India-Russia Trade: ભારત અને રશિયાની દોસ્તી એક નવા લેવલ પર જઈ રહી છે. આ દોસ્તી હથિયારો અને તેલના પુરવઠાથી ઘણી આગળ વધશે. અમેરિકા દ્વારા રશિયા પાસેથી તેલની ખરીદી પર કડક ટેરિફ લાદવાની વચ્ચે ભારત અને રશિયા અલગ-અલગ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. રશિયાની ઘણી કંપનીઓએ ભારતની કંપનીઓ સાથે મળીને મોટા જહાજો બનાવવા, માહિતી ટેકનોલોજી, અક્ષય ઊર્જા, ઓઈલ રિફાઈનિંગ અને ધાતુ વિજ્ઞાનના ક્ષેત્રોમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ માટે પરસ્પર વાતચીત પણ ચાલી રહી છે. આ વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાએ રશિયન તેલ પર પ્રતિબંધ મૂક્યો છે અને ભારત પર કડક ટેરિફ લાદ્યા છે. ભારત-રશિયાના આ નવા ફોકસથી અમેરિકાનું ટેન્શન વધુ વધી શકે છે.
બિન-ઊર્જા ક્ષેત્રોમાં સ્થાનિક સ્તરે ઉત્પાદન
ખાસ વાત એ છે કે રશિયા જે તમામ બિન-ઊર્જા સંયુક્ત સાહસો માટે ભારત પર દાવ લગાવી રહ્યું છે, તેમનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે. એટલે કે પ્રોડક્શન લોકલ લેવલ પર કરવામાં આવશે. ગત ડિસેમ્બરમાં રશિયા-ભારત વચ્ચેની વાર્ષિક શિખર સંમેલનમાં આ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ભારત માટે રશિયા કેટલું જરૂરી છે?
ભારતના ડિફેન્સ ઈમ્પોર્ટમાં અત્યારે પણ રશિયાનો હિસ્સો લગભગ ૪૫% છે. ડિસેમ્બરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત મહત્વની હતી કારણ કે ડિફેન્સ પોલિસીમાં માત્ર ખરીદી કરવાને બદલે ભારતમાં મળીને ઉત્પાદન કરવા તરફ ફેરફાર આવ્યો છે. પુતિનની મુલાકાતથી તેલ, ફર્ટિલાઇઝર, જરૂરી મિનરલ્સ, ન્યુક્લિયર રિએક્ટર અને આર્કટિક સુધી પહોંચવા માટે ભારતના લોંગ-ટર્મ સપ્લાયર તરીકે રશિયાની ભૂમિકા વધુ મજબૂત થઈ છે. ટ્રમ્પના વિરોધ છતાં, રશિયાએ ભારતને તેલ અને ઈંધણના “વિના અવરોધ” પુરવઠાની ગેરંટી આપી છે. ફર્ટિલાઇઝર અને એનર્જી સૌથી જરૂરી મુદ્દા છે; જેના વિના ભારતીય ખેડૂતો અને ઉદ્યોગોને નુકસાન થશે. તેથી, દિલ્હી મોસ્કોનો સાથ નહીં છોડે.
૨૦૩૦ સુધીમાં ૧૦૦ બિલિયન ડોલરનો લક્ષ્યાંક
ભારત-રશિયા આર્થિક સહયોગ કાર્યક્રમનો લક્ષ્યાંક ૨૦૩૦ સુધીમાં વાર્ષિક વેપાર મૂલ્ય ૧૦૦ બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો છે. બંને દેશો યુરેશિયન ઈકોનોમિક યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર પણ આગળ વધી રહ્યા છે. તેઓ પશ્ચિમી દેશોના અંકુશ બહાર વેપારને સરળ બનાવવા માટે રૂપિયા અને રુબલનો ઉપયોગ કરીને વૈકલ્પિક કરન્સી ચેનલ પણ બનાવી રહ્યા છે. બંને દેશો વચ્ચેના વેપારમાં રહેલી અસંતુલનને દૂર કરવા માટે ભારતને રશિયામાં પોતાની નિકાસ વધારવી પડશે.
રશિયાના વેપાર પ્રતિનિધિએ કહી મોટી વાત
રશિયાના વેપાર પ્રતિનિધિ આન્દ્રેઈ સોબોલેવે જણાવ્યું હતું કે મોસ્કોના વિદેશી આર્થિક એજન્ડામાં ભારત સૌથી ઉપર છે. રશિયન કંપનીઓ ભારતને પ્રોડક્શન લોકલાઈઝ કરવા માટે એક સારું સ્થળ માને છે, જે સ્થાનિક બજારને ટાર્ગેટ કરવાની સાથે દક્ષિણ એશિયાઈ દેશોમાં પણ વિસ્તાર કરવા માંગે છે. તેમજ ભારતીય કંપનીઓ પણ રશિયન બજારમાં વધુ તકો શોધી રહી છે.
બંને દેશો જહાજ નિર્માણ પ્રોજેક્ટ્સ પર કરી રહ્યા છે ફોકસ
સોબોલેવે કહ્યું કે ‘નોર્ધન સી રૂટ’ રશિયન-ભારતીય સહયોગ માટે એક આશાસ્પદ ક્ષેત્ર છે. બંને સરકારો સંયુક્ત લોજિસ્ટિક્સ અને જહાજ નિર્માણ પ્રોજેક્ટ્સની શક્યતાઓ શોધી રહી છે.
શું છે નોર્ધન સી-રૂટ? નોર્ધન સી રૂટ આર્કટિક મહાસાગરના રશિયન સેક્ટરમાં મુખ્ય દરિયાઈ રસ્તો છે. આ રૂટની લંબાઈ ૫,૬૦૦ કિમી છે. તે રશિયાના યુરોપિયન બંદરો અને સાઇબિરીયાની નદીઓને એક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં જોડે છે.
FIEO ના ડીજીએ પણ રશિયન વેપારીઓને આપ્યો ટેકો
FIEO ના ડાયરેક્ટર જનરલ અને CEO અજય સહાયે જણાવ્યું હતું કે ભારત રશિયામાં માલ અને સેવાઓની નિકાસ ૫ બિલિયન ડોલરથી વધારીને ૧૦ બિલિયન ડોલર સુધી પહોંચાડવાની યોજના બનાવી રહ્યું છે. ૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરના વેપાર ટર્નઓવરના લક્ષ્યમાં ભારતની નિકાસ વધારવી જરૂરી છે.
ભારત પાસે આ ક્ષેત્રોમાં છે અસીમ સંભાવનાઓ: મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને ફાર્માસ્યુટિકલ્સ સારા ક્ષેત્રો છે. આ ઉપરાંત ટૂરિઝમ, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ, ડિજિટલ પેમેન્ટ, ફિનટેક, રિન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જી અને શિપ રિપેરિંગમાં ભારત પાસે મોટી ક્ષમતા છે.

