Home Remedies For Gas and Acidity: જમ્યા પછી ઉબકા-ઓડકાર અને અફારો થવો એ સામાન્ય નથી, કઈ 7 આયુર્વેદિક વસ્તુઓ આપશે આરામ?

Arati Parmar
3 Min Read

Home Remedies For Gas and Acidity: ઘણીવાર ભારે ખોરાક, અનિયમિત સમયે જમવું, તણાવ અથવા ડાયટમાં ફેરફારને કારણે અપચો થઈ શકે છે. જેના કારણે ઓડકાર, ઉબકા, પેટમાં દુખાવો અને ગેસ જેવા લક્ષણો દેખાય છે. પરંતુ ધ્યાન રાખો કે જમ્યા પછી હંમેશા આવી તકલીફો થવી યોગ્ય નથી. આયુર્વેદમાં આ સમસ્યાઓ માટે અજમો, હિંગ, ત્રિફળા ચૂર્ણ અને વરિયાળી જેવા 7 દેશી ઉપાયો ખૂબ જ ફાયદાકારક બતાવવામાં આવ્યા છે.

આયુર્વેદમાં અપચો શું છે?

આયુર્વેદમાં અપચાને ‘અજીર્ણ’ કહેવામાં આવે છે, જે ‘અગ્નિ’ (પાચન શક્તિ) માં ગરબડ થવાને કારણે થાય છે. જ્યારે આ અગ્નિ નબળી પડે છે, ત્યારે શરીરમાં ‘આમ’ (ઝેરી તત્વો) બને છે, જે પાચનતંત્રમાં અવરોધ ઊભો કરે છે.

- Advertisement -

દોષ મુજબ અપચાના લક્ષણો:

  • વાત પ્રધાન: પેટમાં દુખાવો, ગેસ અને થાક અનુભવો.

  • પિત્ત પ્રધાન: છાતીમાં બળતરા, એસિડિટી, તરસ લાગવી અને ચક્કર આવવા.

  • કફ પ્રધાન: ઉબકા આવવા, મોઢામાં વધુ લાળ બનવી અને શરીરમાં ભારેપણું લાગવું.

અપચાથી છુટકારો અપાવતા 7 આયુર્વેદિક ઉપાયો

1. આદુ (અથવા સુંઠ)

- Advertisement -

આદુ પાચન ઉત્સેચકો (Enzymes) નું ઉત્પાદન વધારે છે. તે ગેસ અને ભારેપણું ઘટાડે છે.

  • કેવી રીતે લેવું: જમ્યા પછી આદુનો ઉકાળો પીવો અથવા જમતા પહેલા મીઠા સાથે આદુનો નાનો ટુકડો ચાવવો.

2. અજમો

- Advertisement -

પેટમાં ગેસ ઘટાડવા માટે અજમો રામબાણ ઈલાજ છે. તે પાચન માર્ગની ગતિશીલતા વધારે છે.

  • કેવી રીતે લેવું: થોડો અજમો ચાવવો અથવા તેને હૂંફાળા પાણી સાથે લેવાથી તાત્કાલિક રાહત મળે છે.

3. હિંગ

હિંગ વાયુ (વાત) ને સંતુલિત કરે છે અને પેટનો દુખાવો ઓછો કરે છે.

  • કેવી રીતે લેવું: હૂંફાળા પાણીમાં ચપટી હિંગ નાખીને પીવો અથવા નાભિની આસપાસ હિંગની પેસ્ટ લગાવવાથી પણ ફાયદો થાય છે.

4. ત્રિફળા ચૂર્ણ

આમળા, હરડે અને બહેડાનું મિશ્રણ એટલે ત્રિફળા. તે પેટની સફાઈ કરવામાં અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે.

  • કેવી રીતે લેવું: રાત્રે સૂતી વખતે હૂંફાળા પાણી સાથે થોડું ત્રિફળા ચૂર્ણ લેવાથી પાચનતંત્ર મજબૂત બને છે.

5. વરિયાળી

જમ્યા પછી વરિયાળી ખાવાથી પાચન સ્નાયુઓ રિલેક્સ થાય છે અને બળતરામાં રાહત મળે છે.

  • કેવી રીતે લેવું: જમ્યા પછી વરિયાળી ચાવવી અથવા વરિયાળીની ચા બનાવીને પીવી. એસિડિટીમાં આખી રાત પલાળેલી વરિયાળી સવારે ખાવાથી ફાયદો થાય છે.

6. જીરું

જીરું પાચક અગ્નિને તેજ કરે છે અને ખોરાકનું પાચન ઝડપી બનાવે છે.

  • કેવી રીતે લેવું: જીરાને પાણીમાં ઉકાળીને તે પાણી હૂંફાળું હોય ત્યારે પીવાથી પેટનું ભારેપણું ઓછું થાય છે.

7. આમળા

આમળા ઠંડક આપે છે અને પિત્તને સંતુલિત કરે છે. તે એસિડિટી ઘટાડવામાં મદદરૂપ છે.

  • કેવી રીતે લેવું: આમળાનું નિયમિત સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત થાય છે અને ગેસની સમસ્યા દૂર થાય છે.

Share This Article