કેજરીવાલે જણાવ્યું કે, `આપ’ને ખતમ કરવા `ઓપરેશન ઝાડુ’
નવી દિલ્હી, તા. 19 : રવિવારે ભાજપ મુખ્ય મથકે કૂચનું એલાન કરનાર દિલ્હીના મુખ્યમંત્રી-આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, આમ આદમી પાર્ટીને ખતમ કરવા વડાપ્રધાન મોદીએ `ઓપરેશન ઝાડુ’ ઘડયું છે. જેમાં આપ નેતાઓની ધરપકડ, પાર્ટીનાં બેન્ક ખાતાઓ સીઝ કરવામાં આવશે ત્યાર બાદ પાર્ટીનું કાર્યાલય ખાલી કરાવવામાં આવશે. મુખ્ય મથકે કૂચ કરનારા આપ નેતાઓને પોલીસે અટકાવ્યા હતા અને 144મી કલમ લાગુ કરી હતી. પ્રદર્શન પૂર્ણ કરી કેજરીવાલ તેમજ સમર્થકો પરત ફર્યા હતા. ભાજપ હેડક્વાર્ટર કૂચ પહેલાં કાર્યકરોને સંબોધનમાં તેમણે વડાપ્રધાન મોદી, ભાજપા પર નિશાનો સાધ્યો અને કહ્યંy કે, વડાપ્રધાન મોદી આપ ને ખતમ કરવા ઈચ્છે છે.

ઓપરેશન ઝાડૂ હેઠળ પાર્ટીના નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે. અમોને રસ્તા ઉપર લાવવા ભાજપ દ્વારા 3 યોજના ઘડવામાં આવી છે છતાં તેઓ આપ ને ખતમ નહીં કરી શકે. આપની વિચારધારા દેશમાં ઝડપથી ફેલાઈ રહી છે. કેજરીવાલે એલાન કર્યું કે, અમે ભાજપ હેડક્વાર્ટર કૂચ કરીશું અને અમોને જ્યાં રોકવામાં આવશે ત્યાં બેસી જઈશું, ધરપકડ કરે તો ઠીક નહીં તો તેમની હાર થશે. આ પહેલાં દિલ્હી પોલીસે આપ ના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે કહ્યંy કે, આપ એ પ્રદર્શન માટે મંજૂરી લીધી નથી એટલે કૂચની મંજૂરી આપવામાં નહીં આવે. પોલીસે ભાજપ હેડક્વાર્ટર બહાર સુરક્ષા વધારી કલમ 144 લાગુ કરી હતી. ડીડીયુ રોડ પર ટ્રાફિક બંધ કરાયો હતો. મુખ્યમંત્રી કેજરીવાલ, પાર્ટીના સાંસદ, ધારાસભ્યો અને કાર્યકરોને ભાજપ મુખ્ય મથકથી 800 મીટર દૂર જ અટકાવી દેવાયા હતા. દરમિયાન સૂત્રોચ્ચાર થયો હતો. બાદમાં કેજરીવાલ સમર્થકો સાથે પ્રદર્શન પૂર્ણ કરી ઘરે પરત ફર્યા હતા.

