Lily Flower Farming: આજના સમયમાં ખેડૂતો ઓછા ખર્ચે વધુ નફો મળે તેવી ખેતી કરવા માંગે છે. પરંપરાગત પાકની સરખામણીએ વિદેશી ફૂલોની ખેતી ખેડૂતોને ઓછા સમયે વધુ લાભ આપે છે. તમે આવા જ એક લીલીના ફૂલની ડિસેમ્બર મહિનામાં ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. ઓછો સમય, ઓછી મહેનત અને માર્કેટમાં વધુ ડિમાન્ડ આ ત્રણ કારણોથી ભારતમાં લીલીની ડિમાન્ડ વધુ છે.
લીલીની ખેતી કેમ કરવી? :- લીલી એક વિદેશી ફૂલ છે, જેની ડિમાન્ડ લગ્ન-પાર્ટી, હોટેલ, ડેકોરેશન અને બુકે ઇન્ડસ્ટ્રીઝમાં રહે છે. ખાસ કરીને ડિસેમ્બરથી માર્ચ મહિના દરમિયાન લીલીની માંગ અનેક ગણી વધી જાય છે. જેની શેલ્ફ લાઇફ સારી હોય છે અને તે લાંબા સમય સુધી ફ્રેશ રહે છે. જેના કારણે વેપારીઓ અને ગ્રાહકો તેને પસંદ કરે છે.
ડિસેમ્બરમાં કેમ ફાયદાકારક છે ખેતી? :- ડિસેમ્બર મહિનો લીલીની ખેતી માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. આ સમયે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી 20 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે છે. જે અંકુરણ અને ફૂલ આવવા માટે બેસ્ટ છે. ઠંડા વાતાવરણમાં છોડ સ્વસ્થ રહે છે અને ફૂલોનો આકાર મોટો રહે છે. જાન્યુઆરીના અંત કે ફેબ્રુઆરીમાં ફૂલો તૈયાર થઈ જાય છે અને તે દરમિયાન માર્કેટમાં ફૂલોની ડિમાન્ડ વધુ હોય છે.
આ રીતે કરો લીલીની ખેતી :- સામાન્ય રેતાળ અને લોમ માટીમાં લીલીનું ઉત્પાદન સારું થાય છે. ખેતરમાં પાણીનો નિકાલ હોવો જરૂરી છે, જેથી પાણી ભરાઈ ન રહે. લીલીની ખેતી બલ્બોથી થાય છે. એક વીઘા જમીનમાં લગભગ 35-40 હજાર બલ્બ લગાવવા પડે છે. બલ્બોને 10-20 સેમી ઊંડે અને 15-20 સેમીના અંતરે લગાવવામાં આવે છે. રોપણી બાદ હળવી સિંચાઈ કરવી.
ખાતર અને સિંચાઈ :- લીલીના છોડને જૈવિક ખાતર અને સંતુલિત રાસાયણિક ખાતરની જરૂરિયાત રહે છે. શરૂઆતના સમયગાળામાં DAP અને બાદમાં પોટાશનું પ્રમાણ વધારવામાં આવે છે. જેનાથી ફૂલની ક્વોલિટી સારી રહે છે. ઠંડી દરમિયાન સિંચાઈ ઓછી કરવાની રહે છે. માટીને હળવી ભેજવાળી રાખો, તેમાં પાણી ન ભરાય તેનું ધ્યાન રાખો.
ખર્ચ અને નફો :- ડિસેમ્બરમાં લીલી રોપ્યા બાદ, 22થી 60 દિવસમાં લીલીના ફૂલ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે. કટિંગ માટે ભીમકાય, ચમકદાર અને સુગંધિત ફૂલ મળે છે, જેને સરળતાથી માર્કેટમાં વેચી શકાય છે. લીલીની ખેતી એક વીઘામાં કરવાથી 1.2થી 1.5 લાખ રૂપિયાની કમાણી કરી શકાય છે. જેમાં 35થી 40 હજાર ફૂલ સરળતાથી મળી રહે છે.
લીલીનું એક ફૂલ હોલસેલમાં 20 રૂપિયામાં અને કોઈ ફૂલોની દુકાન પર 100 રૂપિયા સુધીમાં મળે છે. સીઝન અનુસાર તેનો ભાવ વધે છે. આ ફૂલોની ખેતીથી કુલ ઇનકમ 4થી 8 લાખ રૂપિયા સુધીની થાય છે. આમ ખેડૂતને નેટ પ્રોફિટ લગભગ 3થી 6 લાખ રૂપિયા સુધી થાય છે.

