Supreme Court Abortion Verdict: સગીરાને માતા બનવા મજબૂર ન કરી શકાય: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો; સ્ત્રીની પ્રજનન સ્વાયત્તતા પર મૂક્યો ભાર!

Arati Parmar
5 Min Read

Supreme Court Abortion Verdict: ‘કોઈપણ અદાલત કોઈ મહિલા ખાસ કરીને સગીરાને તેની મરજી વગર માતા બનવા માટે મજબૂર કરી શકે નહીં.’ શુક્રવારે આ ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે ૩૦ અઠવાડિયાની ગર્ભવતી સગીર છોકરીને ગર્ભપાતની પરવાનગી આપી દીધી. જસ્ટિસ બીવી નાગરત્નાની આગેવાની હેઠળની બેન્ચે આ વાત પર ભાર મૂક્યો કે ગર્ભવતી છોકરીની પ્રજનન સ્વાયત્તતા (રિપ્રોડક્ટિવ ઓટોનોમી) ને મહત્વ આપવું જોઈએ, ખાસ કરીને એવા સંજોગોમાં જ્યારે તેણે સ્પષ્ટપણે ગર્ભાવસ્થા ચાલુ ન રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હોય.

પોતાના આદેશમાં કોર્ટે કહ્યું કે સગીર બાળકીને ગર્ભાવસ્થા ચાલુ રાખવાનો અધિકાર છે. પરંતુ આ પાસા પર ધ્યાન આપવાની જરૂર છે કે આ સ્થિતિમાં ગર્ભાવસ્થા પ્રથમ દૃષ્ટિએ ગેરકાયદે (ઇલિજિટિમેટ) છે. કારણ કે તે સગીર છે અને એક સંબંધથી ઉદ્ભવેલી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિને કારણે ગર્ભાવસ્થાનો સામનો કરી રહી છે.

- Advertisement -

બેન્ચે સ્પષ્ટ કર્યું કે મુદ્દો એ નથી કે તે સંબંધ સહમતિથી હતો કે જાતીય સતામણીનું પરિણામ છે. અંતિમ તથ્ય એ છે કે ગર્ભાવસ્થા ગેરકાયદે છે, કારણ કે છોકરી સગીર છે. આ રીતે જન્મ લેનાર બાળક કાયદેસર ગણાશે નહીં. બીજું એ કે થનારી માતા તે બાળકને જન્મ આપવા માંગતી નથી. અરજી સ્વીકારતા બેન્ચે મુંબઈની જે.જે. હોસ્પિટલને નિર્દેશ આપ્યો કે મેડિકલ સાવચેતીનું પાલન કરતા સગીરાની ગર્ભાવસ્થાનું મેડિકલ ટર્મિનેશન કરે.

શું છે વર્તમાન કાયદો, SC ના પહેલાના ચુકાદા?

કેન્દ્ર સરકારે ઓક્ટોબર ૨૦૨૧ માં પ્રેગ્નેન્સી ખતમ કરવા માટે કાયદામાં ફેરફાર કરતા કેટલીક શરતો સાથે મુદત ૨૦ થી વધારીને ૨૪ અઠવાડિયા કરી દીધી હતી. આ માટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી (સુધારા) રૂલ્સ ૨૦૨૧ નું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ અંતર્ગત વિશેષ કેટેગરીની મહિલાઓ માટે પ્રેગ્નેન્સી ટર્મિનેશનની મુદત ૨૪ અઠવાડિયા કરી દેવામાં આવી હતી. આમાં રેપ વિક્ટિમ (બળાત્કાર પીડિતા) થી લઈને લગ્નનું સ્ટેટસ બદલાઈ જવાની સ્થિતિમાં પ્રેગ્નેન્સી ખતમ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

- Advertisement -

શું છે ૨૦ અને ૨૪ અઠવાડિયાનો તફાવત?

એક્ટની કલમ-૩ (૨) (એ) કહે છે કે જો ૨૦ અઠવાડિયા સુધીની પ્રેગ્નેન્સી છે તો ખતમ કરી શકાય છે. કલમ ૩ (૨) (બી) કહે છે કે જો પ્રેગ્નેન્સી ૨૦ અઠવાડિયાથી વધુ અને ૨૪ અઠવાડિયા સુધીની હોય તો પણ મહિલાના જીવનને જોખમ હોવા કે ગંભીર ઈજા (માનસિક કે શારીરિક) ના આધારે પ્રેગ્નેન્સી ખતમ કરી શકાય છે. બાળકમાં વિકૃતિ કે જોખમ, રેપની શિકાર અને સગીરાની પ્રેગ્નેન્સી ખતમ કરી શકાય છે.

પરિણીત-અપરિણીત વિશે શું કહ્યું હતું?

સુપ્રીમ કોર્ટના તત્કાલીન જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે અપરિણીત મહિલાને MTP એક્ટ અને નિયમોના દાયરાની બહાર રાખવી ગેરબંધારણીય છે. એવી અપરિણીત મહિલા, જે સહમતિથી ગર્ભવતી થઈ છે, તેને ગર્ભપાતના અધિકારથી વંચિત કરવી ગેરબંધારણીય છે. MTP એક્ટ ક્યાંય પણ પરિણીત-અપરિણીત મહિલાઓમાં ભેદભાવ કરતો નથી.

- Advertisement -

જસ્ટિસ બીવી નાગરત્નાનો ચુકાદો

“આ અમારા માટે પણ કઠિન છે, પરંતુ શું કરવામાં આવે. શું આપણે તેને બાળકને જન્મ આપવા માટે મજબૂર કરવી જોઈએ? કારણ કે જે બાળક પેદા થશે, તે પણ અંતે એક જીવન હશે. ફરી એક બીજો પ્રશ્ન ઊભો થાય છે કે જો તે ૨૪ અઠવાડિયા સુધીમાં ગર્ભપાત કરાવી શકે છે, તો ૩૦ અઠવાડિયામાં કેમ નહીં? આખરે તે ગર્ભાવસ્થા ચાલુ રાખવા માંગતી નથી.” – ચુકાદો સંભળાવતી વખતે જસ્ટિસ બીવી નાગરત્ના.

MTP એક્ટની વ્યાખ્યા કરી શું આપ્યો હતો ચુકાદો?

સુપ્રીમ કોર્ટે ૨૦૨૨ માં પોતાના ઐતિહાસિક ચુકાદામાં કહ્યું હતું કે પ્રજનન મહિલાનો અધિકાર છે. પોતાના શરીર પર તેની સ્વાયત્તતા છે. તમામ મહિલાઓ ૨૪ અઠવાડિયાવાળા નિયમ હેઠળ સેફ પ્રેગ્નેન્સી ખતમ કરવાને પાત્ર છે. અપરિણીત મહિલાને આનાથી વંચિત રાખવી બંધારણીય રીતે ટકી શકે તેમ નથી. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી (MTP) એક્ટ હેઠળ રેપના દાયરામાં મેરિટલ રેપ પણ આવશે. તમામ મહિલાઓ કાયદેસર રીતે ૨૪ અઠવાડિયા સુધીની પ્રેગ્નેન્સી ખતમ કરાવી શકે છે.

કેવી રીતે વધતો ગયો દાયરો?

કેન્દ્ર સરકારના કાયદાએ પહેલા ૨૦ અઠવાડિયા સુધી પ્રેગ્નેન્સી ખતમ કરવાની પરવાનગી આપી હતી. બાદમાં ૨૪ અઠવાડિયા સુધી કેટલીક વિશેષ પરિસ્થિતિમાં પરવાનગી આપવામાં આવી. પછી સુપ્રીમ કોર્ટે ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ અપરિણીતને પણ આ વ્યાખ્યામાં સામેલ કરી અને મેરિટલ રેપને પણ આ દાયરામાં લાવવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દરેક મહિલા પ્રજનનનો અધિકાર ધરાવે છે. હવે સુપ્રીમ કોર્ટે તાજા ચુકાદામાં આનાથી આગળ ૩૦ અઠવાડિયાના ગર્ભને ખતમ કરવાની પરવાનગી આપતા કહ્યું કે સગીરાની અનિચ્છા બાદ તેને માતા બનવા માટે મજબૂર કરી શકાય નહીં. આને અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

Share This Article