Credit Card Rules: ક્રેડિટ કાર્ડનું બિલ ન ભર્યું તો શું ધરપકડ થઈ શકે? જાણી લો શું કહે છે કાયદો

Arati Parmar
3 Min Read

Credit Card Rules: એક સમય હતો જ્યારે માત્ર અમુક પસંદગીના લોકો પાસે જ ક્રેડિટ કાર્ડ હતું, પરંતુ હવે લગભગ દરેક વ્યક્તિ પાસે ક્રેડિટ કાર્ડ હોય છે. ઓનલાઈન શોપિંગ, ફ્લાઈટ ટિકિટ, હોટેલ બુકિંગ કે અન્ય જરૂરિયાતો માટે કાર્ડથી પેમેન્ટ કરવું સરળ લાગે છે. પરંતુ જ્યારે બિલ જનરેટ થાય અને તે સમયે એકાઉન્ટમાં બેલેન્સ ન હોય, ત્યારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે શું બિલ ન ભરવા બદલ પોલીસ કાર્યવાહી કે જેલ થઈ શકે? આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી, જાણી લો કાયદો શું કહે છે.

શું લેટ પેમેન્ટ પર જેલ થઈ શકે?

જો મોડા પેમેન્ટ (Late Payment) ની વાત કરીએ, તો માત્ર ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ન ભરવું એ ક્રિમિનલ ઓફેન્સ (ગુનાહિત કૃત્ય) નથી.

- Advertisement -
  • આ પૈસાની લેવડ-દેવડ સાથે જોડાયેલો સિવિલ એટલે કે દીવાની મામલો છે.

  • સામાન્ય રીતે બેંક કે કાર્ડ કંપની પહેલા રિમાઇન્ડર મોકલે છે, પછી કોલ કે ઈમેલ કરે છે.

  • જો લાંબા સમય સુધી બાકી રકમ ચૂકવવામાં ન આવે, તો મામલો સિવિલ કોર્ટમાં જઈ શકે છે અને કોર્ટ રિકવરીનો આદેશ આપી શકે છે. પરંતુ માત્ર પેમેન્ટ ન કરવા બદલ ધરપકડ થતી નથી.

ક્યારે થઈ શકે ધરપકડ?

ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ન કરવા પર સીધી ધરપકડ થઈ શકતી નથી, પરંતુ છેતરપિંડી (Fraud) ના પુરાવા મળે ત્યારે સ્થિતિ બદલાઈ શકે છે:

  • જો કાર્ડ કઢાવતી વખતે ખોટા દસ્તાવેજો આપ્યા હોય.

  • આવકની ખોટી જાણકારી આપી હોય અથવા શરૂઆતથી જ પેમેન્ટ ન કરવાનો ઈરાદો (Intention) હોય.

  • આવા કિસ્સાઓમાં બેંક ગુનાહિત ફરિયાદ નોંધાવી શકે છે. જો તપાસમાં સાબિત થાય કે ઈરાદો છેતરપિંડીનો જ હતો, તો મામલો ક્રિમિનલ ઓફેન્સ બની શકે છે અને તેમાં પોલીસ કાર્યવાહી કે ધરપકડ થઈ શકે છે.

બિલ ન ચૂકવવાથી શું અસર પડે છે?

ભલે દરેક કેસમાં જેલનું જોખમ ન હોય, પરંતુ નુકસાન ચોક્કસ થાય છે:

- Advertisement -
  1. ક્રેડિટ સ્કોર પર અસર: સૌથી પહેલા તમારો ક્રેડિટ સ્કોર (CIBIL) ઘટે છે. એક-બે મહિનાનો વિલંબ પણ સ્કોર બગાડી શકે છે, જેની અસર ભવિષ્યમાં હોમ લોન કે કાર લોન લેતી વખતે પડે છે.

  2. ભારે વ્યાજ અને પેનલ્ટી: લેટ ફી અને ઊંચા વ્યાજ દરને કારણે બાકી રકમ ખૂબ જ ઝડપથી વધી શકે છે.

  3. રિકવરી એજન્ટ: ઘણા મહિનાઓ સુધી પેમેન્ટ ન કરવા પર રિકવરી એજન્ટો સંપર્ક કરી શકે છે. જોકે તેઓ કાયદાકીય મર્યાદામાં રહીને જ વાત કરી શકે છે, પરંતુ વારંવાર આવતા કોલ માનસિક દબાણ વધારી શકે છે.

Share This Article