને ખતમ કરી દે છે. આ સિવાય આ એપ દ્વારા તમે પસંદ કરી શકો છો કે સામેવાળી વ્યક્તિ સાથે આધારની કઈ વિગતો (Details) શેર કરવી કે નહીં. આ ઉપરાંત, નવું એપ એ પણ આખી હિસ્ટ્રી બતાવે છે કે તમારું આધાર કાર્ડ ક્યાં-ક્યાં ઉપયોગમાં લેવાયું છે.

