Kejriwal Kohali Remark: વિરાટ કોહલીની જ્ઞાતિને લઈને કેજરીવાલનું છબરડું, ભાવનગરમાં આપ્યું એવું નિવેદન કે વિધાનસભામાં હર્ષ સંઘવીએ ચૈતર વસાવાને ઘેર્યા

Arati Parmar
2 Min Read

Kejriwal Kohali Remark: ગુજરાતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના એક નિવેદન પર રાજનીતિ ગરમાતી જોવા મળી રહી છે. અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ગુજરાતના ‘આપ’ના મોટા નેતા રાજુ સોલંકી દ્વારા ભાવનગરમાં આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે ભગવંત માન અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલે લોકોને સંબોધિત કર્યા હતા. કેજરીવાલે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર વિરાટ કોહલીને લઈને કહ્યું હતું કે તેઓ કોળી સમાજના છે. સોમવારે કેજરીવાલના આ નિવેદનની ગૂંજ ગુજરાત વિધાનસભામાં જોવા મળી હતી.

હર્ષ સંઘવીએ ચૈતર વસાવાને ઘેર્યા

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાને આ મુદ્દે અસહજ કર્યા હતા. સંઘવીએ ચૈતર વસાવાને કહ્યું કે તમે તમારા નેતાને સમજાવો, તેઓ વિરાટ કોહલીને કોળી સમાજના ગણાવી રહ્યા છે. હકીકતમાં ભાવનગરમાં રાજુ સોલંકીની વીર માંધાતા કોળી સમાજ, ગુજરાત તરફથી સમૂહ લગ્ન સમારોહ રાખવામાં આવ્યો હતો. કેજરીવાલે આમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કેજરીવાલ પહેલા પંજાબના સીએમ ભગવંત માન બોલ્યા હતા. તેમણે પોતાને ખેલ પ્રેમી ગણાવતા કહ્યું હતું કે પહેલા મને એટલી ખબર હતી કે ઈંગ્લેન્ડ તરફથી રમનાર વિક્રમ સોલંકી ગુજરાતના છે, પરંતુ બાદમાં ખબર પડી કે તેઓ કોળી સમાજના છે. કેજરીવાલ જ્યારે પોતાના સંબોધનમાં બોલ્યા તો તેમણે વિરાટ કોહલીને કોહલી (કોળી) સમાજના ગણાવી દીધા.

- Advertisement -

કયા સમુદાયના છે વિરાટ કોહલી?

વિરાટ કોહલી આધુનિક યુગના સૌથી મહાન ક્રિકેટરોમાંના એક છે. તેમણે વનડે, ટેસ્ટ અને ટી-૨૦ મળીને ૮૫ સદી ફટકારી છે. ૩૭ વર્ષના કોહલી દિલ્હીમાં ઉછર્યા છે. તેઓ કોળી સમુદાયના નથી પરંતુ પંજાબી ખત્રી છે. ‘કોહલી’ અને ‘કોળી’ નામ સાંભળવામાં એક સરખા લાગી શકે છે, પરંતુ બંને સંપૂર્ણપણે અલગ છે. કોહલી એક ખત્રી અટક છે જે ઉત્તર-પશ્ચિમ ભારત (પંજાબ) માંથી ઉદ્ભવી છે, જ્યારે કોળી ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય વિસ્તારોનો એક અલગ સમુદાય છે. ભગવંત માન વિક્રમ સોલંકીની ચર્ચા કરી રહ્યા હતા. તેમણે તેમને કોળી સમાજના ગણાવ્યા. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ વિગતો અનુસાર વિક્રમ સોલંકી મૂળ ભારતના રહેવાસી છે. તેમનો જન્મ ૧ એપ્રિલ, ૧૯૭૬ના રોજ ઉદયપુરમાં થયો હતો. તેઓ ઈંગ્લેન્ડના ક્રિકેટર બન્યા બાદ અત્યારે ગુજરાત ટાઇટન્સના ડાયરેક્ટર છે.

- Advertisement -
Share This Article