Delhi HC: દિલ્હી હાઈકોર્ટે એક 81 વર્ષીય મહિલાની અરજી ફગાવી દીધી છે, જેમાં તેઓ પોતાના જૂના વૈવાહિક ઘરમાં ફરીથી રહેવાની પરવાનગી ઈચ્છતા હતા. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઘરેલું હિંસા કાયદો (DV Act) કોઈ પણ મહિલાને એવો અધિકાર નથી આપતો કે તેઓ દરેક સંજોગોમાં જૂના ઘરમાં પાછા રહેવાની માંગ કરે- ખાસ કરીને જ્યારે તેમની પાસે રહેવાની સારી વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ હોય.
કોર્ટે શું કહ્યું?
મહિલા પહેલા પોતાની મરજીથી જ પતિની બીજી પ્રોપર્ટીમાં રહેવા ગયા હતા. તેઓ ‘છતવિહોણા’ નથી, એટલે કે તેમની પાસે રહેવાની જગ્યા ઉપલબ્ધ છે. તેમનું ઘર છોડવું કોઈ હિંસા કે મજબૂરીના કારણે હોવાનું સાબિત થયું નથી. તેથી જૂના ઘરમાં પરાણે ફરીથી પ્રવેશ અપાવવો યોગ્ય ગણાશે નહીં.
શું હતો સમગ્ર મામલો?
ખરેખર તો 81 વર્ષીય મહિલાએ દાવો કર્યો હતો કે તેઓ લગભગ 60 વર્ષથી ગ્રીન પાર્ક સ્થિત પોતાના ઘરમાં રહેતા હતા. સ્વાસ્થ્યના કારણોસર એપ્રિલ 2023માં તેઓ પોતાના બીજા ઘરે (જ્યાં તેમની દીકરી રહેતી હતી) શિફ્ટ થઈ ગયા હતા. જુલાઈ 2023માં જ્યારે તેઓ પાછા ફરવા માંગતા હતા, ત્યારે કથિત રીતે તેમને અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. મહિલાએ DV Act ની કલમ 19 અને 23 હેઠળ ‘Residence Order’ (રહેઠાણના આદેશ) ની માંગ કરી હતી.
કોર્ટ કેમ સહમત ન થઈ?
કોર્ટે અવલોકન કર્યું કે મહિલાએ તેમના પતિ દ્વારા પૂરા પાડવામાં આવેલા બીજા ઘરમાં સ્વેચ્છાએ શિફ્ટ થવાનું પસંદ કર્યું હતું. તેમની પાસે તે જ સ્તરનું વૈકલ્પિક રહેઠાણ મોજૂદ છે, તેથી તેઓ ‘છતવિહોણા’ (Roofless) નથી. તેમણે પોતે જ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ સારવાર માટે ઘરની બહાર ગયા હતા. એટલે કે અહીં કોઈ જબરદસ્તી કે હિંસા સિદ્ધ થતી નથી.
જસ્ટિસ દુડેજાએ જણાવ્યું હતું કે, ‘કલમ 19 હેઠળ રાહત વિવેકાધીન (Discretionary) અને સમાનુપાત (Equitable) છે. આ અધિકાર બીજા નિવાસીઓના અધિકારો સાથે સંતુલન જાળવીને આપવામાં આવે છે.’ કોર્ટે માન્યું કે અરજીમાં કોઈ કાયદાકીય આધાર નથી અને મહિલાનો ફરીથી પ્રવેશનો દાવો DV Act ના હેતુઓને અનુરૂપ નથી, તેથી અરજી ફગાવી દેવામાં આવી હતી.

